તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Sunday, 27th April 2025
કાશ્મીર આતંકવાદી હુમલા સામે જામનગર વૈષ્ણવ સમાજની કડક નિંદા : હિન્દુઓને સજાગ રહેવા આહ્વાન
શ્રી મોટી હવેલીમાં બેઠક યોજાઈ : પૂ. વલ્લભરાયજીએ વડાપ્રધાનને કડક કાર્યવાહી કરવા અનુરોધ કર્યો

જામનગર: જામનગરની શ્રી મોટી હવેલીમાં ગાદીપતિ પ.પૂ.ગો. શ્રી વલ્લભરાયજી મહોદયની અધ્યક્ષતામાં વૈષ્ણવ સમાજની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. પૂ. રસાર્દ્રરાયજી તથા પૂ. પ્રેમાદ્રરાયજીની ઉપસ્થિતિમાં અને જામનગર વૈષ્ણવ સમાજના પ્રમુખ વજુભાઈ પાબારી સહિત અનેક વૈષ્ણવોની હાજરીમાં તાજેતરમાં કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાની સખત શબ્દોમાં નિંદા કરવામાં આવી હતી. બેઠકમાં આ હુમલા વિરુદ્ધ એક કઠોર નિંદા પ્રસ્તાવ પણ રજૂ કરવામાં આવ્યો હતો.
બેઠકની શરૂઆતમાં આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલા લોકો માટે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને તેમના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી. આ પ્રસંગે પૂ. વલ્લભરાયજીએ આ હુમલાના સંદર્ભમાં સમગ્ર હિન્દુ સમાજને સજાગ રહેવા માટે આહ્વાન કર્યું હતું. તેમણે ભારતમાં હિન્દુઓ સાથે આવી ઘટનાઓ બને તેને ચેતવણીરૂપ ગણાવી હતી. વધુમાં, પૂ. વલ્લભરાયજીએ આતંકવાદી હુમલો કરનારાઓ તેમજ તેમને મદદ કરનારાઓ સામે કડક અને દાખલારૂપ કાર્યવાહી કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહને જાહેરમાં અનુરોધ કર્યો હતો. જામનગર વૈષ્ણવ સમાજનો આ કઠોર નિંદા પ્રસ્તાવ કલેક્ટરના માધ્યમથી સરકારને પણ મોકલવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું હતું.
(4:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
