તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 2nd February 2025
ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા: ૩૨.૩૪ મિનિટના સમય સાથે સિનિયર બહેનોમાં ઉત્તર પ્રદેશની તામસી સિંઘ પ્રથમ
૫૩.૨૮ મિનિટના સમય સાથે સિનિયર ભાઈઓમાં ઉતરાખંડના દિગંબર સીંઘ પ્રથમ: ૩૩.૪૦ મિનિટના સમય સાથે જુનિયર બહેનોમાં વારાણસીની રંજના યાદવ પ્રથમ: ૫૬.૪૧ મિનિટના સમય સાથે જુનિયર ભાઈઓમાં ઉતરપ્રદેશના બબલુભાઈ સીસોદિયા પ્રથમ: ગિરનારને સર કરવા દેશના ૨૦ રાજ્યોના ૫૭૦ સ્પર્ધકોએ દોટ મૂકી હતી

( વિનુ જોશી દ્વારા ) જૂનાગઢ : જોમ અને જુસ્સા સાથે રાજ્યના સૌથી ઊંચા પર્વત ગિરનારને સર કરવા આજે દેશના ૨૦ રાજ્યોના ૫૭૦ સ્પર્ધકોએ દોટ મૂકી હતી.
સ્પર્ધામાં સિનિયર બહેનોમાં પ્રથમ ક્રમે ૩૨.૩૪ મિનિટના સમય સાથે ઉત્તર પ્રદેશની તામસી સિંઘે મેદાન માર્યું હતું. સિનિયર ભાઈઓમાં પ્રથમ ક્રમે ઉતરાખંડના દિગંબર સીંઘે ૫૩.૨૮ મિનિટમા, જયારે જુનિયર બહેનોની કેટેગરીમાં પ્રથમ ક્રમે ૩૩.૪૦ મિનિટના સમય સાથે વારાણસીની રંજના યાદવ અને જુનિયર ભાઈઓમાં પ્રથમ ક્રમે ૫૬.૪૧ મીનીટ ના સમય સાથે ઉતરપ્રદેશ ના બબલુભાઈ સીસોદિયાએ પ્રથમ ક્રમ હાસિલ કર્યો હતો.
જયારે સીનીયર બહેનોમાં બીજા ક્રમે ઉતરાખંડના મીનાક્ષી નેગીએ ૩૩.૫૫ મીનીટમા ,ત્રીજા ક્રમે ઉતરાખંડના નીધી નેગી ૩૪.૧૯ મીનીટમાં, સીનીયર ભાઈઓમાં બીજા ક્રમે ગુજરાતના નીષાદ લલીતકુમાર ૫૪.૪૪ મીનીટ સાથે, ત્રીજા ક્રમે ગુજરાતના વાધેલા શૈલેષ મનસુખભાઈ એ ૫૫.૦૭ મીનીટના સમય સાથે, જુનીયર બહેનોમાં બીજા ક્રમે ગુજરાતના ગરચર દીપાલી ૩૫.૧૦ મીનીટ સાથે, ત્રીજા ક્રમે ગુજરાતના કામરીયા જયશ્રી ૩૫.૪૫ મીનીટના સમય સાથે, જુનીયર ભાઈઓમાં બીજા ક્રમે હરિયાણાના હરીકેષ ૫૮.૪૩ મીનીટ સાથે , ત્રીજા ક્રમે બિહારના શશી રાજ ૧ કલાક ૩૧ સેકન્ડ ના સમય સાથે ગિરનાર સર કર્યો હતો.
યુવક સેવા સાંસ્કૃતિક વિભાગ અને જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત અખિલ ભારત ગિરનાર આરોહણ સ્પર્ધા સવારે ૬-૪૫ કલાકે ભાઈઓના પ્રથમ ચરણની સ્પર્ધાનો કલેક્ટર શ્રી અનિલકુમાર રાણાવસિયા સહિતના મહાનુભાવોએ ફ્લેગ ઓફ કરી શુભારંભ કરાવ્યો હતો. ત્યાર પછી બહેનોની સ્પર્ધાનો પ્રારંભ થયો હતો.
કલેક્ટરશ્રીએ ગુજરાત સહિત દેશભરના સ્પર્ધકોને અખિલ ભારતીય ગિરનાર આરોહણ- અવરોહણ સ્પર્ધામાં ભાગ લેવા માટે અભિનંદન પણ આપ્યા હતાં.
સનાતનન ધર્મશાળા ભવનાથ ખાતે યોજાયેલ ઈનામ વિતરણ સમારોહમાં કાર્યક્રમના અધ્યક્ષ ડેપ્યુટી કમીશનર શ્રી ઙી.જે. જાડેજાએ ૧૭મી ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામાં વિજેતા થયેલ અને ભાગ લેનાર દરેક સ્પર્ધકોને શુભેચ્છા પાઠવી હતી અને ગિરનારને સર કરવાની ખૂબ જ કઠિન ગણાતી આ સ્પર્ધામાં સ્પર્ધકોના જોમ અને જુસ્સાને બીરદાવ્યો હતો. તેમજ તેમણે ગિરનાર સ્પર્ધા અંગે માહિતી આપી હતી.
સનાતન ધર્મશાળા ભવનાથ ખાતે યોજાયેલ ઈનામ વિતરણ સમારોહમાં ઈન્ચાર્જ જિલ્લા શિક્ષણાધિકારી લતાબેન ઉપાધ્યાય, સિવિલ સર્જન ડો.પાલા, આર્યુવેદીક હોસ્પિટલના ચેતનાબેન કોડીનારીયા, ગિરનાર રોપ વેના મેનેજર શ્રી બેદી, પીઆઈ આર.કે.પરમાર સહિતના અધિકારીઓના હસ્તે પુરસ્કાર, પ્રમાણપત્ર અને ટ્રોફી આપવામાં આવ્યા હતા.
સમારોહમાં સ્વાગત પ્રવચન જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રીમતી એન.ડી. વાળાએ કર્યું હતું. સ્પર્ધા દરમિયાન મેડીકલ કોલેજના તબીબો,જિલ્લા વ્યાયામ મંડળના શિક્ષકો,રમતગમત વિભાગના કર્મચારીઓ ઉપરાંત સેવાભાવી સંસ્થાઓ સહયોગી થઈ હતી. આ ઈનામ વિતરણ સમારોહના કાર્યક્રમનુ સફળ સંચાલન ગાયત્રીબેન શર્મા અને નિરાલીબેન સોનીએ કર્યું હતુ.
અખિલ ભારતીય ગિરનાર સ્પર્ધામાં સિનિયર ભાઈઓ બહેનો અને જુનિયર ભાઈઓ બહેનોની કુલ -૪ કેટેગરીમાં પ્રથમ ક્રમે વિજેતા થનારને રાજ્ય સરકાર દ્વારા રૂ. ૧ લાખનો પુરસ્કાર આપવામાં આવ્યો હતો. ઉપરાંત ઉક્ત ચારેય કેટેગરીમાં ટોપ -૧૦માં સ્થાન પ્રાપ્ત કરનાર સ્પર્ધકોને કુલ રૂ.૧૯ લાખના પુરસ્કાર વિતરીત કરવામાં આવ્યા હતા
(6:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
