<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th February 2025

રાપર સુધરાઈની ચૂંટણી દરમ્યાન રાજકીય ખળભળાટ: ભાજપના બે આગેવાનોએ નોંધાવી કોંગ્રેસમાંથી ઉમેદવારી

બંને સસ્પેન્ડ, સહકારી ક્ષેત્ર અને બક્ષી પંચ મોરચાના હોદ્દેદારોએ વોર્ડ ૫ માંથી કોંગ્રેસ વતી ઉમેદવારી નોંધાવતા રાજકીય ગરમાવો

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૧ :  કચ્છમાં નગરપાલિકાની ચૂંટણી દરમ્યાન ભાજપના બે પદ્દાધિકારીઓએ કોંગ્રેસ વતી ઉમેદવારી નોંધાવતા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં રાજકીય ગરમાવો આવ્યો છે. કચ્છ ભાજપના પ્રમુખ દેવજીભાઈ વરચંદે પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ પક્ષના આ બે આગેવાનોને સસ્પેન્ડ કરી શિસ્તભંગની તલવાર વીંઝી છે. રાપર નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ ના. ૫ માંથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે રાજુભાઈ મહાદેવભાઈ ચૌધરી અને અરવિંદભાઈ જગદીશભાઈ માલીએ ઉમેદવારી નોંધાવી છે. રાજુભાઈ ચૌધરી ભાજપના સહકાર સેલના સંયોજક છે. જમીન વિકાસ બેંકના ડાયરેક્ટર છે. ભાજપમાં જિલ્લા કક્ષાએ વિવિધ જવાબદારી નિભાવી ચૂક્યા છે. માઈનિંગના વ્યવસાય સાથે સંકળાયેલા છે. સસ્પેન્શનમાં બીજું નામ અરવિંદભાઈ જગદીશભાઈ માલી છે. તેઓ ભાજપના બક્ષી પંચ મોરચાના મંત્રી છે. પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની સૂચનાથી રાજુભાઈ ચૌધરી અને અરવિંદભાઈ માલીને જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદે ભાજપના પ્રાથમિક સભ્ય પદ્દેથી સસ્પેન્ડ કર્યા હોવાનું મીડિયા ઇન્ચાર્જ સાત્વિકદાન ગઢવીની યાદીમાં જણાવાયું છે.

(10:26 AM IST)