News of Tuesday, 11th March 2025
ઉનાળાના પ્રારંભથી જ અગનવર્ષા વરસતા લોકો ત્રાહીમામ
મહતમ તાપમાનનો પારો ૪૦ ડિગ્રીને વટી જતા આકરો તાપઃ બપોરે રસ્તાઓ સુમસામ

રાજકોટ, તા., ૧૧: રાજકોટ સહીત સૌરાષ્ટ્ર-કચ્છમાં ઉનાળાના પ્રારંભથી જ આકરો તાપ શરૂ થઇ જતા લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. મહતમ તાપમાનનો પારો ૪૦ ડીગ્રીને પાર થઇ જતા બપોરે ધોમ ધખતો તાપ પડે છે.
જુનાગઢ
જુનાગઢ સહિત સોરઠમાં અગનવર્ષાથી લોકો ત્રાહિમામ થઈ ગયા છે. સવારથી જ ધરતી પર અગનગોળા ફેંકાતા તાપમાન ૪૧ ડિગ્રીને પાર થઈ ગયું છે.
સોમવારે નવા સપ્તાહના પ્રથમ દિવસે ૧૩ વર્ષ બાદ માર્ચ મહિનામાં જુનાગઢ ખાતે મહત્તમ તાપમાન નો પારો ૪૧ ડિગ્રીને પાર થઈ ગયો હતો. સામાન્ય રીતે માર્ચના અંતિમ અઠવાડિયામાં તાપમાન ઊંચું રહેતું હોય છે જેના બદલે આ વર્ષે સોમવારે તાપમાન વધીને ૪૧ ડિગ્રી પહોંચી જતા લોકો બેબાકળા થઈ ગયા હતા.
દરમિયાન આજે સવારે ગઈકાલની સરખામણીએ લઘુતમ તાપમાન બે ડિગ્રી વધીને ૨૦.૩ ડીગ્રી અને વાતાવરણમાં ભેજનું પ્રમાણ પણ ઘટીને ૬૬ ટકા થઈ જતા સવારથી જ આકાશમાંથી ધરતી પર અગન ગોળા ફેંકવાનું શરૂ થયું હતું. સવારે પવનની પ્રતિ કલાકની ઝડપ ૨.૮ કિલોમીટરની રહી હતી.
જામનગર
(મુકુંદ બદીયાણી દ્વારા) જામનગરઃ બાજરા સંશોધન કેન્દ્ર જામનગર તરફથી મળેલ તાપમાનની વિગત જોઇએ તો લઘુતમ તાપમાન ર૦.૬, મહતમ તાપમાન ૩૭.૯, ભેજનુ પ્રમાણ પપ ટકા, પવનની ગતી ૬.ર કી.મી. રહી હતી.
(11:26 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
