તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 6th February 2025
પૂ.મોરારીબાપુના હસ્તે ધ્યાનસ્વામી બાપા એવોર્ડ ફતેપુરની પૂ.ભોજલરામ બાપાની જગ્યાને અપાશે
સેંજલ ધામમાં ૧રમીએ આ જગ્યાના વર્તમાન મહંત શ્રી પૂ.ભક્તિરામબાપુ એવોર્ડ સ્વીકારશેઃ સૌરાષ્ટ્ર-ગુજરાતની દેહાણ જગ્યાના મહંતો, વિવિધ સ્થાનના ગાદીપતિઓ, સેવકો અને ભક્તજનો ઉપસ્થિત રહેશે

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર, તા. ૬: સેંજલધામ ખાતે આગામી તા.૧૨ ફેબ્રુઆરી, ૨૦૨૫ ને બુધવારના રોજ (માઘપૂર્ણિમા) સૌરાષ્ટ્ર ગુજરાતની દેહાણ જગ્યાઓને એનાયત થતો ધ્યાનસ્વામી બાપા એવોર્ડ-૧૭ પૂ. શ્રી. ભોજલરામ બાપાની જગ્યા ભોજલધામ (ફતેપુર)ને, તા.જી અમરેલીને અર્પણ થશે.
આ જગ્યાના વર્તમાન મહંત શ્રી પૂ.ભક્તિરામબાપુ એવોર્ડ સ્વીકારશે.
પૂ. મોરારીબાપુ દ્વારા પ્રતિવર્ષ જેમ માઘપૂર્ણિમાના દિવસે સૌરાષ્ટ્ર-ગુજરાતની દેહાણ જગ્યાના મહંતો, વિવિધ સ્થાનના ગાદીપતિઓ, સેવકો અને ભક્તજનોની ઉપસ્થિતિમાં જગ્યા-ટ્રસ્ટના પ્રતિનિધિને તિલક, સૂત્રમાલા,શાલ, સ્મળતિ ચિન્હ (એવોર્ડ) અને રૂપિયા સવા લાખની એવોર્ડ રાશિ અર્પણ કરીને વંદના કરવામાં આવશે..!
આ એવોર્ડની અર્પણ વિધિ તા.૧૨, ને બુધવારે સેંજળધામ ખાતે સવારે ૯:૩૦ કલાકે થશે.
સૌરાષ્ટ્ર-ગુજરાતની દેહાણ જગ્યાઓ ધર્મની,સમાજની અનન્ય સેવા કરતી આવી છે... ‘જ્યાં ટુકડો, ત્યાં હરિ ઢુકડો' ના સુત્રને ભેદભાવ વિના ચરિતાર્થ કર્યું છે. વિખરાતા સમાજને રોટલાથી જોડ્યો છે...! અભાવગ્રસ્તોના હામી થઈને આંસુ લુછયા છે... સાંપ્રત સમયમાં પણ વિવિધ સેવાઓ દ્વારા ઝૂંપડીઓમાં અજવાળા પાથર્યા છે. આવી જગ્યાઓને આ એવોર્ડ અર્પણ કરીને તેમની વંદના કરવાનો ઉપક્રમ સેંજળધામ (સાવરકુંડલા) ખાતે છેલ્લા ૧૭ વર્ષથી પૂ.મોરારીબાપુની પ્રેરણા અને માર્ગદર્શનમાં રચાય છે.
નિમ્બાર્કાચાર્ય શ્રીહરિવ્યાસજી મહારાજના શિષ્ય પૂ. ધ્યાનસ્વામીએ વ્રજમાંથી વિચરણ કરીને વર્ષો પહેલા સૌરાષ્ટ્રના સેંજળ ગામને પોતાની સાધના ભૂમિ બનાવેલી. આજે ત્યાં એમની ચેતન સમાધિ છે. તેઓ મોરારીબાપુની ભક્તિ પરંપરાના મૂળ પુરુષ છે. તેમના અધિકારી શિષ્ય પૂ. જીવનદાસજીના વંશમાં મોરારીબાપુનો જન્મ થયો. એ મૂળ પુરુષના પુણ્ય સ્મરણ સાથે આ એવોર્ડનું નામ જોડવામાં આવ્યું છે.
સને ૨૦૧૧ થી પ્રતિ વર્ષ આ ઉપક્રમ એક દેહાણ જગ્યાની વંદના માટે યોજાય છે.
ઉલ્લેખનીય છે કે, આ દિવસે પૂ.મોરારીબાપુ દ્વારા સેંજળ ધામ ખાતે સમગ્ર ગુજરાતના વૈષ્ણવ સાધુ સમાજની દીકરીઓના સમૂહ લગ્ન પણ યોજાય છે. ચાલુ સાલે પણ ૩૯ દીકરીઓઓ પણ આ સમૂહ લગ્નના માધ્યમથી ગ્રહસ્થાશ્રમ ધન્ય કેડી પર ડગ મૂકશે. તેમ મહુવા (તલગાજરડા) જયદેવભાઈ માંકડની યાદીમાં જણાવાયું છે.(હરેશ જોશી-કુંઢેલી)
(10:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
