<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th March 2025

'રામ રાખે તેને કોણ ચાખે', 30 ફૂટ ઊંડા બોરમાં ફસાયેલા બાળકને હેમખેમ બહાર કાઢ્યો

ભેસાણના પરબવાવડીની ઘટના, બાળક જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. 10 : રવિવારે ભેંસાણ નજીકના પરબ વાવડી ગામે 30 ફૂટ ઉંડા બોરમાં 4 વર્ષિય બાળક પડી ગયો હતો. જેની જાણ થતાં સ્થાનિક લોકોએ જાણ થતા જેસીબીની મદદથી બોરની બાજુમાં ખાડા કરી બાળકને સહિ સલામત રીતે બહાર કાઢ્યો હતો. બાદમાં તેને 108 દ્વારા સિવીલ હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડાયો હતો. મૂળ મધ્યપ્રદેશના આકાશ સોલંકીનો પરિવાર વર્ષોથી ભેસાણ તાલુકાના પરબ વાવડીમાં મજૂરી કરે છે.

દરમિયાન પરબ વાવડીના ચેતનભાઈ પ્રાગજીભાઈ મોવલીયાની વાડીમાં આકાશ સોલંકી, પત્નિ સાથે કપાસ વિણતો હતો. મોટાભાગે મજૂરી અર્થે જતા ત્યારે આકાશભાઈ પોતાના બાળકને સાથે લઈ જવાને બદલે ઘરે જ રાખતા.

પરંતુ રવિવારે પહેલી વખત આકાશભાઈ પોતાના 4 વર્ષિય સંતાન નિર્મળને પણ ખેતરે લઇ ગયા હતા. બધા ખેત મજૂરો કપાસ વિણવામાં મશગૂલ હતા અને નિર્મળ અન્ય બાળકો સાથે રમતો હતો.

ત્યારે અચાનક નિર્મળ ખુલ્લા બોરમાં પડી જતા અન્ય બાળકોએ રાડારાડ કરી મૂકી હતી. બોરમાં બાળક પડ્યાની જાણ થતા ખેતરમાં કામ કરતા મજૂરો, વાડી માલીક ચેતનભાઈ મોવલીયા અને સ્થાનિક રાજેશભાઈ સાકરીયા વગેરે દોડી આવ્યા હતા. બાદમાં 108 અને ફાયર શાખાને જાણ કરાઈ હતી.

આ સાથે તુરત જેસીબી મંગાવીને બોરની બાજુમાં ખાડા ખોદીને બાળકને સહિ સલામત રીતે સ્થાનિક લોકો અને 108ના ઈએમટી ડો. વિશાલએ બહાર કઢાયો હતો. બાદમાં 108ની મદદથી તેને સિવીલ હોસ્પિટલે સારવાર માટે ખસેડાયો હતો રામ રામ રાખે તેને કોણ ચાખે મુજબ શ્રમિક પરિવારના બાળકનો જીવ બચી જતા સૌએ હાશકારો અનુભવ્યો હતો.

(3:31 PM IST)