તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Monday, 19th May 2025
લખતરના અમુક વિસ્તારોમાં ભરઉનાળે પાણીની પારાયણ

વઢવાણ તા. ૧૯ :.. લખતરમાં ઉનાળામાં હવે પાણીનો પ્રશ્ન સામે આવ્યો છે. શહેરના અમુક વિસ્તારોમાં પાણી ન મળતું હોવાની લેખિત રજૂઆત પૂર્વ એપીએમસી ચેરમેન દ્વારા કરવામાં આવી છે. તો બીજી તરફ શહેરના વિસ્તારમાં પાણી નહીં આવતું હોવાથી રહીશોએ છાજિયા લીધા હતા. લેખિત રજૂઆતના અંતમાં જો યોગ્ય કાર્યવાહી ન થઈ તો ઉપવાસ આંદોલનની ચીમકી ઉચ્ચારાઈ હતી.
હાલમાં ઉનાળો ચાલી રહ્યો છે. એક બાજુ પાણીનો પૂરતો પૂરવઠો હોવાનું તંત્ર દ્વારા રટણ કરવામાં આવી રહ્યું છે. પરંતુ લખતર શહેરના અમુક વિસ્તારોમાં હજુ પણ પાણીની સમસ્યા ઊભી જ છે. હર ઘર નળના પ્રધાનમંત્રીના સ્વપ્નને સાકાર કરવા પાણીની લાઈનો અને નળ નાંખી દેવામાં આવ્યા છે. પરંતુ આ લાઈનોની કામગીરી નબળી થઈ છે અને ઠેર ઠેર લીકેજ થઈ રહી છે.
ત્યારે આવી કામગીરી બહાર ન આવે તે માટે થઈને શહેરના વિસ્તારોમાં ૫-૫ દિવસ સુધી પાણી છોડવામાં આવતું ન હોવાના આક્ષેપ સાથે પૂર્વ એપીએમસી ચેરમેન હિતેન્દ્રસિંહ ઝાલા દ્વારા લખતર મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. જેમાં વધુમાં જણાવ્યું હતું કે, આગામી ૧૦ દિવસમાં જો કાર્યવાહી કરવામાં નહીં આવે તો ઉપવાસ આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી. રિપેરિંગના ટેન્ડર બહાર પાડ્યા બાદ કામગીરી કરવામાં આવ્યા બાદ પણ મોટાપાયે લીકેજ થતી હોવાની રજૂઆત પણ આવેદનપત્રમાં કરાઈ છે.
અત્રે ઉલ્લેખનીય ગણાશે કે, શહેરની શ્રેયાંશ સોસાયટીમાં ૫-૫ દિવસથી પાણી ન આવતું હોવાના આક્ષેપ સાથે રહીશોમાં રોષ ફેલાયો હતો.
(10:56 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
