<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th January 2025

પરણેલા ફુવાએ કુંવારી ભત્રીજીને ભગાડીઃ ચોટીલાના મઘરીખડા પાસે બંનેએ ઝેર પી લીધું: ભત્રીજીનું મોત

બોરસદની ૨૮ વર્ષિય પ્રિયંકા અને પેટલાદના ૨૯ વર્ષના હર્ષદને રાજકોટ ખસેડાયા બાદ પ્રિયંકાનું મોતઃ બંને બે દિવસ પહેલા ભાગી નીકળ્‍યા હતાં: ઝેર ગટગટાવ્‍યા બાદ હર્ષદે પોતાના ભાઇને ફોનથી જાણ કરી

રાજકોટ તા. ૩૦: આડાસંબંધોનો કરૂણ અંજામ આવ્‍યો છે. આણંદના પેટલાદ પંથકના પરણેલા યુવાનને પોતાની કુંવારી ભત્રીજી સાથે પ્રેમ થઇ જતાં બે દિવસ પહેલા આ ફુવો-ભત્રીજી ભાગી નીકળ્‍યા હતાં. ગત રાતે બંનેએ ચોટીલા નજીક મઘરીખડા ગામ પાસે ઝેરી દવા પી લેતાં ચોટીલા સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ ભત્રીજીનું મોત નિપજતાં અરેરાટી વ્‍યાપી ગઇ હતી. પોતાનો પ્રેમ પરિવારજનો નહિ સ્‍વીકારે તેમ લાગતાં સજોડે ઝેર પી લીધુ હતું. પ્રેમી ફુવો સારવાર હેઠળ છે.

જાણવા મળ્‍યા મુજબ આણંદના પેટલાદ તાબેના વડલા ગામે રહેતાં હર્ષદ ડાયાભાઇ ઠાકોર (ઉ.વ.૨૯) અને બોરસદના સારોલા ગામની પ્રિયંકા વિનોદભાઇ ઠાકોર (ઉ.વ.૨૮)એ રાતે એકાદ વાગ્‍યે ચોટીલાના મઘરીખડા ગામ પાસે વેસ્‍ટર્ન હોટેલ નજીક ઝેરી દવા પી લેતાં બંનેને ચોટીલા હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. ત્‍યાંથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ સવારે પ્રિયંકાએ દમ તોડી દીધો હતો. બનાવની જાણ સગા સંબંધીઓને થતાં હર્ષદના ભાઇ સહિતના લોકો રાજકોટ પહોંચ્‍યા હતાં. સંબંધમાં આ બંને ફુવા-ભત્રીજી થતાં હોવાનું જણાવાયું હતું.

વધુ માહિતી મુજબ હર્ષદ બે ભાઇમાં મોટો છે અને ખેત મજુરી તેમજ ડ્રાઇવીંગ કામ કરે છે. તેની પત્‍નિનું નામ મીના છે. તેને સંતાન નથી. જ્‍યારે મૃત્‍યુ પામનાર પ્રિયંકાના પિતા ખેત મજૂરી કરે છે. તેણી ભાઇની એકની એક નાની બહેન હતી. પ્રિયંકાને કુટુંબી ફુવા હર્ષદ સાથે પ્રેમ થઇ ગયો હતો. પરંતુ આ સંબંધ પરિવારને મંજુર ન હોઇ બંને બે દિવસ પહેલા ભાગી નીકળતાં પરિવારજનો શોધખોળ કરી રહ્યા હતાં. ગત રાતે બંનેએ ચોટીલા નજીકના મઘરીખડા ગામ પાસે સજોડે ઝેર પી લીધુ હતું. આ પછી હર્ષદે પોતાના ભાઇને ફોન કરી પોતે ચોટીલા નજીક હોવાનું અને ઝેર પી લીધાનું કહ્યું હતું. પરિવારજનો શોધખોળ કરી રહ્યા હોઇ નજીકમાં જ હોઇ તેઓ ચોટીલા અને ત્‍યાંથી રાજકોટ પહોંચ્‍યા હતાં. હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, તોૈફિકભાઇ જુણાચ, અશ્વિનભાઇ રાઠોડ, ભાવેશભાઇ મકવાણા, ધર્મેન્‍દ્રભાઇ હુદડે ચોટીલા પોલીસને જાણ કરી હતી. બનાવને પગલે અરેરાટી વ્‍યાપી ગઇ હતી.

(2:45 PM IST)