<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 24th May 2025

જામજોધપુર જામવાડીના પાટીયે ‘હિટ એન્‍ડ રન': ૪૫ વર્ષિય તુષારભાઇ પટેલનું મોત

રાજકોટથી કામ પતાવી બસમાંથી ઉતરી ઘર તરફ ચાલતા થયા ત્‍યારે કારનો ચાલક ઠોકરે લઇ ભાગી ગયોઃ કનેરીયા મીલમા નોકરી કરતાં હતાં

રાજકોટ તા. ૨૪: જામજોધપુરના જામવાડીના પાટીયા પાસે ‘હિટ એન્‍ડ રન'ના બનાવમાં જામવાડીના આધેડનું મૃત્‍યુ થયું છે. તેઓ ગત સાંજે રાજકોટથી કામ પતાવી પોતાના ગામના પાટીયા પાસે બસમાંથી ઉતરી ઘર તરફ જવા ચાલતા થયા એ વખતે કારનો ચાલક ઉલાળીને ભાગી જતાં ગંભીર ઇજા થઇ હતી. સારવાર દરમિયાન રાજકોટમાં દમ તોડી દીધો હતો.

જાણવા મળ્‍યા મુજબ જામજોધપુરના જામવાડીમાં રહેતાં તુષારભાઇ રમણિકભાઇ ખાંટ-પટેલ (ઉ.વ.૪૫) સાંજે સાડા આઠેક વાગ્‍યે જામવાડી ગામના પાટીયા પાસે રસ્‍તો ઓળંગી રહ્યા હતાં ત્‍યારે અજાણી કારનો ચાલક ઠોકરે લઇ ભાગી ગયો હતો. બનાવને પગલે લોકોના ટોળા ભેગા થઇ ગયા હતાં. પરિવારજનોને જાણ થતાં તેઓ પણ દોડી આવ્‍યા હતાં. ગંભીર ઇજાગ્રસ્‍ત તુષારભાઇને જામજોધપુર હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. ત્‍યાંથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં લાવવામાં આવ્‍યા હતાં. પરંતુ અહિ વહેલી સવારે તેમનું મૃત્‍યુ નિપજતાં પરિવારમાં ગમગીની વ્‍યાપી ગઇ હતી.

હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, મહેશભાઇ, તોૈફિકભાઇ, ધર્મેન્‍દ્રભાઇએ જામજોધપુર પોલીસને જાણ કરી હતી. મૃત્‍યુ પામનાર તુષારભાઇ એક બહેન અને બે ભાઇમાં મોટા તથા અપરિણીત હતાં. તેઓ કનેરીયા મીલમાં નોકરી કરતાં હતાં. ગઇકાલે રજા હોઇ રાજકોટ કામ માટે આવ્‍યા હતાં અને પરત પોતાના ગામના પાટીયા પાસે પહોંચ્‍યા ત્‍યારે આ બનાવ બન્‍યો હતો. પોલીસે ભાગી ગયેલા કારચાલકની શોધખોળ હાથ ધરી છે

(1:22 PM IST)