<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 27th April 2025

ટંકારા નજીક પોલીસ જાપ્તામાંથી ચોરીનો આરોપી હાથકડી સાથે ફરાર

જૂનાગઢથી મોરબી જેલ બદલી દરમિયાન ટોયલેટ જવાના બહાને કેદી ભાગ્યો : પોલીસ તપાસમાં જોતરાઈ

ટંકારા: જૂનાગઢ જેલમાંથી મોરબી જેલમાં બદલી કરવામાં આવી રહેલો ચોરીનો આરોપી ટંકારા નજીક પોલીસ જાપ્તામાંથી હાથકડી સાથે નાસી ગયો હતો. આ ઘટના ત્યારે બની જ્યારે આરોપીને ટોયલેટ જવા માટે લઈ જવામાં આવ્યો હતો. ફરાર આરોપીને પકડવા માટે પોલીસે નાકાબંધી કરી હતી, પરંતુ તે પોલીસના હાથમાં આવ્યો ન હતો. મોરબી લોકલ ક્રાઈમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસ સહિતનો સ્ટાફ ભાગેડુ આરોપીને શોધવા માટે સઘન તપાસ કરી રહ્યો છે. આ અંગે ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે.
પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, જૂનાગઢ જિલ્લાના વંથલી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ચોરીના ગુનામાં જૂનાગઢ જેલમાં બંધ હરસુખ ઉર્ફે ચુવી કાળુભાઈ વાઘેલા (રહે. જૂનાગઢ)ને કોર્ટના હુકમથી મોરબી જેલમાં ખસેડવામાં આવી રહ્યો હતો. જૂનાગઢ ભવનાથ પોલીસ સ્ટેશનના પીએસઆઈ સહિતનો સ્ટાફ સરકારી વાહનમાં આરોપી હરસુખને લઈને મોરબી જવા નીકળ્યો હતો. ગઈકાલે સવારે આશરે 10:30 વાગ્યે ટંકારા નજીક ખજૂરા હોટલ પાસે સરકારી વાહન ગરમ થઈ જતાં હોટલના પાર્કિંગમાં ઊભું રાખવામાં આવ્યું હતું. આ દરમિયાન આરોપી હરસુખે ટોયલેટ જવાની ઈચ્છા વ્યક્ત કરતાં પોલીસકર્મીઓ તેને હાથકડી સાથે ટોયલેટમાં લઈ ગયા હતા. ત્યારબાદ આરોપી ટોયલેટમાંથી બહાર નીકળીને દીવાલ કૂદીને ભાગી ગયો હતો. જૂનાગઢ પોલીસે ખેતરોમાં તેનો પીછો કર્યો હતો, પરંતુ આરોપી પકડાયો ન હતો. અંતે પોલીસે નાકાબંધી કરાવીને ટંકારા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો હતો.
હાલમાં ટંકારા પોલીસ અને મોરબી એલસીબી સહિતના સ્ટાફે ભાગેડુ આરોપીને પકડવા માટે તપાસ તેજ કરી છે. આકાશમાં ડ્રોન ઉડાડીને તેમજ આસપાસના ખેતરો અને ઉજ્જડ વિસ્તારોમાં પણ શોધખોળ કરવામાં આવી રહી છે. જો કે, ચાલાક આરોપી પોલીસને ચકમો આપીને ફરાર થવામાં સફળ રહ્યો હતો. આ ઘટનાને લઈને અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે, જેમ કે બંને હાથમાં હાથકડી હોવા છતાં અને ખિસ્સામાં એક રૂપિયો પણ ન હોવા છતાં આરોપી પોલીસ જાપ્તામાંથી કેવી રીતે ગાયબ થઈ ગયો? શું તે વિસ્તારના કોઈ સીસીટીવી કેમેરામાં દેખાયો નથી? પોલીસનું વાહન ટંકારા ગામથી થોડે દૂર આવેલી જાણીતી હોટલ પાસે જ કેમ ગરમ થયું? આ તમામ મુદ્દાઓ હાલ તપાસનો વિષય છે.

 

(10:56 AM IST)