તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Wednesday, 2nd April 2025
જુનાગઢના રેલવે ફાટક દૂર કરવા, અમદાવાદ - સોમનાથ - સુરત વચ્ચે વંદે ભારત ટ્રેન શરૂ કરવા સંસદમાં રજૂઆત
રેલ્વે મંત્રીએ કહ્યું : ફિઝિબીલીટી ચેક કરી ટ્રેન અંગે નિર્ણય કરાશે, ફાટક દૂર કરવા અંગે પણ વિચારાશે

( વિનુ જોશી દ્વારા ) જુનાગઢ શહેરમાંથી પસાર થતી મીટર ગેજ રેલવે લાઇન પરના 7 ફાટકોને દૂર કરવા માટે તેમજ અમદાવાદ - સોમનાથ - સુરત વચ્ચે વંદે ભારત ટ્રેન શરૂ કરવા સંસદમાં રજૂઆત કરાઈ છે. જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમાએ પ્રશ્નોતરીની શરૂઆત કરતા સંસદમાં જણાવ્યું હતું કે,રેલવે મંત્રીએ ટૂંક સમયમાં જ સમગ્ર દેશમાં 136 વંદે ભારત ટ્રેન શરૂ કરી છે તે બદલ તેમને ધન્યવાદ છે. બાદમાં જણાવ્યું હતું કે, મારા સંસદીય વિસ્તારમાં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પ્રયાસોથી વૈશ્વિક ધરોહર સમાન દ્વાદશ જ્યોતિર્લિંગ પૈકીના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરનું નવનિર્માણ કરાયું છે.એશિયાટીક લાયન વધુ લોકો જોવા માટે આવે તે માટેના પ્રયાસો કર્યા છે. તેમજ ગિરનાર પર રોપ - વે શરૂ કરાયો છે, જેને કારણે દર વર્ષે લાખોની સંખ્યામાં દેશ વિદેશના પ્રવાસીઓ આવે છે.
જોકે, પૂરતા પ્રમાણમાં યાતાયાતની સુવિધા ન હોવાને કારણે પ્રવાસીઓને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જ્યારે સમગ્ર દેશમાં વંદે ભારત ટ્રેન શરૂ કરવામાં આવી છે, ત્યારે જુનાગઢ અને ગીર સોમનાથમાં આવનાર લાખો પ્રવાસીઓને પ્રવાસમાં સરળતા રહે તે માટે સોમનાથ - અમદાવાદ - સુરત વચ્ચે વંદે ભારત ટ્રેન શરૂ કરવામાં આવે તે જરૂરી છે
. દરમિયાન રેલ્વે મંત્રી અશ્વિન વૈષ્ણવે જણાવ્યું હતું કે, સોમનાથ ઐતિહાસિક ધરોહર છે દેશ માટે મહત્વનું સ્થાન ધરાવે છે. એટલા માટે જ સોમનાથ સ્ટેશનનું ભવ્ય નવ નિર્માણ કરાઈ રહ્યું છે અને સાંસ્કૃતિક આધાર પર રેલવે સ્ટેશનની ડિઝાઇન તૈયાર કરાવી છે. રેલ્વે સ્ટેશનનું કામ ખૂબ ઝડપથી કરવામાં આવી રહ્યું છે અને જલ્દી કામ પૂર્ણ થઈ જશે. જ્યારે વંદે ભારત ટ્રેન દોડાવવા માટે સાંસદે કરવી રજૂઆતને નોંધ લીધી છે અને ફિઝિબિલિટી ચેક કરીને પછી નિર્ણય કરાશે અને તેની જાણ કરાશે.
સાંસદ રાજેશ ચુડાસમાએ બીજો પ્રશ્ન કરતા જણાવ્યું હતું કે, જુનાગઢ શહેરમાંથી પસાર થયેલી મીટર ગેજ રેલ્વે લાઈન પર 7 ફાટકો આવે છે. જેને કારણે જૂનાગઢ શહેર બે ભાગમાં વહેંચાઈ જાય છે. દિવસમાં અનેકવાર ટ્રેનો પસાર થતી હોવાને કારણે 7 ફાટકો વારંવાર બંધ થાય છે જેને કારણે અનેક વખત ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે અને વર્ષભર લોકોને યાતનાનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિક લોકોની પણ વર્ષો જૂની માંગ છે કે જુનાગઢ શહેરને રેલવે ટ્રાફિકથી મુક્તિ અપાવવા માટે રેલવેના 7 ફાટકોને દૂર કરવામાં આવે. ત્યારે સરકાર દ્વારા આ સમસ્યાના સમાધાન માટે સરકારે શું કોઇ યોજના બનાવી છે ? જો યોજના હોય તો તે અંગેની જાણકારી આપવામાં આવે.
ત્યારે રેલ્વે મંત્રી અશ્વિન વૈષ્ણવે જણાવ્યું હતું કે, જુનાગઢ શહેરના 7 રેલવે ફાટકોને દૂર કરવા માટે સંસદસભ્ય રાજેશ ચુડાસમા સાથે જ અનેક વખત ચર્ચા કરવામાં આવી છે. રેલવે ફાટકની બહુ મોટી સમસ્યા છે. કારણ કે નાના એવા રેલ્વે ટ્રેકમાં 7 જગ્યાએ રેલવે ફાટક આવે તેને કારણે અનેક સમસ્યાઓ સર્જાતી હોય છે. આ રેલવે ફાટકને દૂર કરવા મુશ્કેલ છે પરંતુ સાંસદે જ એવો સુઝાવ આપ્યો હતો કે રેલવે રી ઓર્ગેનાઈઝ કરી શકાય તેમ છે. કાનપુરમાં પણ આવી સમસ્યા હતી જેને દૂર કરાઈ છે. જ્યાં જ્યાં આવી સમસ્યાઓ હતી તેને એક એક કરીને દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ત્યારે જૂનાગઢમાં પણ રેલ્વે લાઈનની રિ ઓર્ગેનાઈઝની શક્યતાઓને તપાસી ત્યારબાદ નિર્ણય કરવામાં આવશે.
(8:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
