<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 8th May 2025

ખંભાળીયામાં અંધારપટ સમયે ૧૯૭૧નાં યુધ્‍ધની યાદો તાજી થઇ ગઇ

૬૦ વર્ષથી વધુ ઉંમરના લોકોએ પોતાના અનુભવ વાગોળ્‍યા

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા. ૮: કાલે કેન્‍દ્ર સરકારના મોકડ્રીલના આદેશ પ્રમાણે સમગ્ર રાજયમાં પોણો કલાક નકકી સમય અનુસાર બ્‍લેક આઉટ (અંધારપટ)ની સ્‍થિતિ થઇ ત્‍યારે પ૪ વર્ષ પહેલા ૧૯૭૧માં ભારત પાકિસ્‍તાન વચ્‍ચે થયેલા યુદ્ધના સમયની સ્‍થિતિ ખંભાળીયાના ૬૦ વર્ષ ઉપરના પ્રૌઢોએ તાજી કરી હતી તથા તે તે સમયનું વાતાવરણ ‘બ્‍લેક આઉટે' તાજું કર્યું હતું.

ખંભાળીયાના ઇલાબેન ચિત્તરંજન જોશી, કેશોદના મોહનભાઇ મોકરીયા, ખંભાળિયાના યોગેશભાઇ આચાર્ય, નીતિનભાઇ આચાર્ય, રામભાઇ કછટીયા, હસમુખભાઇ કંસારા સહિતના ૬૦ વર્ષથી ઉપરના લોકોએ પોતાના સમયમાં ૧૯૭૧નો યુધ્‍ધનો અનુભવ બ્‍લેક આઉટમાં વાગોળ્‍યો હતો. ૧૯૭૧ના યુધ્‍ધ વખતે દિવસો સુધી ગઇકાલે જે માત્ર પોણો કલાકનો બ્‍લેક આઉટ લોકોએ અનુભવ્‍યો તેવો તો લોકો રોજ અનુભવતા હતા. રોજ સાંજથી જ બજારો બંધ થઇ જતાં તથા દુકાનો બંધ થઇ જતી લોકો ઇમરજન્‍સીમાં બહાર જવાનું થાય ત્‍યારે પેન્‍સીલ ટોર્ચ સાથે રાખતા તે સતત ચાલુ ના રાખવાની ઘરમાં એકાદ નાની લાઇટ રાખવાની અને બારી બારણા બંધ પ્રકાશ બહાર ના જવો જોઇએ અને રોજ રાત્રે વિમાનો ઉપરથી નીકળતા અને બે વખત તો દ્વારકા જિલ્લા વિસ્‍તારમાં પાક વિમાનો ઘૂસી આવેલા પણ સદ્‌ભાગ્‍યે બોમ્‍બ દરીયામાં પડયા હતા.

જોકે ૧૯૭૧માં ખંભાળીયા શહેરમાં પણ ૩૦ ટકા વિસ્‍તારના લોકો વીજળીથી વંચિત હતા તો ગ્રામ્‍ય વિભાગમાં તો ૯૦ ટકા સ્‍થળે વીજળી જ ના હતી. ફાનસ અને મીણબતીથી બ્‍લેક આઉટમાં લોકો ભયભીત થઇને રાત્રી કાઢતા હતા.

ગઇકાલના બ્‍લેક આઉટે આ પ્રૌઢોને ૧૯૭૧ના બ્‍લેક આઉટ યાદ કરાવ્‍યા હતા. જોકે ગઇકાલે પાલિકાની સ્‍ટ્રીટ લાઇટો બંધ થઇ ગઇ હતી તથા પી.જી.વી.સી.એલ.ની પણ લાઇટો પાવર બંધ થઇ ગયો હતો જેમની પાસે ઇન્‍વર્ટર સગવડ હતી તેઓ પણ તમામ લાઇટો બંધ રાખીને આ સ્‍વૈચ્‍છીક બ્‍લક આઉટની મોક ડ્રીલમાં જોડાયા હતા તથા યુધ્‍ધની પૂર્વ તૈયારીનો અનુભવ કર્યો હતો. દ્વારકાના ઓખા તથા ખંભાળીયાના વાડીનારમાં વિશેષ આયોજન થયું હતું.

(12:59 PM IST)