તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Wednesday, 29th January 2025
પૂ.જલારામબાપાનાં ધર્મપત્નિ પૂ.વિરબાઇમાતાનો રવિવારે પ્રગટય દિવસ
આટકોટમાં પૂ.હરીરામબાપા દ્વારા નિર્મિત મંદિરે અનેકવિધ ભાર્મિક કાર્યક્રમો ઉ ભાવિકો દર્શનાર્થે આવશે

(વિજય વસાણી દ્વારા)આટકોટ તા.૨૮: પૂજ્ય શ્રી જલારામબાપાના ધર્મ પત્ની માતુશ્રી વીરબાઈમાતાના વિશ્વમાં એક માત્ર તેમના પ્રાગટય સ્થળે(જન્મ સ્થળે)પૂજ્ય શ્રી હરિરામ બાપા દ્વારા નિર્મિત આટકોટ ખાતે આવેલા મંદિરે આગામી તા.૨ના રોજ શ્રી વિરબાઈમાતાના ૨૧૯માં પ્રાગટય દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવશે જેની હાલ તડામાર તૈયારી ચાલી રહી છે.
શ્રી વીરભાઈમાં ચેરીટેબલ ટ્રસ્ટ અને પૂજ્ય શ્રી હરિરામબાપાના સેવક સમુદાય દ્વારા આયોજિત આ ધાર્મિક કાર્યક્રમમાં આટકોટ ખાતે હરીરામ બાપા દ્વારા નિર્મિત મંદિરે આગામી તા.૨ના રોજ સવારે મંગળા આરતી બાદમાં અન્નકૂટ દર્શન,બપોરે મહાઆરતી,મહાપ્રસાદ બપોરે ૨.૩૦ કલાકે શોભાયાત્રાનું ભવ્ય આયોજન શ્રી વીરબાઈમાં ચેરીટેબલ ટ્રસ્ટ જસદણ,જલારામ મંદિર જસદણ,જસદણ- વિંછીયા તાલુકા લોહાણા મહાજન,આટકોટ લોહાણા મહાજન,શ્રી વીરબાઈમાં સેવા કમિટી આટકોટ,શ્રી વીરબાઈમાં મહિલા મંડળ આટકોટ અને આટકોટના ગ્રામજનો દ્વારા આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમમાં દેશભરમાંથી માંના દર્શન કરવા લોકો ઉમટી પડશે.
પૂજ્ય વીરબાઈમાંના ૨૧૯માં પ્રાગટય દિનની ઉજવણીને લઇ ગામમાં પણ અનેરો ઉત્સાહ અને ઉમંગ જોવા મળે છે વીરબાઈમાંના પ્રાગટય સ્થળે જ પૂજ્ય હરિરામબાપા દ્વારા માનું મંદિર બનાવવામાં આવ્યું છે અને પૂજ્ય જલારામબાપા અને વીરબાઈમાતા લગ્નગ્રંથિથી જોડાયા તે જગ્યા ઉપર હાલ અન્નક્ષેત્ર ચાલી રહ્યું છે ઉપરાંત પદયાત્રાએ નીકળતા ભક્તજનો માટે પણ અહીં પ્રસાદ તેમજ વિશ્રામ માટે ટ્રસ્ટ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે.
ભગવાન સાથે તેમની સેવા માટે ચાલી નીકળેલા શ્રી વીરબાઈમાંની ભક્તિ જોઈ ભગવાનને પણ ભાગવું પડ્યું હતું તેવા શ્રી વીરબાઈમાંના પ્રાગટય દિન નિમિત્તે તેમના જીવન ઝરમર વિશે જાણીએ તો જલારામબાપાની સાધનામાં જો સૌથી વધુ ત્યાગ કોઈનો હોય તો તે વીરબાઈમાતાનો છે જલારામબાપાએ રોપેલી ધર્મની ધજાની દાંડી આજે પણ સ્થિર ઊભી છે તો તેના પાયામાં વિરબાઈમાતાનો ત્યાગ રહેલો છે.
બધા વીરબાઈમાતાને લાગણીથી વીરુમાં કહીને બોલાવતા હતા વીરુમાં એ આખી જિંદગી જલારામ બાપાની સાથે કદમ મિલાવી ઊભા રહ્યા હતા અને માનવ સેવાના કાર્યોમાં સંપૂર્ણ સાથ અને સહકાર આપ્યો હતો.
વીરૂમાં આટકોટના ભાગ્યશાળી પિતા પ્રાગજીભાઈ સોમૈયાને ત્યાં અવતર્યા હતા વીરુમાં નાની ઉંમરમાં જ જલારામબાપાને પરણી વીરપુર આવેલા સાસુ-સસરાની ખૂબ જ સેવા ચાકરી કરતા હતા અને જલારામબાપાના જાત મહેનતનો રોટલો ખાવો જેવા સુત્રમાં સમાય ગયા પતિ સાથે વાડી ખેતરમાં મજુરી કરવા પણ જતા હતા જલારામબાપા અને વીરુમાંએ મજૂરી કરી ૪૦ મણ દાણા ભેગા કર્યા હતા.
એક દિવસ જલાબાપાએ વીરબાઈમાંને પૂછયું આ દાણાનું શું કરશું વીરબાઈમાં બાપાનું મન પારખી ગયા અને એમણે બાપાને કહ્યું મારા તરફથી જરા પણ શંકા રાખતા નહી રામનું નામ લઇ ભૂખ્યાને ભોજન આપવાનુ શરૂ કરો! બાદમાં ૧૮૭૬ મહા સુદ બીજના દિવસે વીરપુરમાં સદાવ્રતની શરૂઆત થઈ જે આજે પણ ૨૦૦ વર્ષ બાદ અવિરત ચાલુ છે. બાપા તો આખો દિવસ હાથમાં માળા કે કરતાલ લઈ પ્રભુ ભક્તિ કરતા રસોડું તો વીરબાઈમાં જાતે જ સંભાળતા હતા પૂજ્ય બાપાનો અને વીરોમાંનો નિયમ હતો કે અતિથિને જમાડી પછી જ પોતે ભોજન લેવું. એક વખત સદાવ્રતમાં એવી સ્થિતિ ઊભી થઈ કે કાચું સીધું સામાન ખલાસ થઈ ગયું ત્યારે વીરબાઈમાતાજીએ પોતાના દાગીના વહેંચી સીધુ સામાનની ખરીદી કરી. એક વખત તો હદ થઈ ગઈ કસોટીના ભાગરૂપે એક સાધુનું વીરપુરમાં બાપાનાં સદાવ્રતમાં આગમન થયું સાધુને બાપાએ જમવાનો આગ્રહ કર્યો હતો સાઘુએ જમવાની ના પાડી બાપાએ બહુ વિનંતી કરી બાદ સાધુએ કહ્યું કે હું એક શરતે તમારે ત્યાં જમુ જો તમે તમારા પત્નીને મારી સાથે સેવા કરવા મોકલો!
બાપા સીઘાજ રસોડામાં વીરુમાં પાસે ગયા અને તેમણે સાધુએ કરેલી માંગણી જણાવી બાપા કહે ભંડારી હવે શું કરવું(જલારામબાપા વીરબાઈમાંને ભંડારી કહેતા)વીરુમાં એ તુરંત જ કહ્યું આપણે તો સાધુ સંતોની સેવા કરવી છે સાધુ ઉંમરલાયક છે તેમની કાયા હાલતી ચાલતી ન હોય તો આપણે શું ખપના પણ તમારી રજા અને મંજૂરી હોય તો હું જરૂરથી સાધુ સાથે સેવા કરવા જઈશ બસ તમે રાજી થઈ હા પાડો.
પૂ.જલારામબાપાના હૈયામાં આનંદનો અષાઢ અને શાંતિનો શ્રાવણ સળગ્યો વીરબાઈમાતાએ ભારતીય નારીનુ મસ્તક વિશ્વના તખ્તા પર ઉન્નત કર્યું તેમની ત્યાગ અને પતિભક્તિને સો સો સલામ.
ઈતિહાસ સાક્ષી છે તે પછી વીરબાઈમાએ નાહિ ધોઈ કોરા વષાો ધારણ કરી કપાળમાં ચાંદલો કરી જલારામબાપાને પગે લાગી કહ્યું ભગત બોલ્યું માફ કરજો તમારી સેવામાં કાંઈ ઉણપ રહી ગઈ હોય તો મનમાં ન લાવશો એમ કહી સાધુ મહાત્મા સાથે હાલી નીકળ્યા.
એ પછી તો કહેવાય છે કે ભગવાન કસોટી કરવા આવ્યા હતા ભગતની અને ભાગવું ભારે પડ્યું વીરપુરના સીમાડા પાસે ભગવાન વીરબાઈમાતાને જોળી ધોકો સોંપી ચાલ્યા ગયા બાદમાં આકાશવાણી થઈ કે તમે ઘરે જઈ જોળી ધોકાની સેવા કરજો કયારેય અનનક્ષેત્રમાં અન્ન નહી ખૂટે ત્યારથી આજ સુધી વીરપુરમાં અવિરત અનક્ષેત્ર ચાલે છે.
વિરબાઈમાંના આવા ઉમદા,નેક,વફાદાર,કર્મનિષ્ઠ,રામનિષ્ઠ,પતિ પરાયણ,સાદા,સરળ અને નિર્મળ મનવાળા વીરબાઈમાં જલારામ બાપાને જિંદગીમાં સાથ આપતા આપતા પોતાનું ધર્મ અને કર્મ અદા કરતા કરતા સવંત ૧૯૩૫ કારતક વદ નોમના દિવસે વૈકુંઠવાસી થયા જલારામ બાપાએ જગ્યામાં સાત દિવસ સુધી અખંડ રામધૂન જગાવી એમના અલૌકિક આત્માને શાંતિ બક્ષી.
આ કાર્યક્રમને સફળ બનાવવા જસદણ જલારામ મંદિરના સેવકો,શ્રી વિરબાઈમાં સદાવ્રત ચેરીટેબલ ટ્રસ્ટ જસદણના ટ્રસ્ટીઓ ,તથા જઞદીશભાઈ પોપટ,બીપીનભાઈ જસાણી વિંછીયા,ચંદુભાઈ સોઢા,ઘીરૂભાઈ મોણસરા આટકોટ,સંજયભાઈ પોપટ,હરેશભાઈ પોપટ, બટુકભાઈ સોમૈયા,મનાભાઈ વસંત આટકોટ,ઘનશ્યામભાઈ તન્ના જહેમત ઉઠાવી રહ્યા છે.
આ કાર્યક્રમ અનુસંધાને પુછપરછ કે કોઈ જાતની માહીતી માટે (મો.૯૪૨૯૧૬૮૪૫૫ ૯૪૨૮૨૬૧૦૫૭,૯૮૨૪૪ ૮૧૦૮૧, ૯૪૨૬૨૦૨૨૦૩, ૯૮૭૯૫૭૯૫૧૬ ઉપર સંપર્ક કરવા વ્યવસ્થા કમિટીએ યાદીમાં જણાવ્યુ છે.
૬૪ કિલો બાજરાના લોટનો રોટલો બનાવવામાં આવશે
(વિજય વસાણી દ્વારા)આટકોટ તા.૨૯: આટકોટ ખાતે યોજાનારા પ્રાગટય મહોત્સવ પ્રસંગે ગિનિસ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન પામેલ જલારામ મંદિર હાપા(જામનગર)અને જલારામ સેવા ટ્રસ્ટ હાપા દ્વારા પ્રભુદાસ ખીમજી કોટેચા હોલ હાપા ખાતે બનાવવામાં આવેલા ૬૪ કિલો બાજરાના લોટનો રોટલો આટકોટ ખાતે બનાવવામાં આવશે રોટલાને શ્રી વીરબાઈમાતાની બપોરે નીકળનાર શોભાયાત્રામાં સામેલ કરવામાં આવશે.
રેડક્રોસ સોસાયટી દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે
(વિજય વસાણી દ્વારા) આટકોટ તા.૨૯: આટકોટ ખાતે યોજાનાર શ્રી વીરબાઈ માતાના ૨૧૯માં પ્રાગટય મહોત્સવમાં ધાર્મિક સાથે સેવાકીય પ્રવળત્તિઓ પણ રાખવામાં આવી હોય જેના ભાગરૂપે તારીખ ૨ ના રોજ સવારે ૯:૦૦ વાગ્યાથી શ્રી વીરબાઈમાં કન્યાશાળા ખાતે રાજકોટના રેડક્રોસ સોસાયટી દ્વારા બ્લડ કેમ્પનું આયોજકો દ્વારા આયોજન કરવામાં આવ્યું છે જેમાં બહારથી આવતા દર્શનાર્થીઓ અને ગામ લોકોને બ્લડ ડોનેટ કરવા આયોજકોએ અપીલ કરી છે.
(11:12 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
