<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th January 2025

સરધારમાં ધો-૧૧ની છાત્રાનો આપઘાતઃ નાનો ભાઇ ઘરે આવ્‍યો ત્‍યારે બહેન લટકતી મળી

શાળાએથી આવ્‍યા બાદ પગલુ ભર્યુઃ માતા-પિતા મજૂરીએ ગયા હતાં: ૧૬ વર્ષની જેનીશ પાટડીયાના પગલાથી પરિવારમાં અરેરાટી

રાજકોટ તા. ૨૫: તાલુકાના સરધાર ગામે એક વિદ્યાર્થીનીએ ગાળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં અરેરાટી વ્‍યાપી ગઇ છે. સરધાર ગામે રહેતી અને ધોરણ-૧૧માં અભ્‍યાસ કરતી વિદ્યાર્થીનીએ અકળ કારણોસર આ પગલુ ભરી લીધુ હતું.

જાણવા મળ્‍યા મુજબ સરધારમાં રહેતી જોનીશા હરેશભાઇ પાટડીયા (ઉ.વ.૧૬) નામની છાત્રા ગઇકાલે શાળાએથી છુટીને આવ્‍યા બાદ પંખામાં સાડી બાંધી ગળાફાંસો ખાઇ લીધો હતો. બનાવ વખતે તેના માતા-પિતા કે ભાઇ કોઇ હાજર નહોતું. નાનો ભાઇ બહારથી ઘરે આવ્‍યો ત્‍યારે બહેનને લટકતી જોઇ દેકારો મચાવી મુક્‍યો હતો. જોનીશાએ આપઘાત કર્યો ત્‍યારે સ્‍કૂલ ડ્રેસ પહેરેલો હતો. આ જોતાં તેણે શાળાએથી આવ્‍યા બાદ તુરંત આ પગલુ ભરી લીધાનું તારણ નીકળ્‍યું હતું.

બનાવને પગલે દેકારો મચી જતાં આસપાસના લોકો ભેગા થઇ ગયા હતાં. નાના ભાઇએ મજૂરીએ ગયેલા માતા-પિતાને જાણ કરતાં તેઓ દોડી આવ્‍યા હતાં. બાદમાં કોઇએ જાણ કરતાં ૧૦૮ પહોંચી હતી. તેના તબિબે જોનીશાને મૃત જાહેર કરતાં કલ્‍પાંત સર્જાયો હતો. આ અંગે પોલીસ કન્‍ટ્રોલ રૂમ મારફત જાણ થતાં આજીડેમ પોલીસ સ્‍ટેશનના હેડકોન્‍સ. ભુપતભાઇ વાછાણી અને રાઇટર અજયભાઇ સહિતે ઘટના સ્‍થળે પહોંચી પંચનામુ કરી મૃતદેહને પોસ્‍ટમોર્ટમ માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલે ખસેડયો હતો. આપઘાત કરનાર જોનીશા એક ભાઇથી મોટી અને માતા-પિતાની એકની એક લાડકી દિકરી હતી. તે ધોરણ-૧૧માં અભ્‍યાસ કરતી હતી. આપઘાત કયા કારણે કર્યો? તે અંગે પરિવારજનો જાણતાં ન હોઇ પોલીસે તપાસ યથાવત રાખી છે. અંતિમવિધી બાદ પોલીસ મૃતકના સગા સ્‍વજનો, સાથે ભણતા છાત્રા-છાત્રોના નિવેદન નોંધી કારણ શોધવા કાર્યવાહી કરશે.

(12:07 PM IST)