તા. ૧૯ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૦ ગુરૂવાર
News of Thursday, 8th May 2025
જામનગર શહેરના ક્રિસ્ટલ મોલ, રિલાયન્સ રિફાઇનરી તથા સિક્કા થર્મલ પાવર સ્ટેશને મોકડ્રીલ યોજાઇ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૮: શહેરના ક્રિસ્ટલ મોલ, રિલાયન્સ રિફાઇનરી તથા સિક્કા થર્મલ પાવર સ્ટેશન ખાતે હવાઇ હુમલો થયો હતો. જેમાં બપોરે ચાર કલાકે જિલ્લા કંટ્રોલરૂમ તથા પોલીસ કંટ્રોલરૂમ ખાતે ફોન મારફત ઉપરોક્ત સ્થળો પર હવાઈ હુમલો થવાના કારણે તે ક્ષતિગ્રસ્ત થયા અંગેની જાણકારી મળી હતી. જેના પગલે સાઇરન વગાડીને હવાઈ હુમલો થવા અંગેની જાહેર જનતાને જાણકારી આપવામાં આવી હતી. સાઇરનનો સંકેત મળતાની સાથે જ શહેરના નાગરિકોએ નજીકના સુરક્ષિત સ્થળે આશ્રય મેળવ્યો હતો.
જિલ્લાના વિવિધ સ્થળોએ હવાઈ હુમલા અંગેની જાણકારી મળતા જ સમગ્ર જિલ્લા તંત્ર એલર્ડ મોડ પર આવી ગયું હતું. જિલ્લા કલેક્ટરશ્રી કેતન ઠક્કર, મ્યુનિસિપલ કમિશનર શ્રી ડી.એન.મોદી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી વિકલ્પ ભારદ્વાજ, પોલીસ અધિક્ષકશ્રી પ્રેમસુખ ડેલુ સહિત વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોચ્યા હતા.
ગણતરીની મીનીટમાં જ ફાયર, સિવિલ ડિફેન્સ તથા પોલીસની ટીમો એમ્બ્યુલન્સ સહિતના આધુનિક સંસાધનો સાથે ઘટના સ્થળે આવી પહોચી હતી. વિવિધ ટીમો અને આપદામિત્રોની મદદથી અસરગ્રસ્ત સ્થળે હાજર નાગરિકોને બચાવવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરાઈ હતી. ઇમર્જન્સીના ભાગરૂપે જિલ્લા તંત્ર દ્વારા ગુરુ ગોવિંદસિંઘ સરકારી હોસ્પિટલ તથા જાખર ખાતે ઉભી કરવામાં આવેલ ટેમ્પરરી હોસ્પિટલ ખાતે ઘાયલો તથા રેસ્કયુ કરાયેલા નાગરિકોને એમ્બ્યુલન્સ મારફત સુરક્ષિત ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનામાં ૩૦ જેટલા નાગરિકો ઘવાયા હતા જેમને તાત્કાલિક હોસ્પિટલ પહોંચતા કરવામાં આવ્યા હતા. જ્યારે ૫૦૦ જેટલા લોકોને રેસ્કયુ કરી સુરક્ષિત આશ્રયસ્થાને લઈ જવાયા હતા. આશ્રયસ્થાને મેડિકલની ટીમ દ્વારા ઘાયલોને સારવાર આપવામાં આવી હતી. જિલ્લા વિકાસ અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ મોકડ્રિલનું સફળ આયોજન કરાયું હતું જેમાં ગ્રામજનોએ પ્રતિસાદ આપી તંત્રને સહયોગ કર્યો હતો.
(1:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
