<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd March 2025

દીક્ષાર્થી દર્શનકુમારનું નવદીક્ષિત પૂ.દેવાર્યચંદ્રજી મુનિ નામકરણઃ શનિવારે વડી દીક્ષા

પાળિયાદમાં હજારો ભાવિકોના જયનાદે દીક્ષા મહોત્‍સવની ભવ્‍યાતિભવ્‍ય ઉજવણી સાધનાની શિક્ષા, સત્ત્વની ભિક્ષા એનું નામ દીક્ષાઃ પૂ.ધીરગુરુદેવ બોટાદ સંપ્રદાયમાં પ્રથમવાર પૂ. જયેશચંદ્રજી મ.સા.ને ‘‘ઉપાધ્‍યાય પદ'' ની ઘોષણાથી જયનાદ

રાજકોટ તા.૩: ત્‍યાગ-વૈરાગ્‍યની ભૂમિ પાળિયાદમાં દીપકભાઈ માલવણીયાના ગળહાંગણેથી સંયમાનુરાગી દર્શનકુમારની ભવ્‍ય શોભાયાત્રા નાસિક ઢોલના નાદે વિશાળ ડોમમાં ૯:૪૫ કલાકે પ્રવેશતાં દીક્ષાર્થી અમર રહો, દીક્ષાર્થીનો જયજયકારનો જયનાદ આકાશને આંબવા લાગ્‍યો હતો.

ગચ્‍છાધિપતિ પૂ. શૈલેશચંદ્રજી મ. સા. આદિ, પૂ. શ્રી ધીરગુરુદેવ, પૂ. દીપમુનિજી મ. સા. તથા પૂ. પંથકમુનિ મ. સા. અને મહાસતીજી વળંદ તથા દેશ-વિદેશના ભાવિકોની હાજરીમાં દીક્ષાર્થીના રજતશ્રીફળનો ચડાવો પ્રવીણભાઈ શાહ, સુવર્ણ ચેનનો અનસુયાબેન અશોકભાઈ ડેલીવાલા, અંગુઠીનો ભારતીબેન ભોગીલાલ વોરા, વિજયતિલકનો વિમળાબેન છોટાલાલ ગોપાણી, માળાનો રસીલાબેન હિંમતલાલ શેઠ, નામકરણનો અમી ચિરાગ ગાંધીએ લાભ લીધેલ. સંઘજમણ ભારતીબેન ગુણવંતભાઈ ગોપાણી અને સંયમ અનુમોદનાનો અનેક દાતાઓએ લાભ લીધેલ.

દીક્ષાર્થી દર્શનકુમારે વૈરાગી અવસ્‍થાના આખરી પ્રવચનમાં જણાવેલ કે - ગુરુના સત્‍સંગે સંયમની સફરમાં આગળ વધવા પ્રયત્‍ન કર્યો અને પરિવાર સહભાગી બન્‍યો તે મારું સૌભાગ્‍ય છે પરિવારના દરેકની ક્ષમા માંગતા સહુની આંખો અશ્રુભીની બની હતી.  વિસામણ બાપુની જગ્‍યાના મહંત પૂ. નિર્મળાબા અને શ્રી ભઈલુભાઈનું સન્‍માન કરાયું હતું.

દીક્ષા વિધિ પૂર્વે બોટાદ સંપ્રદાયમાં પ્રથમ વાર પૂ. જયેશચંદ્રજી મ.સા.ને ઉપાધ્‍યાય પદની ઘોષણા ચતુર્વિધ સંઘ મધ્‍યે પૂ. શ્રી ધીરગુરુદેવે ગચ્‍છાધિપતિની અનુજ્ઞાથી કરતાં જયજયકાર વર્તાયો હતો. વેશ પરિવર્તન બાદ ક્ષેત્રવિશુદ્ધિ પૂ. સુપાર્શ્વચંદ્રજી મ. સા. એ કરાવ્‍યા બાદ પૂ. શૈલેશચંદ્રજી મ.સા.ની આજ્ઞાથી દીક્ષાનો પાઠ ઉપાધ્‍યાય પૂ. જયેશચંદ્રજી મ.સા.એ ભણાવ્‍યો હતો. સુત્ર સંચાલન જયેશ શાહે કરેલ.

નૂતનદીક્ષિતનું બા. બ્ર. પૂ. દેવાર્યચંદ્રજી મ. સા. નામકરણ ઘોષિત કરાતાં જયનાદ કરાયો હતો. વડી દીક્ષા તા. ૮ને શનિવારે જૈનભવન - બોટાદમાં સવારે ૭:૩૦ કલાકે યોજાશે. પૂ. શ્રી ધીરગુરુદેવ તા. ૩ને સોમવારે બોટાદ મોટી વાડી વિતરાગ ભવન, તા. ૪ને મંગળવારે ગઢડા, તા. ૫ને બુધવારે દામનગર, તા. ૬ને ગુરુવારે લાઠી અને તા. ૭ને શુક્રવારે સાવરકુંડલા પધારશે

(11:51 AM IST)