<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 9th April 2025

માધવપુરમાં સાંજે ભગવાન શ્રીકૃષ્‍ણ અને રૂક્ષ્મણીજીના વિવાહઃ આચાર્ય દેવવ્રત ઉપસ્‍થિત રહેશે

નજીકના કડછથી ગ્રામ્‍યજનો વાજતે ગાજતે ઢોલ-નગારા સાથે રૂક્ષ્મણીજીનું મામેરું લઇને નીજ મંદિરે આવ્‍યાઃ ધ્‍વજારોહણઃ રાત્રે ઉત્તર-પૂર્વે રાજયો તથા ગુજરાતના કલાકારોનો કલરફુલ સાંસ્‍કૃતિક કાર્યક્રમ માધવપુરના મેળામાં ગુજરાતના રાજયપાલ આચાર્ય દેવવ્રત સાથે અરૂણાચલના રાજયપાલ લેફટનન્‍ટ જનરલ કૈવલ્‍ય ત્રિવિક્રમ હાજર રહેશે

પોરબંદર તા. ૯: માધવપુરમાં ભગવાન શ્રીકૃષ્‍ણ રુકમણીના વિવાહ પ્રસંગને ઉજાગર કરતો માધવપુરના મેળાનો રંગ જામ્‍યો છે. આજે સાંજથી ભગવાન શ્રીકૃષ્‍ણ અને રુકમણીજીના લગ્ન પ્રસંગ ઉજવાશે. આ અવસરે ગુજરાતના રાજયપાલ આચાર્ય દેવવ્રતજી અને અરૂણાચલના રાજયપાલ લેફટનન્‍ટ જનરલ કૈવલ્‍ય ત્રિવિક્રમ સહિત મહાનુભાવો ઉપસ્‍થિત રહેશે.

ભગવાન શ્રી કૃષ્‍ણ અને રુકમણીજીના વિવાહ અવસરે નજીકના કડછ ગામેથી આજે બપોરે રુકમણીજીનું મામેરૂં લઇને ગ્રામ્‍યજનો વાજપે ગાજતે ઢોલ નગારા અને ભજન-કીર્તન સાથે આવ્‍યાં હતાં. કડછના ગ્રામ્‍યજનોએ નીજ મંદિરે આવીને ધ્‍વજારોહણ કર્યું હતું.

કડછથી ભાઇઓ મંદિરે પહોંચ્‍યા પછી આગવી શૈલીમાં તલવારબાજી, ઘોડાબાજી તથા દુહાઓની રમઝટ બોલાવી હતી. ત્‍યારબાદ તેઓ જલારામ મંદિરની બાજુમાં મહેર સમાજની વાડીએ આવશે અને ભોજન, ભજન અને વિશ્રામ મબાદમાં નિજ મંદિરેથી કૃષ્‍ણ ભગવાનની જાન બપોરે ૪ કલાકે મધુવનમાં જવા રવાના થશે. ત્‍યારે ભગવાનને વરરાજા તરીકે નિહાળવા અને જાનમાં જવા માનવ મહેરામણ ઉભરાશે. પછી ભગવાનને ભવ્‍ય રથમાં બિરાજમાન કરશે અને તેમને પોલીસ જવાનો દ્વારા ગાર્ડ ઓફ ઓનર અપાશે. ભગવાનનો રથ મુખ્‍ય બજારમાં થઇ ગ્રાઉન્‍ડમાં પહોંચશે. બહેનો પ્રાચીન ગીતો ગાશે. ભગવાનનો રથ પવનવેગે એકથી દોઢ કિ.મી. સુધી પોલીસ બંદોબસ્‍ત વચ્‍ચે દોડાવવામાં આવશે અને જાનૈયા પણ રથની પાછળ દોડશે. તા. ૧૦ને તેરસના રોજ યુગલ સ્‍વરૂપ રુક્ષ્મણીજી અને માધવરાયને હાથ ગણું અપાવાનો લહાવો ભકતોને મળશે. આ સાથે ઉંટ, ઘોડાના કરતબો જોવા મળશે.

માધવપુરના મેળા સહિત અમદાવાદ, સુરત, સોમનાથ અને વડોદરામાં ઉત્તર-પૂર્વ રાજયના અને ગુજરાતના ૧૬૦૦ કલાકારોની એક સાથે ભવ્‍ય સાંસ્‍કૃતિક કૃતિ પાછળ ૭પ વર્ષના કોરિયોગ્રાફર કલ્‍પેશ દલાલનું વિઝન રહેલું છે. રાજય સરકારના માધુપુર મેળાના આયોજનના અનુલક્ષીને ઉત્તર પૂર્વીય રાજયના ૮૦૦ અને ગુજરાતના ૮૦૦ કલાકારો સાથે મળીને કુલ ૧૬૦૦ કલાકારો એક સાથે નૃત્‍ય રજુ કરતી કૃતિને કોરિયોગ્રાફી કરવામાં આવી છે.

ગુજરાતના રાસ ગરબા ઉપરાંત ઉત્તર પૂર્વીય રાજયના ર૬ લોક નૃત્‍યોનો સુમેળ સમન્‍વય સાધવામાં આવ્‍યો છે. કલ્‍પેશ દલાલ કહે છે કે, આ કૃતિ તૈયાર અને રજૂ કરવી પડકારજનક હતી કારણ કે, તેને સ્‍ટેડિયમમાં રજૂ કરવાની હતી. સ્‍ટેડિયમ સ્‍પેકટીકલ બનાવવા માટે મારી સાથે રપ કોરિયોગ્રાફીરની ટીમે જહેમત ઉઠાવી છે.

હેમેન્‍દ્રકુમાર પારેખ

અને

પરેશ પારેખ

પોરબંદર

(11:48 AM IST)