તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 12th February 2025
પુત્રના લગ્ન પ્રસંગે ગૌતમ અદાણીની રૂ.૧૦,૦૦૦ કરોડની માતબર સખાવતની જાહેરાત
ઝાકમઝોળને બદલે સેવાનો અનુકરણીય ચીલોઃ લગ્નની ભવ્યતા અંગેની વહેતી થયેલી વાતોનું ખંડન કરી અદાણી પરિવારે દર્શાવ્યું સેવાનું અનુકરણીય દ્રષ્ટાંત

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૧૨: ગૌતમ અદાણીએ ગયા મહિને મહાકુંભ મેળાની મુલાકાત વેળા કહ્યું હતું કે તેમના પુત્રના લગ્ન ‘‘સાદગી અને પરંપરાગત રીત રસમ'' અનુસાર કરવામાં આવશે. એ સમયના પોતાના કહેણને વળગી રહેવા સાથે પુત્ર જીત અદાણીના લગ્ન એક ભવ્ય અને અદભૂત જશ્નની જેમ ઉજવાશે તેવી તમામ અફવાઓ અને અટકળોનો અંત લાવી દેતા આ અબજોપતિ ઉદ્યોગપતિએ પોતાના પારિવારિક લગ્નસરાને ઝાકમઝોળથી અળગો તો રાખ્યો છે પણ ‘બહુજન હિતાય, બહુજન સુખાય'ના ધ્યેય સાથે રૂ ૧૦,૦૦૦ કરોડની માતબર રકમની સખાવત જાહેર કરી એક અનુકરણીય દ્રષ્ટાંત પૂરું પાડ્યું છે. વિશ્વના સૌથી ધનિક વ્યક્તિત્વોમાંના એક પરિવારમાં ઉજવાતા આ લગ્નની વિશિષ્ટ ‘પહેરામણી'ને વિવિધ સામાજિક કાર્યોમાં સેવાના અજવાળા પાથરવા માટે કરવામાં આવશે. સેવા સાધના હૈ, ઓૈર સેવા હી પરમાત્માં હૈ ની ગૌતમ અદાણીની અંગત ફિલોસોફીની જન કલ્યાણની સૂચિમાં તેમની આ વિશાળ સખાવત મારફત સામાજિક દર્શનને આકાર આપવામાં આવ્યો છે એમ તેમના નજીકના અંગત સૂત્રોએ જણાવ્યું હતું. તેમની આ સખાવતનો શિરમોર ભાગ આરોગ્ય સંભાળ, શિક્ષણ અને કૌશલ્ય વિકાસમાં મોટા પાયે માળખાગત પહેલોને ભંડોળના યોગદાનથી માણેકસ્થંભ રોપવા સમાન એક સુદ્રઢ તાકાત પૂરી પાડવામાં આવે તેવી અપેક્ષા છે. આ ક્ષેત્રોમાં આગામી પદાર્પણ આમ આદમીને પરવડે તેવી વિશ્વ કક્ષાની અસ્પતાલો અને મેડિકલ કોલેજો, પોષાય તેવી ફી સાથેની ટોપ-ટાયર K -12 શાળાઓ અને રોજગારીની બાંહેધરી સાથેના અદ્યતન વૈશ્વિક કૌશલ્ય એકેડેમીના નેટવર્કમાં સમાજના તમામ સમૂહોને ઉપલબ્ધ બની રહે તેના પર ધ્યાન કેન્દ્રિત કરશે.
તેમના નાના દીકરાના લગ્નોત્સવ પ્રસંગે ગૌતમ અદાણીએ X (અગાઉના ટવીટર) ઉપર મૂકેલી પોસ્ટમાં લખ્યું છે, પરમપિતા પરમેશ્વર કે આશીર્વાદ સે જીત ઓૈર દિવા આજ વિવાહ કે પવિત્ર બંધન મેં બંધ ગયે, યહ વિવાહ આજ અહમદાબાદ મેં પ્રિયજનો કે બીચ પારંપરિક રીત રીવાજો ઓૈર શુભ મંગલ ભાવ કે સાથ સંપન્ન હુઆ, યહ એક છોટા ઓૈર અંત્યત નિજી સમારોહ થા, ઇસ લીયે હમ ચાહ કર ભી સભી શુભચિંતકો કો આમંત્રિત નહીં કર સકે, જિસકે લિયે મૈ ક્ષમાપ્રાર્થી હું, મૈ આપ સભી સે બેટી દિવા ઓૈર જીત કે લીયે સ્નેહ ઓૈર આશીષ કા マદય સે આંકાક્ષી હું.
રસપ્રદ વાત એ છે કે,આ ટ્વીટમાં, તેણે તેમની પુત્રવધૂને ‘‘દીકરી દિવા'' તરીકે સંબોધન કર્યું છે. જીત અદાણીએ હિરાના વેપારી જૈમિન શાહની દીકરી દિવા સાથે આજે બપોરે અમદાવાદમાં અદાણી શાંતિગ્રામ ટાઉનશીપમાં આવેલી બેલ્વેડેર ક્લબ ખાતે સપ્તપદીના સાત ફેરા ફરી લગ્નગ્રંથીથી જોડાયા હતા. પરિવારના અંતરંગ વર્તુળોના કહેવા મુજબ, આ લગ્ન એક સાદો પર્વોત્સવ રહ્યો હતો. જેમાં પારંપારિક ધાર્મિક વિધિઓ બાદ રૂઢીગત ગુજરાતી સમારોહમાં નજીકના સગા સંબંધીઓ અને પારિવારિક મિત્રોએ જ હાજરી આપી પ્રસંગને દીપાવ્યો હતો. રાજકીય નેતાઓ, વેપાર ઉદ્યોગના અગ્રણીઓ, રાજદ્વારીઓ, ઉચ્ચ અધિકારીઓ, ફિલ્મ સ્ટાર્સ, મનોરંજન જગતના જાણીતા ચહેરાઓ કે અન્ય હસ્તીઓની ગેરહાજરી સ્પષ્ટપણે જોવા મળી હતી
હાલમાં જીત અદાણી છ આંતરરાષ્ટ્રીય હવાઇ મથકોનું સંચાલન કરતી કંપની અદાણી એરપોર્ટ્સના ડિરેક્ટર તરીકે કાર્યરત છે. નવી મુંબઇમાં નિર્માણાધિન સાતમા એરપોર્ટની કામગીરી તે સંભાળે છે.યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનીયાની સ્કૂલ ઓફ એન્જિનિયરિંગ એન્ડ એપ્લાઇડ સાયન્સનો જીત અદાણી પૂર્વ વિદ્યાર્થી છે.
પોતાના લગ્નના માત્ર બે દિવસ પહેલા જીત અદાણીએ પ્રભુતામાં પગલા પાડનારા ૨૧ દિવ્યાંગ યુગલોને પોતાના આવાસે નોતરું આપી તેઓને મળી સંસારી જીવનની શુભકામનાઓ પાઠવીને આ કાર્યક્રમનું મંગલાચરણ કર્યું હતું. ગૌતમ અદાણીએ દિવ્યાંગ નવ પરિણીત મહિલાઓને તેમના જીવનમાં મદદરુપ થવા માટેના કાર્યક્રમ ‘મંગલ સેવા'ની ઘોષણા કરી હતી. આ કાર્યક્રમ હેઠળ દર વર્ષે નવપરિણીત આવી ૫૦૦ દિવ્યાંગ દરેક મહિલાઓને રૂ.૧૦ લાખની આર્થિક મદદ પ્રદાન કરવામાં આવશે. અદાણી સમૂહના ચેરમેન ગૌતમ અદાણીએ X (અગાઉ Twitter) ઉપર પોતાના હૈયાનો હરખ વ્યકતા કરતા લખ્યું છે કે તેમનો પુત્ર જીત અને પુત્રવધુ દીવા પોતાના લગ્ન જીવનની સફરની શરુઆતના પ્રથમ અધ્યાયનો ઉઘાડ એક સદાચારી સંકલ્પ સાથે કરી રહ્યા છે.
૨૧ જાન્યુઆરીએ પ્રયાગરાજમાં મહાકુંભ ખાતે પત્રકારોએ શું તેમના પુત્રના લગ્ન ‘‘સેલિબ્રિટીઝનો મહાકુંભ'' હશે એવું પૂછવામાં આવ્યું તેના જવાબમાં ગૌતમ અદાણીએ કહ્યું હતું, કે ‘‘ચોક્કસપણે નહીં. અમે સામાન્ય લોકો જેવા જ છીએ. લગ્ન પૂર્વે જીત મા ગંગાના આશીર્વાદ લેવા માટે અહીં આવ્યો છે. તેના લગ્ન સાદાઇથી પરંપરાગત રીતે થશે.
તેમના પુત્રના લગ્નના દિવસે ગૌતમ અદાણીએ ‘‘સેવા ઓવર સેલ્ફ''નો નમૂનારુપ અનુકરણીય દાખલો પ્રસ્થાપિત કર્યો છે. સામાજિક કલ્યાણના કાર્યોને આર્થિક તાકાત આપવાનું પસંદ કરીને તેમણે એક વિચારશીલ, સમુદાય-કેન્દ્રિત અભિગમ રજૂ કરીને વ્યક્તિગત લક્ષ્યોની ઉજવણીના સારને ફરીથી વ્યાખ્યાયિત કર્યો છે જે સંપત્તિના જાહેર પ્રદર્શનને આગળ વધારતા અસરકારક બનાવે છે
(11:12 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
