<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 7th May 2025

સાવરકુંડલામાં ચોમાસા જેવા માહોલ સાથે કમોસમી ૨ ઇંચ વરસાદઃ પતરા ઉડયા

લાઇટની આવ-જા વચ્‍ચે બીએસએનએલનું નેટવર્ક ઠપ્‍પ થઇ ગયું: અનેક કાર્યક્રમો પડતા મુકાયા

(દિપક પાંધી- ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા તા.૭: ભારે તડકા અને ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઊઠયા હતા ત્‍યારે  કાલે સવારથી જ વાદળ છાયું વાતાવરણ માં કાલે બપોરે અંદાજે ૪ વાગ્‍યાથી સાવરકુંડલા શહેરમાં ભારે પવન સાથે કરા અને સૂપડાની  ધારે વરસાદ વરસ્‍યો હતો અને પતરા પ્‍લાસ્‍ટિક ઊડી ગયા હતા.

હવામાન ખાતાની આગોતરી આગાહી મુજબ જ અમરેલી જિલ્લાના સાવરકુંડલા શહેર અને પંથકમાં ગઈકાલે તા.૬ ના સવારથી જ વાદળછાયુ વાતાવરણ રહ્યા બાદ બપોર પછી ચાર કલાકે એકાએક જોરદાર વરસાદ અને પવનના ભારે સુસવાટા શરૂ થયા હતા અને ૪ થી ૭ કલાક સુધી થોડી થોડી વારે મોટા મોટા ઝાપટામાં ભારે પવન સાથે બે ઇંચ ઉપર વરસાદ પડયો હતો ભારે પવનને કારણે ઘણી દુકાનોના બોર્ડ ર્હીડિંગ ઉડી ગયા હતા તો ઘણી દુકાનો બહાર રાખેલો માલસામાન પણ ઉડી જ પામ્‍યો હતો તો ઘણી જગ્‍યાએ રોડ ઉપર વળક્ષો પડી જવાની ઘટના બનતા રસ્‍તા પણ બંધ થઈ જવા પામ્‍યા હતાં બાજુના પીઠવડી ગામે બપોરના સમયે કરાનો વરસાદ પડયો હતો તો લાઇટ ની આવ જા વચ્‍ચે બી એસ એન એલનું નેટવર્ક પણ ઠપ્‍પ થઇ ગયું હતુ. બપોર બાદ આયોજિત થયેલા ધાર્મિક, સામાજિક કાર્યક્રમો પણ પડતા મૂકવામાં આવ્‍યા હતા. એકંદરે સાત વાગ્‍યા પછી વરસાદ બંધ થઇ ગયો હતો અને રાતભર શાંતિ રહી હતી આજ સવારે સૂર્યનારાયણના દર્શન થતા લોકોએ હાશકારો અનુભવ્‍યો છે. ગઇકાલ સાંજનો વરસાદ મામલતદાર કચેરીમાં ૫૪ મીમી નોંધાયો હતો. સદભાગ્‍યે જાનમાલની નુકસાનીના થયાના કોઈ સમાચાર નથી.

(12:29 PM IST)