તા. ૧૨ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા વદ – ૧૦ ગુરૂવાર
News of Thursday, 22nd May 2025
જામનગરમાં પોલીસની કડક કાર્યવાહી : 9 લાખની સરકારી જમીન ખુલ્લી કરાવી : કુખ્યાત બુટલેગરનું ગેરકાયદેસર દબાણ હટાવાયું!
અસામાજિક તત્વો સામે લાલ આંખ : પંચ 'બી' પોલીસ સ્ટેશનની કાર્યવાહી : દડીયાગામમાં 1200 ચોરસ ફૂટ જમીન પરથી મકાન દૂર કરાયું

મુકુંદ બદીયાણી દ્વારા, જામનગર: જામનગરમાં પોલીસ દ્વારા અસામાજિક તત્વો સામે લાલ આંખ કરવામાં આવી છે. રાજકોટ વિભાગના પોલીસ મહાનિરીક્ષક અશોક કુમાર અને જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ, પંચ 'બી' પોલીસ સ્ટેશન વિસ્તારના દડીયાગામ ખાતે સરકારી જમીન પર કરાયેલું ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં આવ્યું છે. આશરે 1200 ચોરસ ફૂટ સરકારી જમીન, જેની કિંમત આશરે 9,00,000/- રૂપિયા આંકવામાં આવી છે, તેને ખુલ્લી કરાવવામાં આવી છે.
પંચ 'બી' પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ. વી.જે. રાઠોડ દ્વારા અસામાજિક તત્વોની યાદી તૈયાર કરીને કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના અપાઈ હતી. આ કાર્યવાહી અંતર્ગત, દડીયાગામમાં વસવાટ કરતી અને પ્રોહીબિશનના અનેક ગુનાઓમાં સંડોવાયેલી કુખ્યાત બુટલેગર રશીલાબેન ઓઘળભાઈ જાટિયાનું નામ આ યાદીમાં સામેલ હતું. રશીલાબેન વિરુદ્ધ પંચ 'બી' પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશનના અનેક ગુના દાખલ થયેલા છે, જેમાંથી ઘણા ગુના સાબિત પણ થયા છે, અને તે લાંબા સમયથી અસામાજિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલી છે.
બુટલેગરે જાતે જ દબાણ દૂર કર્યું: કાયદાનું ભાન કરાવતી પોલીસ
જામનગર પોલીસ દ્વારા શહેરમાં જુદા જુદા વિસ્તારોમાં અસામાજિક તત્વો દ્વારા કરાયેલા ગેરકાયદેસર દબાણ દૂર કરવાની કાર્યવાહી ચાલી રહી છે. આ જ કાર્યવાહીના ભાગરૂપે, રશીલાબેન જાટિયાનું દડીયાગામ ખાતે સરકારી જમીન પર આવેલું આશરે 1200 ચોરસ ફૂટનું મકાન, જેની કિંમત 9 લાખ રૂપિયા આંકવામાં આવી છે, તેને દબાણમુક્ત કરવા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
પોલીસની કડક કાર્યવાહી અને કાયદાનું ભાન કરાવતા, રશીલાબેન જાટિયાએ પોતે જ તેમના અનઅધિકૃત રહેણાક મકાન (જેમાં બે રૂમ અને ઓસરીનો સમાવેશ થતો હતો) ને સ્વૈચ્છિક રીતે તોડી પાડીને સરકારી જમીન ખુલ્લી કરાવી હતી. આ ઘટના જામનગરમાં અસામાજિક તત્વો પર પોલીસની પકડ મજબૂત બની રહી હોવાનો સ્પષ્ટ સંકેત આપે છે.
આ કાર્યવાહીમાં લાલપુર વિભાગના મદદનીશ પોલીસ અધિક્ષક પ્રતિભા, પંચ 'બી' પોલીસ સ્ટેશનના પી.આઈ. વી.જે. રાઠોડ અને તેમની ટીમ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી છે.
(8:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
