તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Monday, 19th May 2025
બે વર્ષથી ગુમ સગીરા આખરે મળી : અપહરણકર્તાને જામનગર AHTUએ દબોચ્યો
રાજકોટ રેન્જ આઇ.જી. અને એસ.પી.ની સૂચના બાદ પોલીસે ટેકનિકલ અને માનવ સોર્સના આધારે જોડિયા નજીકથી ઝડપ્યા

જામનગર, તા. 19 : રાજકોટ વિભાગના પોલીસ મહાનિરીક્ષક આશોકકુમાર યાદવ (IPS) અને જામનગર જિલ્લાના પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ (IPS)ની કડક સૂચના અને માર્ગદર્શન હેઠળ, જામનગર જિલ્લામાં સગીર વયના બાળકોના અપહરણના ગુન્હાઓ તેમજ ગુમ થયેલ વ્યક્તિઓને શોધી કાઢવા માટે ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ અનુસંધાને, એન્ટી હ્યુમન ટ્રાફીકીંગ યુનીટ (AHTU) જામનગરના પોલીસ ઇન્સ્પેકટર એ.એ. ખોખર દ્વારા યુનીટના સ્ટાફને જરૂરી કાર્યવાહી અને સગીર વયની બાળાઓ તથા ગુમ થનાર વ્યક્તિઓને શોધી કાઢવા માટે સઘન પ્રયાસો કરવા સૂચના આપવામાં આવી હતી.
આ સૂચના મુજબ, AHTU જામનગરનો સ્ટાફ સગીર વયની બાળાઓ અને ગુમ થયેલ વ્યક્તિઓને શોધી કાઢવા માટે સતત પ્રયત્નશીલ હતો. આ દરમિયાન, માનવ (હ્મુમન) અને ટેકનિકલ સોર્સના આધારે ચોક્કસ હકીકત પ્રાપ્ત થઈ હતી.
પ્રાપ્ત વિગત મુજબ, જોડીયા પોલીસ સ્ટેશનમાં ગુ.ર.નં- ૨૨૪/૨૦૨૩ ઇ.પી.કો. કલમ- ૩૬૩, ૩૬૬ મુજબ નોંધાયેલા અપહરણના ગુન્હાના કામે, બે વર્ષ અગાઉ ફરીયાદીની સગીર વયની દિકરીને જોડીયાથી ભગાડી જઈ અપહરણ કરનાર આરોપી નાસ્તા ફરતા હતા. એ.એસ.આઇ. આર.કે. ગઢવી (એ.એચ.ટી.યુ જામનગર)ને ચોક્કસ બાતમી મળી હતી કે આ આરોપી અને ભોગ બનનાર બંન્ને હાલ ભાદરા પાટીયા, નેશનલ હાઇવે પાસે, તા. જોડીયા, જીલ્લો જામનગર ખાતે હાજર છે.
આ બાતમીના આધારે, એ.એચ.ટી.યુ જામનગરનો સ્ટાફ અને જોડીયા પોલીસ સ્ટેશનના કર્મચારીઓએ સંયુક્ત તપાસ હાથ ધરી હતી. સંયુક્ત તપાસ દરમિયાન, બાતમીવાળી જગ્યાએથી બે વર્ષ પહેલા અપહરણ કરાયેલી સગીર ભોગ બનનાર અને અપહરણ કરનાર આરોપી હૈદરઅલી દોસમામમ્દ નથુભાઇ જામ (ઉ.વ. ૨૧, જાતે મીયાણા, રહે. હાલ ચિખલી ગામ, કરાડયા વિસ્તાર તા. માળીયા, જીલ્લો મોરબી) ને શોધી કાઢી, હસ્તગત કરવામાં આવ્યા હતા.
પોલીસે બંનેને હસ્તગત કરી આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે, જ્યારે સગીરાને પણ કાયદા મુજબ આગળની કાર્યવાહી માટે લઈ જવામાં આવી છે.
આ સફળ કામગીરી બદલ નીચે મુજબના અધિકારીઓ અને કર્મચારીઓને બિરદાવવામાં આવ્યા છે:
(૧) પો.ઇન્સ એ.એ ખોખર એ.એચ.ટી.યુ. જામનગર
(૨) એ.એસ.આઇ. રણમલભાઇ કારાભાઇ ગઢવી એ.એચ.ટી.યુ. જામનગર
(૩) પો.હેડ.કોન્સ. કિરણબેન રણછોડભાઇ મેરાણી એ.એચ.ટી.યુ. જામનગર
(૪) હેડ કોન્સ. કનુભાઇ ખોડાભાઇ જાડીયા પોલીસ હેડકોન્સ જોડીયા જી જામનગર
(૫) પોલીસ કોન્સ. જયદીપભાઇ રમેશભાઇ જેસડીયા પોલીસ કોન્સ જોડીયા જી જામનગર
(12:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
