News of Sunday, 16th March 2025
ખુરશી મારા પર ક્યારેય નહી બેસે તેવી ખાતરી આપતાં ભાવનગર જિલ્લા ભાજપનાં નવનિયુક્ત અધ્યક્ષ દિગ્વિજયસિંહ ગોહિલ
પદગ્રહણ સમારોહમાં ભાજપના નેતાઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા

( વિપુલ હિરાણી દ્વારા ) ભાવનગર :ભાવનગર જિલ્લા ભાજપ અધ્યક્ષપદે નવનિયુક્ત દિગ્વિજયસિંહ ગોહિલના યોજાયેલ પદગ્રહણ સમારોહ પ્રસંગે તેઓએ કહ્યું કે, મારે ખુરશી ઉપર બેસવાનું છે, ખુરશી મારા પર ક્યારેય નહી બેસે તેવી એટલે હોદ્દાની સભાનતા અંગે ખાતરી આપી છે. કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયાની ઉપસ્થિતિમાં ભાજપ કાર્યકર્તાઓની શુભેછા સાથે પદગ્રહણ સમારોહ યોજાઈ ગયો.
ભારતીય જનતા પક્ષ દ્વારા ભાવનગર જિલ્લા ભાજપનાં નવનિયુક્ત અધ્યક્ષ દિગ્વિજયસિંહ ગોહિલનો પદગ્રહણ સમારોહ હોદ્દેદારો કાર્યકરોની મોટી સંખ્યામાં ઉપસ્થિતિ સાથે યોજાઈ ગયો.
મારે ખુરશી ઉપર બેસવાનું છે, ખુરશી મારા પર ક્યારેય નહી બેસે તેવી એટલે હોદ્દાની સભાનતા અંગે ખાતરી આપી નવનિયુક્ત અધ્યક્ષ દિગ્વિજયસિંહ ગોહિલે પદની ગરિમા અંગે કાર્યકર્તાઓને સંબોધન કર્યું અને ભાજપ મોવડીઓ તેમજ પરિવારનાં સંસ્કાર મુજબ યુવાનોની આંખ અને વડીલોની પાંખ સાથે એટલે નવયુવાન કાર્યકર્તાઓની જહેમત તથા વડીલ અગ્રણીઓનાં માર્ગદર્શન મુજબ સૌએ ભાવનગર જિલ્લાનાં છેવાડાની વ્યક્તિ સુધી લાભ મળે તેમ કાર્યરત રહેવા ભાર મૂક્યો. તેમણે વડાપ્રધાન મોદી સહિત રાષ્ટ્રીય સંગઠન તેમજ રાજ્યનાં હોદ્દેદારોનો ઉલ્લેખ કરી સૌનાં સાથ માટે વ્યક્તિગત મતમતાંતર કરતાં રાષ્ટ્ર અને સમાજ કેન્દ્રમાં રાખવાં પોતાનો ભાવ વ્યક્ત કર્યો હતો.
કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયાએ શુભકામના પાઠવતાં કોઈ પણ પદમાં કાર્યકર્તા પાયામાં હોવાનું અને તેઓની ભૂમિકા જ મહત્વની ગણાવી હતી.
આ સમારોહમાં પૂર્વ સાંસદ અને પૂર્વ પ્રદેશ અધ્યક્ષ રાજેન્દ્રસિંહ રાણા, પ્રદેશ ઉપાધ્યક્ષ મહેન્દ્રસિંહ સરવૈયા, ધારાસભ્ય શંભુનાથજી ટુંડિયા, જીતુભાઈ વાઘાણી , સેજલબેન પંડ્યા, શિવાભાઈ ગોહિલ, પ્રદેશ મંત્રી રઘુભાઈ હુંબલ, પ્રદેશ અગ્રણી ધવલભાઈ દવે, જિલ્લા પ્રભારી બ્રિજરાજસિંહ ઝાલા અને જિલ્લા અધ્યક્ષ પદ પરથી નિવૃત્ત થતાં રાઘવજી મકવાણાએ પ્રાસંગિક ઉદબોધનમાં ભાજપ મૂલ્યો સાથે નવનિયુક્ત અધ્યક્ષ દિગ્વિજયસિંહ ગોહિલને શુભકામનાઓ પાઠવી હતી.
સમારોહ પ્રારંભે જિલ્લા મહામંત્રી ચેતનસિંહ સરવૈયાએ શાબ્દિક આવકાર આપેલ અને ભરતભાઈ મેરે આભાર વિધિ કરેલ. કાર્યક્રમ સંચાલનમાં વિજયભાઈ ચૌહાણ અને સંકલનમાં રાજુભાઈ બાબરિયા તથા રાજેશભાઈ ફાળકી રહ્યાં.
આ પ્રસંગે જિલ્લાના માજી ધારાસભ્યો અને આગેવાનો તથા જિલ્લાભરમાંથી મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ શુભેચ્છકો જોડાયાં હતાં.નવનિયુક્ત અધ્યક્ષ દિગ્વિજયસિંહ ગોહિલે સમારોહ બાદ ભીડભંજન મહાદેવ દર્શન કરી ભાજપ કાર્યાલય પર વિધિવત હોદ્દો સંભાળ્યો હતો.
(7:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
