<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 7th May 2025

ધોરાજીમાં અચાનક વાતાવરણ પલટાયું : ભારે પવન અને મીની વાવાઝોડા સાથે કમોસમી વરસાદ ત્રાટક્યો :જુઓ વિડીયો

ગેલેક્સી ચોક, રેલવે સ્ટેશન રોડ, હોસ્પિટલ ચોક અને જેતપુર રોડ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ : ઉભા પાકને નુકસાનની ભીતિથી ખેડૂતો ચિંતિત

કિશોર રાઠોડ, ધોરાજી: રાજકોટ જિલ્લાના ધોરાજી શહેરમાં આજે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. બપોર બાદ ભારે પવન સાથે મીની વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઈ હતી અને ત્યારબાદ ધોધમાર કમોસમી વરસાદ શરૂ થયો હતો. આ વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા, જ્યારે ખેડૂતોમાં તેમના ઉભા પાકને નુકસાન થવાની ભીતિથી ચિંતાનું મોજુ ફરી વળ્યું છે.
સ્થાનિક પત્રકાર કિશોરભાઈ રાઠોડના જણાવ્યા અનુસાર, ધોરાજી શહેરના મુખ્ય વિસ્તારો જેવા કે ગેલેક્સી ચોક, રેલવે સ્ટેશન રોડ, હોસ્પિટલ ચોક, અવેડા ચોક અને જેતપુર રોડ સહિતના વિસ્તારોમાં જોરદાર કમોસમી વરસાદ વરસી રહ્યો છે. ભારે પવનના કારણે વાતાવરણમાં અંધારું છવાઈ ગયું હતું અને વરસાદ તૂટી પડ્યો હતો.
આ કમોસમી વરસાદના કારણે ખેડૂતોના ઉભા પાકને મોટું નુકસાન થવાની સંભાવના છે. હાલમાં ખેતરોમાં તલ, બાજરો, મગફળી, સોયાબીન અને ડુંગળી જેવા પાક ઉભા છે, જે આ વરસાદના કારણે ખરાબ થઈ શકે છે. ખેડૂતો આ અણધાર્યા વરસાદથી ભારે પરેશાન છે અને પાકને બચાવવા માટેના પ્રયત્નો કરી રહ્યા છે.
આ ઘટનાનો વિડીયો પણ સ્થાનિક પત્રકાર કિશોરભાઈ રાઠોડ દ્વારા કેમેરામાં કેદ કરવામાં આવ્યો છે, જે દર્શાવે છે કે ધોરાજીમાં વરસાદની તીવ્રતા કેટલી વધારે છે. અચાનક આવેલા આ વાતાવરણીય પલટાથી શહેરમાં ઠંડક પ્રસરી ગઈ છે, પરંતુ ખેડૂતો માટે આ વરસાદ આફત સમાન સાબિત થઈ શકે છે. તંત્ર દ્વારા હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી, પરંતુ ખેડૂતો રાહતની આશા રાખી રહ્યા છે.

 

(3:49 PM IST)