<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 26th January 2025

જાણીતી સિમ્પોલો વિટ્રિફાઈડ પ્રા.લી. અને નેક્સન સરફેસ પ્રા.લી કંપનીઓના સહયોગથી સ્થાપિત સીમ્પોલો ફાઉન્ડેશન દ્વારા મોરબીની ઉંચી માંડલ પ્રાથમિક શાળામાં અત્યાધુનિક લેબનો પ્રારંભ

રાજકોટના પ્રતિષ્ઠિત નીઓ રાજકોટ ફાઉન્ડેશનના સહકારથી પ્રોજેકટની અમલવારી શકય બની

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી : શિક્ષણ દરેક બાળકનો જન્મસિધ્ધ અધિકાર છે. ત્યારે જરુરીયાતમંદ પરિવારમાંથી આવતા બાળકો આર્થિક સદ્ધરતાના અભાવના કારણે શિક્ષણથી વંચિત ન રહી જાય તે માટે સીમ્પોલો વિટ્રિફાઇડ પ્રા.લી. અને નેક્સન સરફેસ પ્રા.લી કંપનીઓના સહયોગથી સ્થાપિત સીમ્પોલો ફાઉન્ડેશન દ્વારા મોરબી તાલુકાની ઉંચી માંડલ પ્રાથમિક શાળામાં અતિ આધુનિક સુવિધાથી સજ્જ લેબનો પ્રારંભ થવા જઈ રહ્યો છે.

સીમ્પોલો ફાઉન્ડેશન દ્વારા હાલમાં અનેકવિધ સમાજીક પ્રવૃતિઓ કરવામાં આવી રહી છે. ત્યારે તેઓ હવે શૈક્ષણિક ક્ષેત્રમાં પણ પોતાનું યોગદાન આપવાની નેમ સાથે આગળ વધી રહ્યા છે. જે માટે મોરબી તાલુકાની ઉંચી માંડલ પ્રાથમિક શાળાના ધોરણ ૦૧ થી ૦૮ માં અભ્યાસ કરતા ર૪૦ વિદ્યાર્થીઓ માટે અત્યાધુનિક લેબ શરૂ કરવા જઈ રહ્યા છે. જેમાં બાળકોને ટેકનોલોજીની મદદથી ગણિત, ગુજરાતી અને અંગ્રેજી વિષયોનો અભ્યાસ કરાવવામાં આવશે. આ શાળાના બધા બાળકો આ લેબમાં આવીને પોતાનું ભણતર આગળ વધારી શકશે.
આ લેબને જરૂરી કોમ્પ્યુટર, હેડફોન અને સીસીટીવી થી સજ્જ બનાવી બાળકોને વિષયોનું જ્ઞાન ખુબજ સરળતાથી મેળવે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. આ આધુનિક લેબમાં બાળકો જે સોફ્ટવેર પર અભ્યાસ કરવાના છે તે પ્રાઇવેટ શાળાઓમાં હજારો રૂપિયા ખર્ચીને તેનું લાઇસન્સ લેવાતુ હોય છે પરંતુ સીમ્પોલો ફાઉન્ડેશન આ લાઇસન્સ ખરીદી અને આ સરકારી શાળાના બાળકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવેલ છે. જેથી ખાનગી શાળાઓ જેવી સવલતો જેને પરવડતી નથી તેવા સરકારી શાળાના વિદ્યાર્થીઓ આધુનિક શિક્ષણથી વંચિત ન રહી જાય.
આ પ્રોજેક્ટ રાજકોટ સ્થિત પ્રતિષ્ઠિત નિયોરાજકોટ ફાઉન્ડેશનની મદદથી અમલ કરવામાં આવી રહ્યો છે. જેમાં લેબની જાળવણી અને બાળકો સારી રીતે લેબનો ઉપયોગ કરી શકે તે હેતુથી એક શિક્ષકની પણ નિમણૂક કરવામાં આવી છે જે શાળાના સમયમાં હાજર રહીને બાળકોને મદદ કરશે.

(10:11 PM IST)