તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 25th January 2025
જામનગર જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર બી.કે.પંડ્યાના અધ્યક્ષ સ્થાને રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરાઈ
ચૂંટણીમાં શ્રેષ્ઠ કામગીરી કરનારા અધિકારીઓ, કર્મયોગીઓ અને BLOઓનું સન્માન કરાયું :પાત્રતા ધરાવતા નાગરિકો મતદાન કરી દેશના વિકાસ અને મજબૂત લોકશાહી માટે પોતાનો ફાળો આપે : કલેકટર

જામનગર:ભારતના ચૂંટણી પંચની સ્થાપના ૨૫ મી જાન્યુઆરી ૧૯૫૦ ના રોજ કરવામાં આવી હતી જેના ભાગરૂપે દર વર્ષે આ દિવસને રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જે અંતર્ગત કલેકટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર બી.કે.પંડયાના અધ્યક્ષસ્થાને ૧૫ મા રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
કલેક્ટર બી.કે. પંડયાએ જણાવ્યું હતું કે, મતદાન આપણો અધિકાર અને નૈતિક ફરજ છે. ૧૮ વર્ષ પૂર્ણ કરેલા દરેક મતદારે અવશ્ય મતદાન કરી દેશના વિકાસ અને મજબૂત લોકશાહી માટે પોતાનો ફાળો આપવો જોઈએ. વર્ષોથી મતદાન કરતા વરિષ્ઠ નાગરિકો સૌ માટે પ્રેરણારૂપ બન્યા છે. મતદાન કરવા માટે યોગ્ય લાયકાત ધરાવતા લોકોએ અવશ્ય મતદાન કરવું જોઈએ. ભારતનું ચૂંટણીપંચ ઉત્તમ વ્યવસ્થાપનનું આદર્શ ઉદાહરણ છે.
કાર્યક્રમમાં મતદાન કરી અન્યને પ્રેરણા પૂરી પાડતા વરિષ્ઠ તેમજ દિવ્યાંગ મતદારોનું મહાનુભવોના હસ્તે પ્રશસ્તિપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતુ તેમજ નવા નોંધાયેલા યુવા મતદારોને ચૂંટણીકાર્ડ આપવામાં આવ્યા હતા.આ પ્રસંગે જામનગર જિલ્લામાં ચૂંટણી કામગીરી કરનાર અધિકારીઓ, કર્મચારીઓ, બીએલઓ, વિધાનસભા મત વિસ્તાર વાઈઝ શ્રેષ્ઠ કામગીરી બદલ બુથ લેવલ ઓફિસર વગેરેનું સમ્માન કરવામાં આવ્યું હતું. તેમજ મતદાન જાગૃતિનો સંદેશો ફેલાવવા માટે યોજવામાં આવતી વિવિધ સ્પર્ધાઓમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર વિદ્યાર્થીઓ, શિક્ષક વગેરેનું સમ્માન કરી કલેકટરએ અભિનંદન પાઠવ્યા હતા. આ ઉજવણીના ભાગરૂપે જિલ્લા કલેકટર કચેરીના પટાંગણમાં નાગરિકોને સંદેશો આપતી સુંદર રંગોળીનું નિર્માણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વેએ મતદાન કરવા અંગે શપથગ્રહણ કર્યા હતા.
આ કાર્યક્રમમાં અધિક નિવાસી કલેક્ટર બી.એન.ખેર, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ગોહિલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શારદા કાથડ, વિવિધ વિભાગના અધિકારીઓ વગેરે ઉપથિત રહ્યા હતા.
(10:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
