તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Saturday, 22nd March 2025
જામનગરની પ્રતિભા ઉપાસના ઠક્કરને"જામનગર રત્ન" સન્માનથી નવાજાયા
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 2025 નિમિત્તે "ગુજરાત રાજ્ય સેવા સમિતિ" અને "જીનિયસ ક્લબ", જામનગર દ્વારા સન્માન

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૨૨ :
જામનગરની ધરાએ હંમેશા અસાધારણ પ્રતિભાઓને જન્મ આપ્યો છે, અને આવી જ એક શ્રેષ્ઠ પ્રતિભા છે *"દીપાલી ઉર્ફે ઉપાસના નટવરલાલ ઠક્કર"* . તેઓ માત્ર એક કલાકાર જ નથી, પણ એક સંગીત સાધિકા, ચિત્રકાર, શિલ્પકાર, કાઉન્સેલર, આર્ટ થેરાપીસ્ટ અને સમાજ માટે સમર્પિત વ્યક્તિ છે.
તાજેતરમાં, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 2025 નિમિત્તે 9 માર્ચ 2025 ના રોજ, "ગુજરાત રાજ્ય સેવા સમિતિ" અને "જીનિયસ ક્લબ", જામનગર દ્વારા *"જામનગર રત્ન"* પ્રતિભા સન્માનથી તેઓને નવાજવામાં આવ્યા.
આ સન્માન સમારોહમાં ગુજરાત રાજ્ય સેવા સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ મિતેશસિંહ રાજપુત, જામનગરના ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, પ્રિન્સિપલ ડીસ્ટ્રીક એન્ડ સેસન જજ ઓફ ફેમિલી કોર્ટ ટી. ડી. પડીયા , પોલીસ ઇન્સ્પેક્ટર જયદીપસિંહ રાઠોડ , પી. એસ. આઇ મણીબેન સાગઠીયા સાહેબ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી દીપાબેન કોટક, જામનગર શહેર ના ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારી, વાત્સલ્ય ધામ વૃદ્ધાશ્રમના પ્રેસિડેન્ટ ભાવનાબેન પરમાર વિગેરે જેવા વિશિષ્ટ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
ઉપાસના ઠક્કરની પસંદગી માટેનું મુખ્ય કારણ કલાક્ષેત્રમાં તેમની વિવિધ સિદ્ધિઓ, સમાજ સેવા માટેનો અવિરત જુસ્સો અને કલા દ્વારા માનસિક સ્વાસ્થ્ય સુધારવા માટે કરેલા અથાગ પ્રયાસો છે.
આપણા માટે ગૌરવની વાત છે કે જામનગર જેવી પવિત્ર ધરાએ એક અનમોલ રત્ન રૂપે "દીપાલી (ઉપાસના ઠક્કર) નો ઉછેર કર્યો છે. તેઓ ગુજરાત અને સમગ્ર દેશ માટે એક ઉદાહરણરૂપ છે અને અનેક યુવાનો માટે પ્રેરણાસ્થાન બની રહેશે.
તેમના આ સન્માન પર અનેક કલા પ્રેમીઓ અને સમાજસેવીઓએ આનંદ વ્યક્ત કર્યો છે અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી છે.
(11:32 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
