<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th February 2025

અમરેલીના પાણીયાની સીમમાં સિંહે બાળકને ફાડી ખાધો

 

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી, તા. ૧૯: અમરેલી તાલુકાના પાણીયા ગામની ગોચરની જમીનમાં સિંહે એક બાળકને ફાડી ખાતા ફફડાટની લાગણી વ્‍યાપી હતી.

આ બનાવની વિગતો એવા પ્રકારની છે કે અમરેલી તાલુકાના પાણીયા ગામની સીમમાં ગોચરની જમીનમાં નારુભાઇ લાલસીંગ બારૈયા રે. બાળી સેરા ગોવાલી  જી. જામવા અને હાલ પાણીયા તેનો સાત વર્ષનો પુત્ર રાહુલ નારુભાઈ બારૈયા ઉપર જંગલી સિંહે હુમલો કરી શરીરના અંગને ખાઈ જતા સારવાર અર્થે જંગલ ખાતાના વાહનમાં અમરેલી હોસ્‍પિટલે ખસેડાયેલ ત્‍યાં તેને મળતક જાહેર કરતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

જંગલ વિસ્‍તારમાંથી સિંહો ગ્રામ્‍ય અને શહેરી વિસ્‍તાર તરફ દેખા દેતા હોવાની અને ઘટનાઓ અને હુમલાની ઘટનામાં વધારો થતા ફફડાટ ફેલાઈ ગયો છે.

સાવરકુંડલા ના મેરીયામાં યુવાનનો આપઘાત

સાવરકુંડલા તાલુકાના મેરીયા ગામે રહેતા પરેશભાઈ દામજીભાઈ બોદર નામના યુવાને કોઈ અગમ્‍ય કારણોસર ગોવિંદભાઈ દામજીભાઈ બોદર ની વાડીએ ઝેરી દવા પી આપઘાત કરી લીધા નો પોલીસમાં જાહેર થયું હતું.

ત્રણને ઇજા

રાજુલાના દાતરડી નજીક પુલ ઉપરથી બાઈક લઇ પસાર થતા પ્રદીપભાઈ અરજણભાઈ વાજા રહેવાસી કુંભારવાડા સરકારી હોસ્‍પિટલ વાળા ખાચામાં તા. મહુવાના ભાઈ કમલેશ તથા ભાભી અરુણાબેન ભત્રીજા વિરાટ મોટરસાયકલ લઈ જઈ રહ્યા હતા ત્‍યારે પાછળથી આવતા એક મોટરસાયકલ ચાલકે બાઈક સાથે અથડાવી પછાડી દઈ ત્રણેયને નાની મોટી ઇજા કર્યાની ફરિયાદ પોલીસમાં થવા પામી હતી.

પાંચ શખ્‍સોનો હુમલો

રાજુલા પંથકના લોર હેમાળ ગામની સીમમાં રાજેશભાઈ નાનુભાઈ માંગરોળીયા રે. ગીર સોમનાથ નવી મામલતદાર ઓફિસની બાજુમાં મહેશ્વરી સ્‍ટોન નામનો ભડિયો ચલાવતા હોય અને ત્‍યાંથી કપસી ડીઝલની ચોરી થતી હોવાનું ધ્‍યાનમાં આવતા અનિલ કુરજીભાઈ ચાવડા નામના શખ્‍સનું શકદાર તરીકે નામ પોલીસમાં આપ્‍યું હતું એ બાબતનો ખાર રાખી કુરજી સવા ચાવડા વિજય વિઠ્ઠલ ચાવડા અનિલ કુરજી ચાવડા દીપક હિંમત ચાવડા સંજય કુરજી ચાવડા નામના પાંચે શખ્‍સોએ મળી ગાળો આપી ધમકી આપી લોખંડના પાઇપ વડે હુમલો કરી હાથ ઉપર ફ્રેક્‍ચર કર્યા ની ફરિયાદ પોલીસમાં થવા પામી હતી.

(4:43 PM IST)