News of Saturday, 8th March 2025
થાનગઢ પાલીકા પ્રમુખની ચુંટણી ટાણે જ ૧ર સભ્યો ગાયબ થયાને પછી પાછા આવી ગયા !

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા., ૮: થાનગઢ નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપને સંપુર્ણ બહુમતી મળતા અનેકને પ્રમુખ બનવાના અભરખાં જાગ્યા હતા. ત્યારે પ્રમુખની ચૂંટણી ટાણે ભાજપના જ ૧૨ સભ્યો ચોટીલા ધારાસભ્ય સાથે ગાયબ થયાના વાવડ પ્રસરી જતા ગરમાવો છવાયો હતો. તેમજ ભાજપ સંગઠનની ટીમ ગાયબ સભ્યોને શોધવા કામે લાગી હતી.
બીજીબાજુ જિલ્લા ભાજપ પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણે ઓપરેશન ગાયબને તોડી સફ્ળ નહીં થવા દેવાનું કામ શરૂ કર્યું હતું.સરકારી નિયમ મુજબ ૧/૩ પ્રમાણે ભાજપના ૧૩ સભ્યોની હાજરીમાં વિધિવત રીતે પ્રમુખ ઉપપ્રમુખની નિયુક્તિ કરી દેવાઈ હતી. જેથી નારાજ સભ્યો પણ મૂંઝવણમાં મુકાયા હોય એવો માહોલ સર્જાયો હતો.
બીજી તરફ ઓપરેશન ગાયબને પુરેપુરુ તોડવા માટે પ્રમુખે મથામણ ચાલુ રાખી હતી. એવામાં બેઠકમાં ગેરહાજર રહેલા પાલિકાના સભ્યો પ્રગટ થયા અને ભાજપના પ્રતાપભાઇ ખાચર સહિતની ટીમ સાથે વીડિયોમાં નિવેદન આપી તેઓ ગાંધીનગર માત્ર રજૂઆત માટે ગયા હોવાનું જણાવી ભાજપમાં જ હોવાનું જણાવ્યું હતું. આમ થાનગઢ પાલિકાના ભાજપના નિશાન પર ચૂંટાયેલા અને નારાજ ૧૨ સભ્યો પણ ઘરના ઘરે પરત ફરતા ઓપરેશન ગાયબને ગણતરીના કલાકોમાં પાર પાડી જિલ્લા ભાજપ પ્રમુખે પણ બીજી ટર્મની ઇનિંગ શરૂ કરી હતી.
સભ્યોને પોતાની ભૂલ સમજાઈ
સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણે જણાવેલ કે પ્રમુખની ચૂંટણી સમયે ગેરહાજર ૧૨ સભ્યોને પોતાની ભૂલ સમજાતા પરત આવ્યા છે અને તેઓ ભાજપના જ હતા ભાજપમાં જ છે. પોલીસે તેમની અટકાયત કર્યાની વાત ન હતી. પરંતુ એમએલએ લખેલી કારમાં મુકેશભાઈ મકવાણા હતા. પરંતુ તેમાં ધારાસભ્ય ન હતા. તેની સાથે કારમાં કાળા કાચ હતા. જેથી પોલીસે કાર અટકાવી માત્ર પૂછપરછ કરી હતી. આમ હવે થાનગઢ પાલિકામાં ભાજપના બધા જ સભ્યો એક સાથે જ છે.
(11:46 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
