<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th February 2025

પહેલાં વિવાદીત ટિપ્પણી બાદમાં માફી: કોંગ્રેસ અગ્રણી ગ્યાસુદ્દીન શેખે કચ્છ ભાજપના આગેવાનોની માંગી માફી : જુઓ વિડિઓ

ભાજપના ધારાસભ્ય અને મુસ્લિમ ઉમેદવાર બંને વિરુદ્ધ કરેલ અપમાનજનક ટિપ્પણી બાદ તમામ સમાજોમાં રોષ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૩ :  ચૂંટણી દરમ્યાન પ્રચાર પ્રસારમાં ભાષાનો વિવેક ચૂકી અપમાનજનક ટિપ્પણી કરવાના મુદ્દે કોંગ્રેસના પીઢ નેતા અને પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે રાજકીય હલચલ સર્જી છે. કચ્છની રાપર નગરપાલિકાની ચૂંટણીના પ્રચાર દરમ્યાન ભાજપના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા અને ભાજપ વતી ચૂંટણી લડતા મુસ્લિમ ઉમેદવાર સૈયદ અનવરશા બાપુ માટે અપમાનજનક ભાષાનો ઉપયોગ કર્યો હતો. જેને પગલે લોકોમાં રોષ જોવા મળ્યો હતો. ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા કચ્છ જિલ્લા ક્ષત્રિય સમાજના પ્રમુખ છે. જ્યારે નગરપાલિકામાં ઉમેદવારી કરનાર સૈયદ અનવરશાબાપુ મુસ્લિમ સમાજના ધર્મગુરુ છે. આમ બંને આગેવાનો વિરુદ્ધની કોંગ્રેસી નેતાની ટિપ્પણીએ રાજકીય અને સામાજિક રીતે ઉગ્ર પ્રત્યાઘાતો સર્જ્યા હતા. બાદમાં પોતાના અપમાનજનક નિવેદન બદલ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે વીડિયો દ્વારા ભાજપના આ બંને આગેવાનોની માફી માંગી હતી.

(9:33 AM IST)