તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Saturday, 8th February 2025
જામનગરમાં રણજીત રોડથી સેન્ટ્રલ બેન્ક હવાઈ ચોક સુધીનો રસ્તો ખુલ્લો રખાવવા કવાયત
સવારે ૯થી રાત્રીના ૯ વાગ્યા સુધી પોલીસ તંત્રને સાથે રાખીને એસ્ટેટ વિભાગ ના આટા ફેરા

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા ૮: જામનગર શહેરમાં રણજીત રોડ થી દીપક સિનેમા, શાકમાર્કેટ, દરબારગઢ, બર્ધનચોક, માંડવી ટાવર, સેન્ટ્રલ બેન્ક અને હવાઈ ચોક સુધીના સંપૂર્ણ માર્ગ પર દિવસ દરમ્યાન અનેક રેકડી અને પથારાવાળાઓ દબાણ કરીને વાહન વ્યવહારને અવરોધ ઊભો કરતા હોય છે.
આ કાયમી સમસ્યા નિવારવાના ભાગરૂપે બર્ધન ચોક વિસ્તારમાં હંગામી પોલીસ ચોકી સહિતની કાર્યવાહી ચાલી રહી છે, જેની સાથે સાથે શહેરના અતિ ગીચ એવા તમામ મુખ્ય રોડ પર રેકડીના જંગલ વગેરેને દૂર કરવા માટે મહાનગરપાલિકાના કમિશનર ડી.એન. મોદી અને જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ દ્વારા વિશેષ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.
એસ્ટેટ અધિકારી નીતિન દીક્ષિત તેમજ દબાણ હટાવ અધિકારી સુનિલ ભાનુશાલીની રાહબરી હેઠળ એસ્ટેટ શાખાના આઠ કર્મચારીઓ તેમજ પોલીસ વિભાગની ટીમ વહેલી સવારે ૯ વાગ્યાથી રાત્રિના ૯ વાગ્યા સુધી રણજીત રોડ થી લઈને જે હવાઇ ચોક સુધીના માર્ગે રાઉન્ડ ધ ક્લોક આટા ફેરા કરવામાં આવી રહ્યા છે, અને મોટાભાગના રેકડી પથારાવાળાના દબાણોને ખસેડવાની અવિરત કાર્યવાહી ચલાવવામાં આવી રહી છે.
જેને લઈને શહેરમાં ટ્રાફિકની સમસ્યા હળવી કરી શકાય, તે દિશામાં પગલું ભરવામાં આવી રહ્યું છે. શહેરમાં અનેક સ્થળે એસ્ટેટ શાખા ની ટીમ અને પોલીસના કર્મચારીઓને રેકડી પથારાવાળાઓ વચ્ચે અનેક સ્થળે રકઝક થાય છે, પરંતુ શહેરની ટ્રાફિક સમસ્યાને હળવી ફરવાના ભાગરૂપે તંત્ર દ્વારા કડક હાથે કામ લેવામાં આવી રહ્યું છે.
(1:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
