News of Saturday, 8th February 2025
કન્યાવાળા જોવા આવવાના હોઇ બાલ-દાઢી કરાવવા નીકળેલા યુવાનને કાળ ભેટી ગયો
જસદણના ગોંડલાધારના ૨૨ વર્ષના હીરાઘસુ મહેશનું માધવીપુર પાસે બાઇક સ્લીપ થતાં મૃત્યુઃ પરિવારમાં ગમગીની

રાજકોટ તા. ૮: જસદણના ગોંડલાધારના યુવાનનું નજીકના માધવીપુર ગામ પાસે બાઇક સ્લીપ થઇ જતાં મૃત્યુ થયું છે. ગઇકાલે તેને સગપણ માટે કન્યાના પરિવારજનો જોવા આવવાના હોઇ તે જસદણ બાલ-દાઢી કરાવવા ગયો હતો. ત્યાંથી પરત આવતો હતો ત્યારે બનાવ બનતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ હતી.
જાણવા મળ્યા મુજબ જસદણના ગોંડલાધાર ગામે રહેતાં મહેશ કુરજીભાઇ માનકોલીયા (ઉ.વ.૨૨) નામના યુવાનને જસદણ-માધવીપુર વચ્ચે બાઇક સ્લીપ થઇ જતાં ગંભીર ઇજા થતાં જસદણ સારવાર અપાવી રાજકોટ સિવિલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ રાતે મૃત્યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો છે. હોસ્પિટલ ચોકીના રામશીભાઇ, અશ્વિનભાઇ, ભાવેશભાઇ, તોૈફિકભાઇ, ધર્મેન્દ્રભાઇએ જસદણ પોલીસને જાણ કરી હતી.
મૃત્યુ પામનાર યુવાન ચાર ભાઇ અને ત્રણ બહેનમાં નાનો હતો અને હીરા ઘસી પરિવારને મદદરૂપ થતો હતો. તેના પિતા ખેતી કરી ગુજરાન ચલાવે છે. સગાના કહેવા મુજબ ગઇકાલે મહેશને કન્યાવાળા સગપણ માટે જોવા આવવાના હોઇ તે દાઢી-બાલ કરાવવા જસદણ ગયો હતો. ત્યારે રસ્તામાં આ ઘટના બની હતી. યુવાન દિકરાના મોતથી પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો.
(1:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
