તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Saturday, 1st March 2025
ધોરાજીમાં સ્વચ્છતા હી સેવાનો ઉલાળીયો
રોડ રસ્તા ભંગાર, અઠવાડીયે પાણી મળે છે એ પણ દુર્ગંધવાળુ, ઉભરાતી ગટરો, ગંદકી અને કચરાના ઢગલા : નગરપાલિકાના ચૂંટાયેલા પ્રતિનિધીઓને હજુ ચાર્જ અપાયો નથી

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી,તા.૧ : ''સ્વચ્છતા હી સેવા'' અભિયાનની ઘોષણા અને શરૂઆત કરવામાં આવી છે ત્યારે ધોરાજી શહેરની સ્થિતિ સ્વચ્છતા મામલે બિલકુલ વિપરીત છે સ્વચ્છ ભારત અભિયાન સમય પણ ધોરાજી શહેર અ સ્વચ્છ રહ્યું હતું અને આજે સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત પણ ગંદકી કચરો અને સફાઈ મામલે ધોરાજીની સ્થિતિ બિલકુલ સુધારા પર આવી નથી.
હાલમાં ધોરાજીમાં ધોરણ ૧૦ અને ૧૨ ના વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષા ચાલી રહી છે આવા સમયે ધોરાજીના જેતપુર રોડ આવેલા આવેડા ચોક સુધીમાં ત્રણ ભૂગર્ભ ગટરની પાઇપલાઇન ની કુંડી લેકેજ થઈ છે અને એ દુર્ગંધ મારતું પાણી નવા બનાવેલા સીસી રોડ ઉપર નદીની જેમ વહેવા લાગતા વિદ્યાર્થીઓ પણ પરેશાનમાં મુકાઈ ગયા છે.
સમગ્ર ધોરાજી શહેરના વોર્ડ નંબર ૧ થી ૯ માં રોડ રસ્તા ડહોળા પાણી ગંદકી કચરો ગટર સફાઈ અને સ્ટ્રીટ લાઈટો તમામ પ્રાથમિક આવશ્યક સેવાઓમાં તંત્ર નિષ્ફળ ગયું છે પ્રજાને મળતી સુવિધાઓની વાત એક બાજુ રહી પરંતુ પ્રજાજનોનો જે અધિકાર છે જે પ્રાથમિક અને આવશ્યક સુવિધાઓ ટેકસ ભરતા નાગરિકોને મળવી જોઈએ તે આવશ્યક સેવાઓથી પણ નગરજનો વંચિત રહ્યા છે......?
તાજેતરમાં યોજાયેલી નગરપાલિકાની ચૂંટણીમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓને હજુ સુધી ચાર્જ સોંપવામાં આવ્યો નથી માત્રને માત્ર વહીવટદારનું શાસન ચાલી રહ્યું છે છતાં પણ જે પ્રકારે કામ થવું જોઈએ એ કામ થતું નથી તે લોકોમાં ભારે ચર્ચા વ્યાપી ગઈ છે.
ભૂગર્ભ ગટરનો વેરો, પાણી વેરો હોઈ કે સ્વચ્છતા કે અન્ય કરવેરાઓ ધોરાજીના નગરજનો વેરો ભરવા છતાં આવશ્યક સેવાઓ પણ મેળવી શકતા નથી.
હાલ ધોરાજીના જેતપુર રોડ સ્ટેશન પ્લોટ વિસ્તાર મુખ્ય બજાર શાકમાર્કેટ નદી બજાર ખ્વાજા સાહેબ ઉર્સના મેળા ગ્રાઉન્ડ આંબાવાડી વિસ્તાર કે શહેરના અન્ય વિસ્તારોમાં ઠેર ઠેર કચરાના ઢગલાઓ જેમને તેમ પડેલા જોવા મળી રહ્યા છે.
છાસવારે વિવિધ વિસ્તારોમાં દૂષિત પાણી વિતરણ થતું હોવાની સમસ્યાઓ બહાર આવતી હોય છે રોડ રસ્તા ની કફોડી સ્થિતિ સ્પષ્ટ નજરે પડે છે અને ભૂગર્ભ ગટરની દુર્ગંધ મારતી છલકાતી ગટરો જેમાં હાલમાં જેતપુર રોડ ઉપર ત્રણ ભૂગર્ભ ગટરની કુંડીઓ છલકાઈ ગઈ છે વિદ્યાર્થીઓને પરીક્ષાના સમયે ચાલુ પણ મુશ્કેલ છે સમગ્ર શહેરમાં ગંદકી ફેલાવી રહી છે ત્યારે હાલ નગરપાલિકામાં કોઈ ચૂંટાયેલા પ્રતિનિધિ ઓને સુકાન સોંપવામાં આવ્યું નથી.... હજુ વહીવટદારનો શાસન ચાલી રહ્યું છે.
(1:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
