તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 25th January 2025
પોરબંદરમાં પૂ.ભાઇશ્રીના સાનિધ્યમાં શ્રી હરિ મંદિરનો ૧૯મો પાટોત્સવ
સાંદીપની ખાતે ફેબ્રુઆરીમાં બે દિવસીય ધાર્મિક, આધ્યાત્મિક અને સામાજીક સેવા કાર્યક્રમો : વિનામૂલ્યે ૩ મેડીકલ કેમ્પો

(પરેશ પારેખ દ્વારા)પોરબંદર તા.૨૫: સાંદીપનિ વિદ્યાનિકેતનમાં પૂજ્ય ભાઇશ્રી રમેશભાઈ ઓઝાના સાન્નિધ્યમાં આગામી ફેબ્રુઆરીની તા.૦૨ થી તા.૦૪ સુધી શ્રીહરિ મંદિરનો ૧૯મો પાટોત્સવ ધાર્મિક, આધ્યાત્મિક પ્રવચન તેમજ સામાજિક સેવાકીય કાર્યોથી સંપન્ન થનાર છે. શ્રીહરિ મંદિરના ૧૯મા પાટોત્સવ દરમ્યાન વિનામૂલ્યે ૦૩ મેડીકલ કેમ્પ સેવાયજ્ઞ સંપન્ન થશે.
સાંદીપનિ વિદ્યાનિકેતન ખાતે તારીખ ૨ થી તારીખ ૪ ત્રણ દિવસ સુધી સવારે ૯:૩૦ થી બપોરે ૧:૩૦ સુધી દંતયજ્ઞ મેડીકલ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં દંત વૈદ્ય લાભુભાઈ શુક્લ મેમોરિયલ ક્લિનિક ગૌરીદડ, રાજકોટના જાલંધર બંધ યોગ પદ્ધતિના નિષ્ણાંત અને સુવિખ્યાત દંતવૈદ્ય હર્ષદભાઈ જોશી, દંત વૈદ્ય સરોજબહેન જોશી અને ટીમ દ્વારા દાંતને લગતા દર્દોની સારવાર પૂરી પાડવામાં આવશે.
લોહીની નસોનો નિદાન કેમ્પમાં તા.૨/૨/૨૫ના રોજ સાંદીપનિ વિદ્યાનિકેતન ખાતે સવારે ૯.૩૦ થી ૧.૩૦ સુધી આ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે જેમાં ગુજરાત વાસ્કયુલર સેન્ટર રાજકોટના સિનિયર સર્જન ડો. દેવેન્દ્ર દેકીવાડીયા અને તેમની ટીમ દ્વારા લોહીની નસના રોગોનું નિદાન, જેમકે વેરીકોઝ વેઇન, એન્યુરીઝમ તથા નસોમાં લોહીના ગઠ્ઠા (ડી.વી.ટી) નું નિદાન કરવામાં આવશે. જેમાં પગને લગતા દર્દો જેવા કે ચાલતા ચાલતા દુખાવો થવો, ચાલતા ઉભા રહી જવું., પગમાં સડો (ગેંગરીન), પગની લોહીની નસો ફૂલી જવી (વેરીકોઝ વેઇન) તથા હાથને લગતા દર્દો જેવા કે હાથ થાકી જવો, હાથમાં ખાલી ચડવી, હાથમાંથી વસ્તુ પડી જવી, હાથમાં સખત દુખાવો થવો જેવા દર્દોની તપાસ અને નિદાન કરવામાં આવશે.
ન્યુરો ફિઝિશિયન (મગજને લગતી. બિમારીનો કેમ્પ) આ કેમ્પ તા. ૦૨-૦૨-૨૫ના રોજ સાંદીપનિ વિદ્યાનિકેતન ખાતે સવારે ૯:૩૦ થી ૧૨:૩૦ દરમિયાન યોજાશે.
આ કેમ્પમાં મગજની બીમારીના નિષ્ણાત ડો. આશુતોષ દુધાત્રા (કન્સલ્ટન્ટ ન્યુરોલોજીસ્ટ) વોકહાર્ટ હોસ્પિટલ રાજકોટ દ્વારા લકવો (સ્ટ્રોક), પેરેલિસિસ, કંપવા (ર્પાકિંન્સન), ખેંચ, વાઈ, તાણ (એપિલેપ્સી), ફેશિયલ પાલ્સી, મગજની ગાંઠ (ટયુમર), ન્યુરોપેથી, મેનીન્જાઈટીસ, મૂવમેન્ટ ડીસઓર્ડર, બોટોક્સ થેરાપી વગેરેને લગતા રોગો નું નિદાન કરવામાં આવશે.
આ ત્રણેય કેમ્પમાં આવનાર લાભાર્થી દર્દીઓને શારીરિક તપાસ ઉપરાંત લેબોરેટરી (બ્લડ-યુરિન વગેરે), ઇ.સી.જી. (કાર્ડિયોગ્રામ) પણ કેમ્પના સ્થળ પર જ વિનામૂલ્યે પૂરા પાડવામાં આવશે. તમામ મેડિકલ કેમ્પ સાંદીપનિ વિદ્યા નિકેતન ખાતે યોજાશે. આ મેડિકલ કેમ્પને લગતી વધુ માહિતી માટે કેમ્પ કો-ઓર્ડીનેટર ડો-. સુરેશભાઈ ગાંધી તથા ડો. ભરતભાઈ ગઢવીના મોબાઈલ નંબર ૯૭૧૨૨૨૦૦૦ પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.
(1:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
