<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th February 2025

જુનાગઢમાં શ્રી આપાગીગાનો ઓટલો ચોટીલા દ્વારા ધર્મોત્‍સવ

મહાશિવરાત્રીના મેળામાં ભજન, ભોજન અને ભકિતનો ત્રિવેણી સંગમ થશેઃ તૈયારીઓનો ધમધમાટ મહાશિવરાત્રી પર્વે દરરોજ સવારે ચા, પાણી, નાસ્‍તો તેમજ શુધ્‍ધ ઘીની બે મીઠાઇ, દાળભાત, બે શાક, સિંગતેલમાં બનેલ ફરસાણ સહિતની વાનગીઓનો મહાપ્રસાદનો ભાવિકો લાભ લેશેઃ નરેન્‍દ્રબાપુ

રાજકોટઃ આભને ઓવારણા લઈ વાદળ સાથે વાતો કરતા ગરવા ગિરનારની ગોદમાં આદી અનાદી કાળથી જુનાગઢ ખાતે દર વર્ષે સમગ્ર રૂષી મુનીઓ, સાધુ સંતો, મહામંડલેશ્વરશ્રીઓ, દરેક અખાડાના સંતશ્રીઓ તેમજ ભક્‍ત કોટીના આશ્રમો દ્વારા તેમજ સરકારશ્રીના માધ્‍યમથી અને સમગ્ર સમાજના આગેવાનો દ્વારા મહાશિવરાત્રીનો મેળો યોજાય છે. જેમાં આ વર્ષે પણ આ પરમ પવિત્ર શિવરાત્રી મહોત્‍સવ આડે ઓછા દિવસો બાકી રહયા છે ત્‍યારે શ્રી આપાગીગાના ઓટલા દ્વારા તેની ભવ્‍યાતિ ભવ્‍ય ઉજવણીઓ કરવા માટેની સમગ્ર તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.

આ અવસરે શ્રી આપાગીગાનો ઓટલો ચોટીલા દ્વારા ભવનાથ ક્ષેત્રમાં લાલ સ્‍વામીની જગ્‍યા ભવનાથ જુનાગઢ ખાતે સમગ્ર સમાજના લોકો સાધુ સંતો ભાઈઓ, બહેનો માતાઓ યુવાનો અઢારેય કોમ માટેનું છેલ્લા ઘણા વર્ષોથી સંપૂર્ણ મહા અન્નક્ષેત્રનું આયોજન કરવામાં આવે છે. જેમાં જુનાગઢ શહેર, જુનાગઢ જીલ્લો, સાવરકુંડલા, એમરેલી, ભાવનગર, તેમજ રાજકોટ ના ભાઈઓ-બહેનો વિગેરે દ્વારા આ કાર્યક્રમની અંદર  ભેદભાવ વગર વિનામુલ્‍યે સેવાઓ આપવામાં આવે છે. જે બદલ નરેન્‍દ્રબાપુ ગુરૂશ્રી જીવરાજબાપુ દ્વારા મહાપ્રસાદ લેવા સૌ ભાઈઆ-બહેનો માતાઓ વગેરેનો પણ આભાર માનવામાં આવેલ હોવાનું યાદીમાં જણાવાયું છે.

આ વર્ષે પણ દર વર્ષની માફક શ્રી આપાગીગાના ઓટલાના મહંત શ્રી નરેન્‍દ્રબાપુ ગુરૂશ્રી જીવરજબાપુની (નરેન્‍દ્રભાઈ સોલંકી) તેમજ સમગ્ર કાર્યકર્તાઓની ટીમ દ્વારા અને ભગવાન ભોળાનાથની તેમજ માં અંબાજી અને ૫૨(બાવન)વીર ૬૪(ચોસઠ) જોગણી નવનાથ ૮૪ (ચોરયાસી) સીંધની આગેવાનીમાં તેમજ પરમ પૂજ્‍ય સદ્ગુરૂદેવશ્રી જીવરાજબાપુ ગુરૂશ્રી શામજીબાપુના આર્શીવાદથી અન્નક્ષેત્રની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. સાત વિઘા જેવી મોટી જગ્‍યામાં સેંકડો ભાવીકો માટે મહાપ્રસાદ રૂપી ભોજનની સેવા માટે જુનાગઢ શહેર, જુનાગઢ જીલ્લાના અઢારેય વરણ તેમજ શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજના દરેક કાર્યકર્તાઓ તેમજ સમગ્ર સૌરાષ્‍ટ્રના દરેક સમાજને સ્‍વયંમસેવક, હરખની હેલી ચડી છે અને સૌ સાથે મળી ખંભે ખંભા મીલાવી અને કાર્યરત છે. નરેન્‍દ્રબાપુ ગુરૂશ્રી જીવરાજબાપુએ જણાવેલ કે જુનાગઢ ખાતે ભવનાથક્ષેત્રમાં મહાશિવરાત્રી મહોત્‍સવ અંતગર્ત તા. ૨૦-ગુરૂવાર સવાર થી લઈ શ્રી આપાગીગાના ઓટલાનું અન્નક્ષેત્ર સમગ્ર સમાજના લોકો માટે ધમધમતુ થઈ જશ. જેમાં સવારના સમયમાં દરેક લોકોને ચા-પાણી-નાસ્‍તો અને સવારે ૧૦-૩૦ થી લઈ મોડી રાત્ર સુધી શુધ્‍ધ ઘીની બે મીઠાઇઓ, શુધ્‍ધ સિંગતેલમાં બનેલ બે શાક, ફરસાણ, દાળ, ભાત, શાક, ખીચડી, કઢી, વગેરેનો ભોજનરૂપી મહાપ્રસાદની વ્‍યવસ્‍થાઓ ભગવાન સદાશીવ, માં ભગવતી તેમજ માં બહુચરાજી, ભગવાન દ્વારકાધીશના આર્શીવાદથી અને અમારા પરમ સદ્ગુરૂ દેવ શ્રી જીવરાજબાપુની પે્રરણાથી ચાલુ થઈ જશે તેમજ તા. ૨૭ ગુરૂવારના દિવસે સંપૂર્ણ દિવસ માટે સવારથી લઈ રાત્રી સુધી આખા સ્‍વઆખા દિવસ શિખંડ, રાજગરાના લોટનો શીરો, સામાની ખીર, કરાળી ખીચડી, સુકી ભાજી, રાજગરાના લોટની પુરી, ફરાળી ચેવડો, ફરાળી કઢી, વિગેરે અનેક ઙ્કકારની ફરાળી આઈટમો પણ પીરસવામાં આવશે. શિવરાત્રી મહોત્‍સવના મહાપ્રસાદનો અનેરો મહિમા છે. મહોત્‍સવમાં આવતા તમામ ભાવિકોને સંપૂર્ણ પણે વિનામુલ્‍યે મહાપ્રસાદ લેવા માટે જાહેર નિમંત્રણ છે.

 તા.૨૨ થી લઈ તા. ૨૭ સુધી દરરોજ રાત્રીના સમયે ખુબજ મોટા નામાંકિત કલાકારો દ્વારા વિડીયો પર એલ.ઈ.ડી. સ્‍ક્રીન દ્વારા રોજ રાત્રે ભજન અને લોક ડાયરાની જમાવટ થનાર છે. ભજન ભોજન અને ભકિતનો ત્રીવેણી સંગમ એટલે મહાશિવરાત્રીનો ભગવાન ભવનાથ મહાદેવના સાનિધ્‍યના મેળામોં શ્રી આપાગીગાના ઓટલાના અન્નક્ષેત્રમાં મહાપ્રસાદ લેવા શ્રી આપાગીગાના ઓટલાના મહંત શ્રી નરેન્‍દ્રબાપુ ગુરૂશ્રી જીવરાજબાપુ દ્વારા જાહેર જનતા જોગ અપીલ કરાઇ છે.

(10:50 AM IST)