તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 7th May 2025
કચ્છના નાના રણમાં રહેલ ૭ લાખ મેટ્રીક ટન મીઠા માટે સર્જાયેલ મોટુ જોખમઃ વાવાઝોડાથી અગરિયાઓની સોલાર પેનલો ફંગોળાઇ

(ફઝલ ચોહાણ દ્વારા) વઢવાણ તા.૭: કચ્છના નાના રણમાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં આવેલા પલટાએ મોટી ચિંતા સર્જી છે. વાવાઝોડા સાથે આવેલા વરસાદે રણમાં રહેલા ૭ લાખ મેટ્રિક ટન મીઠા માટે મોટું જોખમ ઊભું કર્યું છે. ખારાઘોડા સોલ્ટ એસોસિએશનના પૂર્વ પ્રમુખ હિંગોરભાઈ રબારીના જણાવ્યા મુજબ, અત્યાર સુધીમાં ૭.૫૪ લાખ મેટ્રિક ટન મીઠું ખારાઘોડા ગંજે પહોંચાડવામાં આવ્યું છે. જૂનો સ્ટોક ૨.૫થી ૩ લાખ મેટ્રિક ટન છે. રણમાં હજુ ૬.૫થી ૭ લાખ મેટ્રિક ટન મીઠું પડ્યું છે.
વાવાઝોડાને કારણે અગરિયાઓની સોલર પેનલો ફંગોળાઈને દૂર ફેંકાઈ છે. જો વરસાદના કારણે બાકી રહેલું મીઠું રણમાં જ રહી જાય તો મીઠાની મંદીના સમયમાં અગરિયાઓ અને વેપારીઓની સ્થિતિ વધુ કફોડી બની શકે છે. છેલ્લા દોઢ મહિનાથી જેસીબી અને ડમ્પરો દ્વારા રણમાંથી ખારાઘોડા ગંજે મીઠું ખેંચવાની કામગીરી ચાલી રહી હતી. ૨૦૧૩માં આવી જ સ્થિતિમાં ૪૦૦થી વધુ અગરિયાઓને ટ્રેક્ટરો અને બોટ દ્વારા બચાવવા પડ્યા હતા.
સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં દસાડામાં સૌથી વધુ ૨૪ મિમી, ચોટીલામાં ૨૧ મિમી, મુળીમાં ૧૮ મિમી, લખતરમાં ૧૬ મિમી અને ચુડામાં ૧૩ મિમી વરસાદ નોંધાયો છે. ધ્રાંગધ્રામાં ૧૨ મિમી, વઢવાણમાં ૧૦ મિમી, થાનમાં ૮ મિમી, સાયલામાં ૬ મિમી અને લીંબડીમાં ૨ મિમી વરસાદ પડ્યો છે.
(11:56 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
