<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 7th March 2025

અમદાવાદ ડીઆરઆઈએ મુન્‍દ્રા પોર્ટ એસઈઝેડમાં આયાત નિકાસના ઓઠા તળે કથિત ૨૧ હજાર કરોડનું મની લોન્‍ડરિંગ કૌભાંડ ઝડપી પાડતા હડકંપ

વડાપ્રધાન સુધી ફરિયાદ બાદ એક્‍શન, ત્રણ આરોપી ઝડપાયા, ૫૦ જેટલી કંપનીઓ ઊભી કરી કાળા નાણાં ધોળા કરવાના કૌભાંડમાં તત્‍કાલીન કસ્‍ટમ અધિકારીઓની શંકાસ્‍પદ ભૂમિકા હોવાને પગલે ચકચાર

(વિનોદ ગાલા દ્વારા) ભુજ, તા.૭ : અમદાવાદ ડીઆરઆઈએ મુન્‍દ્રા પોર્ટ એસઈઝેડમાં આયાત નિકાસના ઓઠા તળે ૨૧૦૦૦ કરોડનું મની લોન્‍ડરિંગ કૌભાંડ ઝડપી પાડતાં હડકંપ મચી ગયો છે. મળતી માહિતી મુજબ આ મોડસ ઓપરેન્‍ડી પ્રમાણે વિદેશથી યુએસ, ચાઈના, હોંગકોંગમાંથી એર કાર્ગો દ્વારા મેડિકલ સાધનો, ફાર્મા ઇન્‍ટરમિડિયેટ, શોલ, વોલ પેપર જેવા મંગાવાતા માલની કિંમત અનેક ગણી ઊંચી (ઓવર વેલ્‍યૂએશન) બતાવી તેને મુન્‍દ્રા પોર્ટ એસઈઝેડમાં વેરહાઉસ દ્વારા અન્‍ય દેશોમાં એક્‍સપોર્ટ કરવાનું દર્શાવી આયાત ઈમ્‍પોર્ટ કરેલા માલના વધુ દર્શાવેલા રૂપિયા દેશમાંથી વિદેશમાં મોકલી અપાતા હતા. જ્‍યારે રિએક્‍સપોર્ટના નામે પણ મેન્‍યુઅલ બિલ ફાઇલ કરી કરાતી રૂપિયાની હેરફેર મારફતે મોટી રકમ સફેદ નાણામાં ફેરવાતી. આ સમગ્ર કૌભાંડ અંગે વડાપ્રધાન સહિત કેન્‍દ્રમા ઉચ્‍ચ કક્ષાએ ફરિયાદ કરાઇ હતી. જેને પગલે મોટા પાયે કાર્યવાહી હાથ ધરાઇ છે. અત્‍યાર સુધીની મળતી માહિતી પ્રમાણે મુન્‍દ્રા પોર્ટ એસઇઝેડ વેરહાઉસ સ્‍થિત કેરી ઈનડેવ વેરહાઉસના ડાયરેક્‍ટર સુનિલ જોઈસર ઉપરાંત અન્‍ય શખ્‍સો સુનિલ ગોહિલ અને કસ્‍ટમ બ્રોકર મુકેશની અમદાવાદ ડીઆરઆઈએ પૂછપરછ કરી અટકાયત કરી હોવાનું જાણવા મળે છે. જ્‍યારે આશિષ ઠક્કર અને આકાશકુમારની ભૂમિકા અંગે ઇડી દ્વારા અગાઉ કાર્યવાહી કરાઈ હોવાનું જાણવા મળે છે. આ સમયે કસ્‍ટમ વિભાગના ચોક્કસ અધિકારીઓની ભૂમિકા શંકાના દાયરામાં હોવાનું જાણવા મળે છે. દાણચોરી હોય કે પછી આયાત નિકાસના ઓઠા તળે કરોડોની હેરાફેરી કરી બ્‍લેક મનીનું મની લોન્‍ડરિંગ કૌભાંડ હોય દેશ સાથે ગદ્દારી કરનાર કંપનીઓ અને તેના માલિકો, આંખ આડા કાન કરનાર કસ્‍ટમ સહિતની એજન્‍સીઓના અધિકારીઓ અંગેની વિગતો વિશે વિવિધ એજન્‍સીઓએ તપાસ અંગેની સત્તાવાર માહિતી જાહેર કરવી જોઈએ જેથી આવા તત્‍વો સામે સરકાર અને એજન્‍સીઓ સખ્‍ત પગલાં ભરે છે એવું લોકોને ધ્‍યાને આવે અને રાષ્‍ટ્ર વિરોધી પ્રવળત્તિઓ ઉપર અંકુશ આવી શકે.(૬.ર)

(10:42 AM IST)