<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 6th May 2025

રાજકોટના રીબડામાં અમિત ખૂંટની અંતિમયાત્રા : હજારો લોકોની હાજરીમાં 9 વર્ષના પુત્રએ આપી મુખાગ્નિ

દુષ્કર્મના આરોપીએ આપઘાત કર્યા બાદ પરિવારે માંગ્યો ન્યાય : SITની રચના બાદ સ્વીકાર્યો મૃતદેહ

રાજકોટ : ગોંડલના રીબડા ગામમાં રહેતા અને દુષ્કર્મના આરોપી અમિત ખૂંટે ગઈકાલે આપઘાત કરી લીધા બાદ આજે તેમની અંતિમયાત્રા નીકળી હતી. સાંજે 4 વાગ્યે શરૂ થયેલી આ યાત્રામાં હજારો લોકો જોડાયા, અને ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો. અમિતના 9 વર્ષીય પુત્રએ રડતાં-રડતાં પિતાના દેહને મુખાગ્નિ આપી, જે દૃશ્યએ સૌની આંખો ભીની કરી દીધી.

અમિત ખૂંટે 5 મેના રોજ લોધિકા રોડ પર આવેલી પોતાની વાડી નજીકના વોંકળામાં ઝાડ પર દોરડું બાંધી ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. તેમની સામે અમરેલીની એક સગીરા પર દુષ્કર્મનો આરોપ હતો, જે રાજકોટની હોટલમાં રહીને મોડલિંગ કરતી હતી. ફરિયાદ નોંધાયાના બીજા દિવસે જ અમિતે જીવન ટૂંકાવી લીધું હતું. તેમના ખિસ્સામાંથી મળેલી સુસાઇડ નોટમાં રાજદીપસિંહ જાડેજા, અનિરુદ્ધસિંહ જાડેજા અને બે યુવતીઓના નામનો ઉલ્લેખ કરી, પોતાને હની ટ્રેપમાં ફસાવવામાં આવ્યો હોવાનો આરોપ લગાવ્યો હતો. આ મામલે અમિતના ભાઈએ ચારેય શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી.

શરૂઆતમાં અમિતના પરિવારે ન્યાયની માગણી સાથે મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. જે બાદ જિલ્લા પોલીસ વડાએ SITની રચના કરી અને તટસ્થ તપાસની ખાતરી આપતાં પરિવારે મૃતદેહ સ્વીકાર્યો. આજે પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે રીબડામાં અંતિમયાત્રા નીકળી, જેમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, તેમના પુત્ર ગણેશ ગોંડલ, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ પ્રફુલભાઈ ટોળિયા, માર્કેટિંગ યાર્ડના વાઇસ ચેરમેન ધર્મેન્દ્રસિંહ જાડેજા, નાગરિક બેંકના ચેરમેન અશોકભાઈ પીપળિયા સહિતના આગેવાનોએ હાજરી આપી અને પરિવારને સાંત્વના આપી. ગ્રામજનો અને અમિતના મિત્રો પણ મોટી સંખ્યામાં યાત્રામાં જોડાયા હતા.

 

(9:18 PM IST)