<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th March 2025

તળાજામાં ધાર્મિક દબાણ હટાવવાની નોટિસથી બજરંગ દળ ભડક્યું : મંદિરો તોડવા સામે ખતરનાક પરિણામની ચીમકી

સૌરાષ્ટ્ર પ્રાંત સહપ્રમુખ લાખાભાઈ ભુવાની પ્રશાસનને ખુલ્લી ચેતવણી: હિન્દુ મંદિરોને નુકસાન પહોંચાડ્યું તો પ્રાણના ભોગે પણ બચાવવાની પ્રતિજ્ઞા

ભાવનગર જિલ્લાના તળાજા તાલુકામાં ધાર્મિક સ્થળો પરના દબાણો દૂર કરવાની નગરપાલિકાની નોટિસથી બજરંગ દળમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તળાજા નગરપાલિકા દ્વારા ટાઉન વિસ્તારમાં આવેલા અંદાજે 15 થી 20 હિન્દુ મંદિરોને દબાણ દૂર કરવાની નોટિસ ફટકારવામાં આવતા બજરંગ દળ લાલઘૂમ થયું છે અને ઉગ્ર પ્રતિક્રિયા આપી છે.

 

સૌરાષ્ટ્ર પ્રાંતના સહપ્રમુખ લાખાભાઈ ભુવાએ આ મુદ્દે પ્રશાસનને ખુલ્લી ચેતવણી આપી છે. તેમણે વાયરલ કરેલા એક વિડીયોમાં જણાવ્યું છે કે, તળાજા નગરપાલિકાના ચીફ ઓફિસરે હિન્દુ મંદિરોને તોડવા માટે નોટિસ જાહેર કરી છે, જેમાં ધાર્મિક સ્થળોના માલિકીના પુરાવા 7 દિવસમાં રજૂ કરવા માટે આદેશ કરાયો છે.

લાખાભાઈ ભુવાએ આક્ષેપ કર્યો છે કે, બજરંગ દળ પાસે એવા અનેક પુરાવા છે કે સરકારી જગ્યા પર ત્રણ-ત્રણ માળના બિલ્ડીંગો ગેરકાયદેસર રીતે બાંધવામાં આવ્યા છે, પરંતુ પ્રશાસન દ્વારા તેમની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. તેમણે ભારતીય જનતા પાર્ટી સરકારને પણ આડેહાથે લેતા કહ્યું કે, હિન્દુઓના મતથી ચૂંટાઈને આવેલા શાસકોને ટકોર કરતા જણાવ્યું હતું કે, જો ભારતને પાકિસ્તાન અને બાંગ્લાદેશ બનાવવું હોય તો તેમના માટે વર્તમાન શાસકો અને ઔરંગઝેબમાં કોઈ ફર્ક રહેતો નથી.

 

સૌરાષ્ટ્ર પ્રાંતના સહપ્રમુખે વધુમાં જણાવ્યું હતું કે, જો એક પણ હિન્દુ મંદિરને તોડવાનો પ્રયાસ કરવામાં આવશે, તો બજરંગ દળ એ ભૂલી જશે કે આ તેમની સરકાર છે અને શાસકો છે. તેમણે ચીમકી આપતા કહ્યું કે, તેઓ પોતાના પ્રાણના ભોગે પણ હિન્દુ મંદિરોને બચાવશે. લાખાભાઈ ભુવાના આ વિડીયો બાદ તળાજા પંથકમાં ભારે તંગદિલી ફેલાઈ છે અને હિન્દુ સંગઠનોમાં રોષની લાગણી પ્રવર્તી રહી છે.

(7:37 PM IST)