તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 5th March 2025
જુનાગઢ કોર્પોરેશનનું શાસન નવી બોડીને : ૨૧૬ દિવસના વહીવટદાર શાસનનો અંત
બપોર બાદ સાધારણ સભામાં નવા મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડીંગ ચેરમેન, કમિટીની જાહેરાત થશે

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ, તા.૫ : જુનાગઢ મહા નગરપાલિકામાં બપોરે ભાજપની નવી બોડીએ સત્તાનું સુકાન સંભાળી લેતા કમિશનર ડો. ઓમ પ્રકાશના ૨૧૬ દિવસના વહીવટી શાસનનો પણ અંત આવ્યો છે. ત્યારે શહેરના વિકાસને લઈને મનપાના નવા શાસકો પર નગરજનોની મીટ મંડાયેલ છે.
જૂનાગઢ મનપામાં ભાજપની ગત બોડીના શાસનની મુદત પૂરી થતાં વહીવટદાર તરીકે મ્યુનિસિપલ કમિશનર ડો. ઓમ પ્રકાશની નિયુક્તિ કરવામાં આવી હતી. તેઓએ ઓગસ્ટ ૨૦૨૪થી વહીવટી ધુરા સંભાળી હતી. મનપાની ચૂંટણીમાં કુલ ૬૦ બેઠકમાંથી ૪૮ સીટ મળતા ભાજપને સ્પષ્ટ બહુમતી મળી હતી.
દરમિયાન આજે બપોરે ત્રણ વાગ્યે જૂનાગઢ મહાનગરપાલિકાની સાધારણ સભા મળી રહી છે. આ વખતે મનપામાં આગામી અઢી વર્ષ માટે મેયરપદ સામાન્ય કેટેગરીના સભ્યનું છે. સાધારણ સભામાં મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને તેના સભ્યોની વરણી થશે. આ હોદ્દેદારોના નામ ભાજપની પાર્લામેન્ટરી બેઠકમાં નક્કી કરવામાં આવ્યા હતા. આથી સાધારણ સભા પૂર્વે પક્ષ દ્વારા સભ્યોને વ્હીપ આપવામાં આવશે. આજે બપોરથી મનપાનું શાસન ભાજપના ચૂંટાયેલા કોર્પોરેટરો સંભાળી રહ્યા છે ત્યારે શહેરના બેનમુન વિકાસને લઈ નગરજનોની આશા પૂર્ણ કરવામાં આવે તેવી જુનાગઢવાસીઓ અપેક્ષા સેવી રહ્યા છે.
(1:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
