News of Sunday, 11th May 2025
ટંકારા પંથકમાં કમોસમી વરસાદની ધમાકેદાર એન્ટ્રી : અનેક ગામોમાં ધોધમાર વરસાદ:જુઓ વિડીયો
નેકનામ, મિતાણા અને ટંકારા આસપાસ મેઘરાજાની પધરામણી : ખેતરોમાં પાણી ભરાયા

જયેશ પટેલ, ટંકારા, તા. ૧૧: ટંકારા તાલુકામાં આજે ફરી એકવાર કમોસમી વરસાદે જોરદાર એન્ટ્રી કરી છે, જેના કારણે સમગ્ર પંથકમાં મેઘાવી માહોલ છવાઈ ગયો છે. તાલુકાના અનેક ગામોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો હોવાના અહેવાલ મળી રહ્યા છે.
નેકનામ ગામમાં જોરદાર વરસાદ શરૂ થયો હોવાનું ધિરૂભાઈ એફપીએસના સંચાલકે જણાવ્યું હતું. ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે. બીજી તરફ, મિતાણા ગામમાં હાલમાં છાંટા પડી રહ્યા છે અને ઠંડો પવન ફૂંકાઈ રહ્યો છે, જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.
ટંકારા નજીક દયાનંદ પોલિપેક ૧૨ નાલા પાસે પણ ભારે વરસાદ પડી રહ્યો હોવાના સમાચાર મળ્યા છે. હસુભાઈ બોડાએ માહિતી આપતા જણાવ્યું હતું કે વરસાદની તીવ્રતા એટલી વધારે છે કે ખેતરોમાં પાણી ફરી વળ્યાં છે. કમોસમી વરસાદના કારણે ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે, કારણ કે આ સમયે તૈયાર પાકને નુકસાન થવાની સંભાવના રહેલી છે. સ્થાનિક તંત્ર દ્વારા પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.
(4:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
