<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd March 2025

મોરબીમાં ૧૩.૪૦ લાખના ઘરેણા - રોકડની ચોરી

મકાન ખાલી કરતા સમયે કબાટમાં થેલો ભૂલાઇ જતા મકાન પાડવા આવેલ મજુરો ચોરી કરી ગયાની શંકા : પોલીસે તપાસ હાથ ધરી

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી, તા.૩:  મોરબીના શનાળા રોડ હાઉસિંગ બોર્ડ વિસ્‍તારમાં ચોરીની વિચિત્ર ઘટનામાં ભાડાના મકાનના રહેતો પરિવાર મકાન ખાલી કરતા સમયે ૧૩.૪૦ લાખની રોકડ અને દાગીના ભરેલ થેલો કબાટમાં જ ભૂલી ગયા બાદ આ મકાન પાડવા આવેલ મજૂરો થેલો ચોરી કરી ગયા હોવાની સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના શનાળા રોડ હાઉસિંગ બોર્ડમાં સતેશ્વર મહાદેવ મંદિર પાસે ભાડાના મકાનના રહેતા મૂળ પીપળીયા ગામના વતની હસમુખભાઈ લખમણભાઈ કોઠીયાએ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગત તા.૨૬ ફેબ્રુઆરીના રોજ તેમનું ઘરનું મકાન તૈયાર થઈ જતા તેમની સામેના ભાગે આવેલ ભાડાનું મકાન ખાલી કર્યું હતું. આ સમયે ભાડાના મકાનમાં કબાટમાં રોકડા રૂ.૩.૨૦ લાખ તેમજ ૧૪.૭ તોલાના દાગીના સાથેનો થેલો જુના મકાનમાં જ રહી ગયો હતો. અને ઘરમાં કયાંય ન મળી આવ્‍યો હતો. બીજી તરફ તેમને ખાલી કરેલ ભાડાના મકાનના માલિકે પણ આ મકાન નવું બનાવવા માટે ભાડાના મકાનને પાડવા મજૂરો બોલાવ્‍યા હોય જે મજૂરો આ થેલો ચોરી કરી ગયાની શંકાએ ફરિયાદી હસમુખભાઈએ ચોરીના આ વિચિત્ર બનાવમાં સીટી એ ડિવિઝન પોલીસ સ્‍ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્‍હો નોંધી તપાસ શરૂ કરી છે.

(2:13 PM IST)