News of Monday, 10th March 2025
ભાવનગર ખાતે ‘નમો સખી સંગમ' મેળામાં સ્વસહાય જૂથોની મહિલાઓ દ્વારા ઉત્પાદિત વસ્તુઓનું વેચાણ કમ પ્રદર્શન

ભાવનગર, તા.,૧૦: આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ અંતર્ગત વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણાથી મહિલા સશક્તિકરણની દિશામાં આગવી પહેલ કરીને ભાવનગરના જવાહર મેદાન ખાતે તા. ૧૨ માર્ચ સુધી યોજાનાર નમો સખી સંગમ મેળા નો પ્રારંભ કેન્દ્રીય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણિયાના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યો હતો.
ભાવનગરના ખાતે ચાર દિવસીય નમો સખી સંગમ મેળાનો શુભારંભ કરાવતાં કેન્દ્રિય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતળત્વમાં ગુજરાતની નારી દરેક ક્ષેત્રમાં આગળ વધીને આપણું ગૌરવ વધારી રહી છે. સરકારશ્રીની કલ્યાણકારી યોજનાઓનો લાભ લઈને સ્વરોજગાર મેળવવાની સાથે આત્મનિર્ભર બની રહી છે.મહિલા સશક્તિકરણની દિશામાં નમો સખી સંગમ મેળો એક મજબૂત કદમ છે.
મંત્રીશ્રીએ જણાવ્યું કે, આ સંગમ મેળો તા.૯ થી ૧૨ માર્ચ સુધી ચાલશે જેમાં ૧૦૦ થી વધુ સ્ટોલ્સ વિનામૂલ્યે ઉપલબ્ધ કરવામાં આવ્યાં છે. આ નમો સખી સંગમ મેળા થકી ભાવનગર અને બોટાદની બહેનોને યોગ્ય પ્લેટફોર્મ પણ મળી રહેશે. આ મેળામાં મહિલા સશક્તિકરણને આવરી લેતાં વિવિધ વિષયો પર ચર્ચા કરાશે. મોટીવેશન સ્પીકરો દ્વારા મહિલાઓને માર્ગદર્શિત પણ કરાશે. ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની ગ્રામ વિકાસ વિભાગ દ્વારા આયોજિત રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન યોજના સ્વ-સહાય જૂથની મહિલાઓને સરકારશ્રીની વિવિધ યોજનાઓની માહિતી મળી રહે, મહિલાઓ દ્વારા ઉત્પાદિત પ્રોડકટનો પ્રચાર પ્રસાર થાય તે હેતુથી આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના ભાગરૂપે તા. ૯ માર્ચ થી ૧૨ માર્ચ ૨૦૨૫ દરમિયાન ભાવનગર ખાતે સ્વ સહાય જૂથની મહિલાઓ માટે નમો સખી સંગમ મેળો નું જવાહર મેદાન- ભાવનગર ખાતે આયોજન કરવામાં આવ્યું છે. આ તકે સ્વ સહાય જૂથના બહેનોની સાફલ્ય ગાથા (ડોકયુમેન્ટરી), લખપતિ દીદી, નમો ડ્રોન દીદી બહેનોનું સન્માન, પ્રતિકરૂપે ૬ સ્વ સહાય જૂથોની બહેનોને રૂ.૮૮ લાખના ચેક એનાયત કરવાની સાથે વિવિધ યોજનાકીય લાભોનું વિતરણ, ભાવનગર અને બોટાદ જિલ્લાની ૪૦ સખીઓનું સિલ્ડ અને કીટ, સ્ટેચ્યૂ ઓફ યુનિટીથી આવનાર ૭૦ બહેનોની પ્રતિનિધિઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત સ્વસહાય જૂથની મહિલાઓ દ્વારા સાફલ્યગાથા રજૂ કરવામાં આવી હતી. આ તકે ભાવનગર જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રૈયાબેન મિયાણી, બોટાદ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી જેઠીબેન પરમાર, મેયર ભરતભાઈ બારડ, ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણ, મહંત શંભુનાથજી ટુંડીયા, જિલ્લા કલેકટર આર. કે. મહેતા, જિલ્લા વિકાસ અધિકારી હનુલ ચૌધરી, રિજિયોનલ મ્યુનિસિપલ કમિશનર ડી. એમ. સોલંકી, પોલીસ અધીક્ષક હર્ષદ પટેલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી જયશ્રીબેન જરૂ, આગેવાન કુમારભાઈ શાહ, દિગ્વિજયસિંહ ગોહીલ સહિતના અધિકારીઓ પદાધિકારીઓ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
(12:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
