<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 22nd March 2025

જામનગરથી રાજકોટ પત્‍નિ પાસે ફોન લેવા આવેલા મનિષ પર પત્‍નિના પ્રેમી વંશ ઉર્ફ વિકાસ ઉર્ફ માનસિકનો છરીથી હુમલો

બે વર્ષ પહેલા જેની સાથે લવમેરેજ કર્યા એ માનસી પતિ મનિષને છોડી ત્રણ મહિનાથી રાજકોટ પ્રેમી સાથે રહે છેઃ તેણીએ ડોક્‍યુમેન્‍ટ મંગાવતાં પતિ રૈયા ચોકડીએ દેવા આવ્‍યો ત્‍યારે વંશે તને શેની હવા છે? કહી ઘા ઝીંક્‍યા

રાજકોટ તા. ૨૨: મુળ રાજકોટના અને હાલ જામનગર રહી મજૂરી કરતાં યુવાને બે વર્ષ પહેલા જેની સાથે લવમેરેજ કર્યા હતાં તે યુવતિ તેને મુકી ત્રણેક મહિનાથી રાજકોટ બીજા પ્રેમી સાથે રહેવા આવી ગઇ હોઇ આ યુવાન પોતાનો મોબાઇલ ફોન પત્‍નિ પાસેથી પરત લેવા અને લગ્નના ડોક્‍યુમેન્‍ટ તેણીએ મંગાવ્‍યા હોઇ તે પરત દેવા આવ્‍યો ત્‍યારે રૈયા ચોકડીએ પત્‍નિના પ્રેમીએ તને શેની હવા છે? કહી છરીના ઘા મારી દેતાં લોહીલુહાણ થઇ ગયો હતો.

આ બનાવમાં ગાંધીગ્રામ પોલીસે જામમનગર માટેલ ચોક રામેશ્વરનગર મેઇન રોડ પર વાલભાઇના મકાનમાં ભાડેથી રહેતાં અને છુટક મજૂરી કરતાં મનિષ લાલચંદભાઇ ટેકવાણી (ઉ.વ.૨૯)ની ફરિયાદ પરથી રાજકોટના વંશ ઉર્ફ વિકાસ ઉર્ફ માનસિક પરમાર વિરૂધ્‍ધ ગુનો નોંધ્‍યો છે. મનિષ ટેકવાણી સાંજે ચારેક વાગ્‍યે રાજકોટ રૈયા રોડ સર્કલ પાસે હતો ત્‍યારે તેના પર છરીથી હુમલો કરી હાથ, માથામાં ઇજાઓ પહોંચાડવામાં આવતાં સિવિલ હોસ્‍પિટલમાં દાખલ થયો હતો. મનિષે જણાવ્‍યું હતું કે હું ત્રણ વર્ષથી જામનગર રહુ છું, મારુ મુળ વતન રાજકોટ છે અને દુધસાગર રોડ પર આકાશદીપ સોસાયટીમાં ક્‍વાર્ટર નં. ૯૨માં મારુ ઘરે છે. મેં બે વર્ષ પહેલા રેલનગરની માનસી નારાયણભાઇ સોઢા સાથે પ્રેમ થઇ જતાં તેની સાથે પ્રેમલગ્ન કર્યા હતાં. આ પછી હું અને પત્‍નિ બે વર્ષથી જામનગર રહેતાં હતાં.

જો કે એકાદ વર્ષથી મારી પત્‍નિે રાજકોટના વંશ ઉર્ફ વિકાસ ઉર્ફ માનસિક પરમાર નામના છોકરા સાથે પ્રેમ થઇ જતાં તે મને છોડીને ત્રણેક મહિનાથી વંશ સાથે રહેવા આવી ગઇ છે. મારો ફોન કે જે મેં લીધો હતો તે મારી પત્‍નિ માનસી પાસે હોઇ તેમજ અમારા લગ્નના ડોક્‍યુમેન્‍ટ મારી પાસે હોઇ જે મારી પત્‍નિએ માંગતા હું શુક્રવારે મારો મોબાઇલ ફોન લેવા  ડોક્‍યુમેન્‍ટ તેણીને આપવા રાજકોટ આવ્‍યો હતો. મારી સાથે મામાનો દિકરો મનિષ ડાવરા અને મિત્ર જયરાજ પટેલ પણ હતાં.

અમે ત્રણેય રૈયા ચોકડીએ હતાં ત્‍યારે મારી પત્‍નિ અને તેનો પ્રેમી વંશ આવ્‍યા હતાં. મેં ડોક્‍યુમેન્‍ટ મારી પત્‍નિને આપી દઇ મારો મોબાઇલ ફોન પાછો માંગતા તેણીએ ના પાડી કહેલું કે-પહેલા તું છુટાછેડા આપી દે પછી જ ફોન આપીશ. આ વાતચીત ચાલુ હતી ત્‍યારે મારા મામાનો દિકરો અને મિત્ર નીકળી ગયા હતાં. હું પણ પરત જામનગર જવા રવાના થતો હતો ત્‍યાં વંશ ઉર્ફ વિકાસ ઉર્ફ માનસ્‍કિ અચાનક મારી પાસે આવ્‍યો હતો અને-તારે શેની હવા છે? કહી છરી કાઢી માથામાં બે ઘા મારી દીધા હતાં. ત્રીજો ઘા મારતાં મેં ડાબો હાથ આડો રાખતાં હાથમાં ઇજા થઇ હતી. દેકારો મચી જતાં અને હું લોહીલુહાણ થઇ જતાં વંશ અને મારી પત્‍નિ ભાગી ગયા હતાં. લોકોએ મને વધુ મારથી બચાવ્‍યો હતો. દરમિયાન મારા મિત્રને મેં બોલાવી લેતાં તે ઇકો મારફત હોસ્‍પિટલે લઇ ગયો હતો.

હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, ચંદ્રસિંહ, તોૈફિકભાઇ, કાનાભાઇ, ધર્મેન્‍દ્રભાઇએ જાણ કરતાં ગાંધીગ્રામના પીએસઆઇ પી. બી. પટેલે ગુનો નોંધી વંશની શોધખોળ હાથ રી છે. (૧૪.૫)

 

(10:49 AM IST)