<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 1st March 2025

કુવાડવાના જામગઢના યુવા નપર ચાંચડીયાના તળાવ પાસે હુમલોઃ રાજકોટ સારવારમાં

તું કેમ ભાયુને જમીનનો ભાગ નથી દેતો? ખેડુત રમેશને આંતરી મોટા ભાઇના જમાઇ સહિતે પગ ભાંગી નાંખ્‍યો : અજાણ્‍યા ત્રણ શખ્‍સોએ પકડી રાખ્‍યો અને રણજીત મકવાણાએ આડેધડ ઘા ઝીંક્‍યાઃ જતાં જતાં ધમકી દીધી-જમીનના ભાયુ ભાગ નહિ કર તો બીજી વાર જીવતો નહિ રહેઃ કુવાડવા રોડ પોલીસે ગુનો નોંધ્‍યો

રાજકોટ તા. ૧: કુવાડવાના જામગઢ ગામે રહેતાં અને ખેતી કરી ગુજરાન ચલાવતાં યુવાનને તેના મોટા ભાઇના જમાઇ સહિત ચાર જણાએ ચાંચડીયા ગામ પાસે આંતરી ‘તું કેમ જમીનમાં તારા ભાયુને ભાગ નથી દેતો? ભાયુ ભાગ કરી નાંખ' કહેતાં યુવાને મારા ભાઇઓ મારી માતાને સાચવતા નથી, માતા હયાત છે ત્‍યાં સુધી કોઇને હક્ક હિસ્‍સો નહિ મળે તેમ કહેતાં ભાઇના જમાઇએ આજે તો આના ટાંગા ભાંગી નાંખવા છે, પકડો આને કહી લોખંડના પાઇપના ઘા ફટકારી એક પગ ભાંગી નાંખી મારી નાંખવાની ધમકી આપી હતી.

આ બનાવમાં હુમલામાં ઘાયેલ થયેલો જામગઢનો રમેશભાઇ સોમાભાઇ ઉતેડીયા (ઉ.વ.૩૫) સિવિલ હોસ્‍પિટલમાં દાખલ થતાં હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, તોૈફિકભાઇ, ભાવેશભાઇ, ધર્મેન્‍દ્રભાઇએ જાણ કરતાં કુવાડવા પોલીસે રમેશભાઇની ફરિયાદ પરથી તેના મોટા ભાઇ છગન સોમાભાઇના જમાઇ બેડલાના રણજીત હેમતભાઇ મકવાણા અને ત્રણ અજાણ્‍યા વિરૂધ્‍ધ ગુનો દાખલ કર્યો છે.

રમેશભાઇ ખેતી કરી ગુજરાન ચલાવે છે. તેણે જણાવ્‍યું હતું કે અમે છ ભાઇ બહેન છીએ જેમાં સોૈથી નાનો ચનાભાઇ હયાત નથી. તેનાથી નાનો છગનભાઇ, તેનાથી નાનો હું, મારાથી નાનો સોમા, એ પછી કાળુ અને બાદમાં બહેન રંજુબેન છે. જેમાં કાળુ કુંવારો છે. હું મારા માતાને સાચવતો હોઇ જેથી ખેતીની બધી જમીન સાતેક વર્ષથી હું એકલો વાવુ છું. મારા બીજા ચારેય ભાઇઓનો આ જમીનમાં કોઇ હક્ક હિસ્‍સો આપ્‍યો ન હોઇ જેથી આ ભાઇઓ મારાથી નારાજ છે અને તેના કારણે મનદુઃખ ચાલે છે.

સવારે દસેક વાગ્‍યે હું ઘરેથી મારુ બાઇક હંકારી બારવણ ગામમાં કામ માટે ગયો હતો. ત્‍યાંથી પરત ઘરેઅ ાવતો હતો ત્‍યારે ચાંચડીયા ગામના પાદરથી થોડે આગળ તળાવ પાસે પહોંચ્‍યો ત્‍યારે મારા મોટા ભાઇ છગનના જમાઇ રણજીત મકવાણા અને ત્રણ અજાણ્‍યા શખ્‍સો તેના બાઇક પર ઉભા હતાં. તેણે મને ઉભો રાખતાં મેં વાહન ધીમુ પાડતાં રણજીતે નજીક આવી-તું કેમ બધી જમીન એકલો વાવે છે, મારા સસરા કે તમારા બીજા ત્રણ ભાઇઓને કેમ ભાગ આપતો નથી? તેમ કહેતાં મેં કહેલું કે મારા ભાઇઓ મારા બાને સાચવતા નથી, મારા બા જીવે છે ત્‍યાં સુધી કોઇને હક્ક હિસ્‍સો મળશે નહિ તેમ કહેતાં રણજીત ઉશ્‍કેરાઇ ગયો હતો અને બીજા અજાણ્‍યા શખ્‍સોને તમે આને પકડી રાખો હું મોટરસાઇકલમાંથી પાઇપ લઇને આવું છું, આજે ટાંગા ભાંગી નાખવા છે તેમ કહેતાં અજાણ્‍યા શખસોએ મને પકડી લીધો હતો.

બાદમાં રણજીત પાઇપ લઇને આવ્‍યો હતો અને તેણે તથા અજાણ્‍યાએ આડેધડ ઘા ફટકારતાં પગમાં ઇજાઓ થઇ હતી અને હું પડી ગયો હતો. એક ઘા લમણામાં લાગી ગયો હતો. આ દરમિયાન દેકારો મચાવતાં અમારા ગામના વલ્લભભાઇ બાઇક લઇને નીકળતાં તે ઉભા રહી જતાં રણજીત સહિતના ચારેય ભાગી ગયા હતાં. જતાં જતાં રણજીતે ધમકી આપી હતી કે જમીનમાં ભાયુ ભાગ કરી નાખજે નહિતર હવે બીજી વાર જીવતો નહિ રહેવા દઉં. આ પછી રણજીતભાઇ મને બાઇકમાં બેસાડી મારી વાડીએ ઉતારી ગયા હતાં. ત્‍યાંથી પડોશીએ ૧૦૮ બોલાવી દેતાં મને રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડયો હતો. અહિ ડોક્‍ટરે એક્‍સરે સહિતનું નિદાન કરતાં ડાબા પગમાં બે ફ્રેકચર હોવાનું જણાયું હતું. બીજા પગ, લમણા, વાંસામાં મુંઢ ઇજાઓ થઇ હતી. તેમ વધુમાં રમેશભાઇએ કહેતાં પીઆઇ બી. પી. રજયાની રાબરીમાં એએસઆઇ કે. એચ. ચાવડાએ ગુનો નોંધી હુમલાખોરોની શોધખોળ હાથ ધરી છે. (૧૪.૭)

(11:40 AM IST)