<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 27th April 2025

પહેલગામ આતંકવાદી હુમલાના પગલે જામનગરમાં ભગવાન પરશુરામજીની શોભાયાત્રા રદ

બ્રહ્મ સમાજ દ્વારા નિર્દોષ નાગરિકોને શ્રદ્ધાંજલિ : સાદાઈથી જન્મોત્સવની ઉજવણી કરાશે

જામનગર: જામનગર જિલ્લા-શહેર સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા પ્રતિવર્ષે યોજાતી ભગવાન શ્રી પરશુરામજીની ભવ્ય શોભાયાત્રા આ વર્ષે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના પગલે રદ કરવામાં આવી છે. આ નિર્ણય હુમલામાં મૃત્યુ પામેલા નિર્દોષ નાગરિકોને શ્રદ્ધાંજલિ આપવાના ભાગરૂપે લેવામાં આવ્યો છે. સમાજ દ્વારા હવે માત્ર એક વાડીમાં પૂજન-અર્ચન સાથે જ પરશુરામ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવશે.
આ અંગેની અંતિમ બેઠક તા. ૨૬મી એપ્રિલના રોજ દયાશંકર બ્રહ્મપુરીમાં સમસ્ત સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મ સમાજના ટ્રસ્ટી શ્રી નરેન્દ્રભાઈ ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ યોજાઈ હતી. જેમાં સમસ્ત બ્રહ્મ સમાજના જિલ્લા પ્રમુખ પ્રફુલભાઈ વાસુ, જિલ્લા મહામંત્રી ભાસ્કરભાઈ જોશી, શહેર પ્રમુખ આશિષ જોષી સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં શહેર પ્રમુખ આશિષભાઈ જોશીએ શોભાયાત્રા રદ કરવાના નિર્ણયની જાહેરાત કરી હતી, જે સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છના બ્રહ્મ અગ્રણીઓ સાથે પરામર્શ કર્યા બાદ લેવામાં આવ્યો હતો.
હવે આગામી તા. ૨૯મી એપ્રિલના રોજ માત્ર દયાશંકર બ્રહ્મપુરીની વાડીમાં સાંજે પાંચ વાગ્યે વૈદિક હોમ-હવન સાથે ભગવાન પરશુરામનો જન્મોત્સવ સાદાઈથી ઉજવવામાં આવશે. આ સમગ્ર આયોજનની જવાબદારી નવા નિમાયેલા મહિલા કન્વીનર અને તેમની ટીમને સોંપવામાં આવી છે. આ પ્રસંગે ઉપસ્થિત તમામ બ્રહ્મબંધુઓ દ્વારા પહેલગામ આતંકવાદી હુમલાના મૃતકોને મીણબત્તી પ્રગટાવીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી અને બે મિનિટનું મૌન પાડવામાં આવ્યું હતું. વધુમાં, પરશુરામ જન્મોત્સવના દિવસે આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલા નિર્દોષ નાગરિકોના આત્માની શાંતિ માટે મહામૃત્યુંજયના જાપ પણ કરવામાં આવશે.

 

(4:18 PM IST)