<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 7th May 2025

સરહદી કચ્છ જિલ્લામાં 'ઓપરેશન અભ્યાસ' અંતર્ગત ભુજ, ગાંધીધામ અને નલિયામાં નાગરિક સંરક્ષણ મોકડ્રિલ યોજાઈ

હવાઈ હુમલા, આગ, કેમિકલ દુર્ઘટના અને બોમ્બ વિસ્ફોટ જેવી આપાતકાલીન સ્થિતિમાં ત્વરિત કાર્યવાહી અંગે નાગરિકોને માહિતગાર કરાયા : ત્રણેય સ્થળોએ ઉચ્ચ અધિકારીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા

(વિનોદ ગાલા દ્વારા) ભુજ : કેન્દ્રીય ગૃહ મંત્રાલયની સૂચનાથી યુદ્ધ જેવી આપાતકાલીન પરિસ્થિતિઓનો સામનો કરવા માટે કચ્છ જિલ્લાના ભુજ, ગાંધીધામ અને નલિયામાં 'ઓપરેશન અભ્યાસ' અંતર્ગત નાગરિક સંરક્ષણ મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મોકડ્રિલમાં નાગરિકોને હવાઈ હુમલાની ચેતવણી સમયે સ્વબચાવ, ઘાયલોની પ્રાથમિક સારવાર અને સ્થળાંતર, બોમ્બ વિસ્ફોટથી ઈજાગ્રસ્તોની સારવાર, આગના બનાવમાં રાહત બચાવ અને કેમિકલ દુર્ઘટનાઓ સામે રક્ષણ જેવી બાબતોની તાલીમ અને સમજણ આપવામાં આવી હતી.
ભુજમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલી મોકડ્રિલમાં સાંસદ વિનોદભાઈ ચાવડા, અગ્રણી દેવજીભાઈ વરચંદ, ધારાસભ્ય કેશુભાઈ પટેલ, નગરપાલિકા પ્રમુખ રશ્મિબેન સોલંકી, જિલ્લા કલેક્ટર આનંદ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ, પોલીસ અધિક્ષક વિકાસ સુંડા સહિત અનેક ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગાંધીધામમાં કંડલા પોર્ટ ખાતે યોજાયેલી મોકડ્રિલમાં ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, પોર્ટના ઉચ્ચ અધિકારીઓ અને પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમાર સહિત મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા. અહીં એજીસ વોપાક ટર્મિનલમાં કેમિકલ અંગેની વિશેષ મોકડ્રિલ પણ યોજાઈ હતી. નલિયામાં રાજપૂત સમાજવાડી ખાતે યોજાયેલી મોકડ્રિલમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક નિકુંજ પરીખ અને અન્ય પ્રાંત અધિકારીઓ તેમજ નાગરિક સંરક્ષણના વોર્ડન અને નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આ મોકડ્રિલને સફળ બનાવવા માટે નાગરિક સંરક્ષણ કચેરી, બીએસએનએલ, જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન ટીમ, હોમગાર્ડ, એનસીસી, એનએસએસ, માર્ગ અને મકાન વિભાગ, પાણી પુરવઠા, નગરપાલિકા, વન વિભાગ, આરોગ્ય વિભાગ, પીજીવીસીએલ, ફાયર વિભાગ, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ, આરટીઓ, એસટી, સમાજ સુરક્ષા કચેરી, પુરવઠા વિભાગ અને રેડક્રોસ સહિત વિવિધ સંસ્થાઓ અને જિલ્લા વહીવટીતંત્રના વિભાગોએ સહયોગ આપ્યો હતો. મોકડ્રિલ બાદ તમામ વિભાગોની ખામીઓની ચર્ચા કરવામાં આવી હતી અને આગામી સમયમાં કોઈપણ આપદાને પહોંચી વળવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

 

(8:57 PM IST)