તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 13th February 2025
ચોટીલા જવાનું કહીને ૧૯ વર્ષનો હીરાઘસુ સંજય ઘરેથી નીકળ્યો, ઝેર પી વોંકળામાં સુઇ ગયોઃ સારવારમાં મોત
ત્રણ મહિના પહેલા જ સગાઇ થઇ હતીઃ બોટાદના બાબરકોટનો બનાવ : બહેને ભાઇ ક્યાં પહોંચ્યો એ જાણવા ફોન કરતાં તેણે કહ્યું-આપણી વાડી પાસેના વોંકળામાં છું અને હું દવા પી ગયો છું!: રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દમ તોડયો

રાજકોટ તા. ૧૩: બોટાદના બાબરકોટ ગામે રહેતાં ૧૯ વર્ષના હીરાઘસુ યુવાને પોતાની વાડીના વોંકળામાં જઇ ઝેર પી લેતાં સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો. પરંતુ અહિ દમ તોડી દીધો હતો. ત્રણ મહિના પહેલા જ આ યુવાનની સગાઇ થઇ હતી.
જાણવા મળ્યા મુજબ બાબરકોટ રહેતો સંજય નટુભાઇ સારોલા (ઉ.વ.૧૯) ગઇકાલે બપોર બાદ ઘરેથી બાઇક લઇને નીકળ્યો હતો અને ચોટીલા દર્શન કરવા જાય છે તેમ કહેતો ગયો હતો. સાંજે ચારેક વાગ્યે તેની બહેન રીટાબેને ભાઇ ક્યાં પહોંચ્યો? એ જાણવા તેને ફોન જોડતાં તેણે કહ્યું હતું કે હું આપણી વાડી નજીકના વોંકળામાં છું અને મેં ઝેરી દવા પી લીધી છે. આટલુ કહી ફોન કાપી નાંખતા રીટાબેને પિતા સહિતને જાણ કરતાં બધા વાડી આસપાસ સંજયને શોધવા ગયા હતાં. અડધા કલાક બાદ તેનું હોન્ડા વોંકળા નજીક ઝાડ પાછળથી મળ્યું હતું અને સંજય પણ વોંકળામાંથી ઝેરી દવા પીધેલી હાલતમાં મળ્યો હતો.
તેને તુરત જ સારવાર માટે નજીકના દવાખાને અને ત્યાંથી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. અહિ સવારે મૃત્યુ થતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. હોસ્પિટલ ચોકીના એએસઆઇ રામશીભાઇ વરૂ, તોૈફિકભાઇ, ભાવેશભાઇ, ધર્મેન્દ્રભાઇએ પાળીયાદ પોલીસને જાણ કરી હતી. આપઘાત કરનાર સંજય બે ભાઇ અને બે બહેનમાં વચેટ હતો. તે હીરા ઘસવાનું કામ કરતો હતો. ત્રણેક મહિના પહેલા જ તેની સગાઇ થઇ હતી. આપઘાતનું કારણ પરિવારજનો જાણતાં ન હોઇ પોલીસે તપાસ યથાવત રાખી છે. યુવાન અને આશાસ્પદ દિકરાના આ પગલાથી પરિવારમાં ગમગીની વ્યાપી ગઇ હતી.
(11:14 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
