<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th February 2025

જામનગરના ઓલ રાઉન્ડર ગ્રુપ દ્વારા ભોઈ સમાજ જ્ઞાતિ સમૂહ લગ્ન મહોત્સવ -૨૦૨૫નું સૌ પ્રથમ વખત આયોજન

સમસ્ત જામનગર ભોઈ સમાજની ૧૧ દીકરીઓ આગામી બીજી માર્ચે પ્રભુતામાં પગલાં માંડશે: મુખ્ય આયોજક પરિવાર તથા અન્ય દાતાઓના સહયોગથી તમામ દીકરીઓને સોના ચાંદીના ઘરેણા-ઇલેટ્રોનિક ઉપકારણો સહિતનું કરિયાવર અપાશે

જામનગરના ઓલરાઉન્ડર ગ્રૂપ દ્વારા જામનગર ભોઈ સમાજ સમૂહ લગ્ન મહોત્સવ -૨૦૨૫ નું સૌપ્રથમ વખત આયોજન કરવામાં આવ્યું છે, અને આગામી તારીખ ૨.૩.૨૦૨૫ ને રવિવારે ભોઈ સમાજ જ્ઞાતિના ૧૧ નવ દંપતિઓ લગ્નગ્રંથિથી જોડાશે. ગ્રુપના પરિવાર ઉપરાંત શહેરના અન્ય દાતાઓના સહયોગથી સોના ચાંદીની ભેટ સોગાદો ઉપરાંત ઇલેક્ટ્રોનિક ઉપકરણો અને ઘરવખરીની અનેક ચીજ વસ્તુઓ સહિતનું કરિયાવર  તમામ ૧૧ કન્યાઓને ભેટ સ્વરૂપે અપાશે.

જામનગરના નાગેશ્વર વિસ્તારમાં સંત શ્રી ખેતા ભગતની વાડી ના સ્થળે આયોજીત પ્રથમ સમૂહ લગ્ન ઉત્સવમાં પ, નવતનપુરી ધામ ખીજડા મંદિરના પૂજ્ય શ્રી ૧૦૦૮ કૃષ્ણમણિજી મહારાજ તેમજ સ્વામિનારાયણ મંદિરના કોઠારી સ્વામી પૂજ્ય શ્રી ચતુર્ભુજદાસજી મહારાજ આશીર્વચન પાઠવશે.
ઉપરાંત જામનગર જિલ્લાના સાંસદ પૂનમબેન માડમ, ૭૯- વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, ૭૮- વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય રિવાબા જાડેજા, નગરના મેયર વિનોદભાઈ ખીમસુરીયા, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, ઉપરાંત જામનગર શહેર ભાજપના પ્રમુખ ડો. વિમલભાઈ કગથરા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ કગથરા, શાશક જૂથના નેતા આશિષભાઈ જોશી, મહાનગરપાલિકાના દંડક કેતનભાઇ નાખવા, પૂર્વ શહેરી વિકાસ મંત્રી પરમાણંદભાઈ ખટ્ટર, અખીલ ગુજરાત લોહાણા સમાજના પ્રમુખ જીતુભાઈ લાલ, પૂર્વ મેયર હસમુખભાઈ જેઠવા, બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના પૂર્વ પ્રમુખ મનોજભાઈ અનડકટ, અગ્રણી બિલ્ડર મહેશભાઈ વારોતારીયા, જિલ્લા પંચાયતના સદસ્ય શ્રી મુળુભાઇ આર. કંડોરીયા, ભોઈ જ્ઞાતિના પ્રમુખ નરેન્દ્રભાઈ મહેતા, પત્રકાર સંજયભાઈ જાની, ઉપરાંત વોર્ડ નંબર ૧૦ ના કોર્પોરેટર પાર્થ જેઠવા, મુકેશભાઈ માતંગ અને આશાબેન રાઠોડ પણ અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે.
પ્રથમ સમૂહ લગ્નમાં શાસ્ત્રી સંજયભાઈ શશીકાંતભાઈ લવા શાસ્ત્રોત વિધિને અનુસાર લગ્ન સંસ્કાર વિધિ પરીપૂર્ણ કરાવશે.
ઓલ રાઉન્ડર ગ્રુપ દ્વારા બેટી બચાવો અને બેટી વધાવો ના સંદેશા સાથે આ સમૂહ લગ્ન ઉત્સવનું સૌ પ્રથમ વખત આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ૧૧ દીકરીઓને જુદી જુદી સોનાની વસ્તુઓ, પંચધાતુની વસ્તુઓ, ઉપરાંત પાનેતર- સાડી- બનારસી સેલા, ચાંદીના આભૂષણો તેમજ ઈલેક્ટ્રીક આઈટમ જેમાં ટીવી, ફ્રીજ પંખા, ગ્રાઈન્ડર  તેમજ ઘરવખરી ને લગતી અનેક ગૃહઉપયોગી ચીજ વસ્તુઓ કરિયાવરના સ્વરૂપમાં કન્યાઓને ભેટના સ્વરૂપમાં અપાશે.
 જેના માટે આયોજક ગ્રૂપના પરિવારના દાતાઓ ગં. સ્વ. મંજુલાબેન મહેશભાઈ જેઠવા, ગં. સ્વ. લક્ષ્મીબેન ભીમજીભાઇ ગોંડલીયા, દિનેશભાઈ શામજીભાઈ વારા, ગં. સ્વ. કિરણબેન મનસુખલાલ કુંભારાણા,  રમેશભાઈ સહાની, અને ગં. સ્વ. ચંપાબેન ભગવાનભાઈ રાઠોડના આર્થિક અનુદાનથી તેમજ શહેરના અન્ય દાતાઓના સહયોગથી આ સમગ્ર સમૂહ લગ્ન મહોત્સવનું આયોજન કરાયું છે.
 ગ્રુપના મુખ્ય આયોજક કપિલભાઈ એમ. જેઠવા અને મયુરભાઈ એમ. જેઠવા, તેમજ હિતેશભાઈ બી. ગોંડલીયા, અને અતુલભાઇ બી. ગોંડલીયાની આગેવાનીમાં ગ્રુપના અન્ય ૩૨ સભ્યો તેમજ બહેનોનો પણ પૂરતો સહયોગ સાંપડી રહ્યો છે.
ઓલ રાઉન્ડર ગ્રુપ દ્વારા સમસ્ત જ્ઞાતિજનો માટેના ભોજનસમારોહનું પણ મંગળવારે આયોજન
 જામનગર ના ઓલરાઉન્ડર ગ્રુપ દ્વારા જ્ઞાતિજનોની ૧૧ દીકરીઓના સમૂહ લગ્નના આયોજન બાદ સમસ્ત ભોઇ જ્ઞાતિ માટે ભોજન સમારંભનું પણ આયોજન કરાયું છે, અને આગામી તારીખ ૪.૩.૨૦૨૫ ના  સાંજે ખેતાભગતની જગ્યામાં સમસ્ત જ્ઞાતિજનો માટે ના ભોજનસમારોહનું પણ આયોજન કરાયું છે. જે સ્થળે સમસ્ત જ્ઞાતિજનોની ઉપસ્થિતિમાં તમામ ૧૧ દીકરીઓનો સત્કાર સમારંભ યોજીને દાયજો સુપ્રત કરાશે.


 

(7:53 PM IST)