<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th January 2025

પડધરીના રંગપરમાંથી બે બાંગ્‍લાદેશી ઘૂષણખોર ઝડપાયા

સોહિલહુશેન અને રીપોનહુશેન બે મહિનાથી અન્‍ય એક વ્‍યક્‍તિના ભાડાકરારને આધારે મારૂતી સોસાયટીમાં રહી પ્‍લાસ્‍ટીકની ફેક્‍ટરીમાં નોકરી કરતા'તાઃ મજૂરી કરવા આવ્‍યાનું રટણઃ સેન્‍ટ્રલ આઇબી પણ તપાસમાં જોડાશેઃ પડધરીની પ્‍લાસ્‍ટીકની ફેક્‍ટરીમાં કામ કરતાં હતાં : રેન્‍જ આઇજી અશોકકુમાર યાદવ, રૂરલ એસપી હીમકરસિંહની સુચના અંતર્ગત એએચટીયુ પીઆઇ એમ. જે. ચોૈધરી, એસઓજી પીઆઇ એફ. એ. પારગી, પીએસઆઇ બી. સી. મિયાત્રા, પી.બી. મિશ્રા અને ટીમની કાર્યવાહીઃ ઝડપાયેલા બંને શખ્‍સોનો ખરેખર અહિ આવવાનો હેતુ શું?: ત્રીજા શકમંદની શોધખોળ : ઝડપાયેલા આ બંને બાંગ્‍લાદેશીની રૂરલ એસઓજી અને એન્‍ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટની ટીમે ઘનીષ્‍ઠ પુછપરછ હાથ ધરી : બાંગ્‍લાદેશથી જંગલ માર્ગે ભાડાના બાઇક મારફત અને ચાલીને ૪ દિવસે કોલકત્તામાં ઘુસ્‍યાઃ ત્‍યાંથી ટ્રેન દ્વારા અમદાવાદ અને રાજકોટ થઇ પડધરી પહોંચ્‍યા'તા : સોહિલહુશેન કુંવારો છે, રીપોનહુશેન પરણેલો છેઃ ભારતમાં ઘુસવા બાંગ્‍લાદેશી એજન્‍ટને નાણા ચુકવ્‍યાનું કથન

 ઝડપાયેલા આ બંને બાંગ્‍લાદેશીની રૂરલ એસઓજી અને એન્‍ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટની ટીમે ઘનીષ્‍ઠ પુછપરછ હાથ ધરી

રાજકોટ તા. ૨૫:  બાંગ્‍લાદેશમાં ભારતીયો પર હુમલા અને હિન્‍દુ મંદિરોમાં તોડફોડની ઘટનાઓ બની હોઇ વિશ્વભરમાં આ બાબત ચર્ચાનો વિષય બની રહી છે. આ વચ્‍ચે રાજકોટ જીલ્લાના પડધરી તાબેના રંગપર ગામેથી રાજકોટ રૂરલ એસઓજીની ટીમ અને એન્‍ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટની ટીમે ચોક્કસ બાતમીને આધારે બે બાંગ્‍લાદેશી ઘૂષણખોરોને ઝડપી લઇ ઘનીષ્‍ઠ પુછપરછ હાથ ધરી છે. જંગલ માર્ગે થઇ આ બંને ભારતમાં ઘુસી પડધરીના રંગપર સુધી પહોંચી અન્‍ય એક શખ્‍સના ભાડાકરારને આધારે રૂમમાં ભાડેથી રહી પડધરીની પ્‍લાસ્‍ટીકની મોટી ફેક્‍ટરીમાં નોકરીએ જોડાઇ ગયા હતાં. હાલ તો આ બંને મજુરી કરવા આવ્‍યાનું રટણ કરે છે. તેનો કોઇ અન્‍ય ઇરાદો તો નહોતો ને? આ સહિતની ઝીણવટભરી તપાસ શરૂ થઇ છે. સેન્‍ટ્રલ આઇબીની ટીમ પણ આ તપાસમાં સામેલ થશે.

જાણવા મળ્‍યા મુજબ રવિવારે પ્રજાસત્તાક દિનની ઉજવણી થવાની હોઇ રાજકોટ રેન્‍જ આઇજી અશોકકુમાર યાદવ, રૂરલ એસપી હિમકરસિંહે રાજકોટ ગ્રામ્‍ય જીલ્લામાં સુલેહશાંતી જળવાઇ રહી અને કોઇ શંકાસ્‍પદ શખ્‍સો હોય તો તેને શોધી કાઢી પુછતાછ કરવા સુચના આપી હોઇ તે અંતર્ગત રાજકોટ જીલ્લા એસઓજીની ટીમ અને એન્‍ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટની ટીમ સતર્ક બની હતી. આ દરમિયાન હેડકોનસ. મયુરભાઇ વીરડા અને મનોજભાઇ બાયલને પાક્કી માહિતી મળી હતી કે પડધરીના રંગપર ગામના પાટીયા પાસે આવેલી મારૂતિ સોસાયટીના બ્‍લોક નંબર-૩માં બે શખ્‍સો ભાડેથી રહે છે અને તે ભારતના નાગરિક નથી.

આ માહિતીને આધારે એએચટીયુ પીઆઇ એમ. જે. ચોૈધરી, રૂરલ એસઓજી પીઆઇ એફ એ. પારગી, પીએસઆઇ બી. સી. મિયાત્રા સહિતની ટીમ રંગપરની મારૂતિ સોસાયટીમાં બાતમી મુજબના મકાને પહોંચી હતી. જ્‍યાં બે શખ્‍સ હાજર હોઇ તેની ઓળખ માંગતા બંને ભારતીય નાગરિક તરીકેના કોઇ આધારપુરાવા આપી શકયા નહોતાં. વિશેષ પુછતાછ થતાં પોતે બાંગ્‍લાદેશી હોવાનું અને પોતાના નામ સોહિલહુશેન યાકુબઅલી (ઉ.વ.૩૦-મુળ મોનીરામપુર જોસર થાના મોનીરાપુર, રાજધાની ઢાકા-બાંગ્‍લાદેશ) તથા રીપોનહુશેન અમીરૂલઇસ્‍લામ (ઉ.વ.૨૮-મુળ વતન મોનીરામપુર, થાના મોનીરાપુર જી. જોસર રાજધાની ઢાકા-બાંગ્‍લાદેશ) જણાવ્‍યા હતાં.

આ બંન હાલમાં રંગપરના પાટીયે મારૂતિ સોસાયટીમાં આવેલા ભુપતભાઇ ભરવાડના મકાનમાં ભાડેથી રહેતા હતાં. બંનેએ રટણ કર્યુ હતું કે બે મહિના પહેલા બાંગ્‍લાદેશથી ઘૂષણખોરી કરીને તેઓ અહિ સુધી પહોંચ્‍યા છે. તેઓ માત્ર મજૂરી કરવા જ આવ્‍યાનું અને હાલ પડધરીની પ્‍લાસ્‍ટીકની ફેક્‍ટરીમાં નોકરી કરતાં હોવાનું કહ્યું હતું. આ ભાડાનું મકાન એક ત્રીજા શખ્‍સે પોતાના નામે ભાડા કરાર કરીને અપાવ્‍યું હોઇ પોલીસ આ શકમંદને પણ શોધી રહી છે. વળી પડધરીની પ્‍લાસ્‍ટીકની ફેક્‍ટરીના સંચાલકે આ બંનેને નોકરી પર રાખ્‍યા ત્‍યારે આધાર પુરાવા મેળવ્‍યા હતાં કે કેમ? ખોટા ઓળખના પુરાવા અપાયા હતાં કે કેમ? તે સહિતની તપાસ શરૂ થઇ છે.

આ બંને બાંગ્‍લાદેશી ખરેખર મજૂરી કરવા જ આવ્‍યા હતાં કે પછી બીજો કોઇ ઇરાદો હતો? તેની પણ તપાસ થશે. હાલ બંનેને નજરકેદ રખાયા છે. રાજ્‍યના પોલીસ વડા અને સેન્‍ટ્રલ આઇબીને પણ જાણ કરવામાં આવી છે. રેન્‍જ આઇજી અશોકકુમાર યાદવ, રૂરલ એસપી હિમકરસિંહની સુચના અંતર્ગત રૂરલ એસઓજી પીઆઇ એફ. એ. પારગી, એએચટીયુ પીઆઇ એમ. જે. ચોૈધરી, રૂરલ એસઓજી પીએસઆઇ બી. સી. મિયાત્રા, પી.બી. મિશ્રા, એએસઆઇ અતુલભાઇ ડાભી, જયવિરસિંહ રાણા, અમિતભાઇ કનેરીયા, ઇન્‍દ્રસિંહ જાડેજા, સંજયભાઇ નિરંજની, હેડકોન્‍સ. વિજયભાઇ વેગડ, શિવરાજભાઇ ખાચર, હિતેષભાઇ અગ્રાવત, અરવિંદભાઇ દાફડા, પ્રહલાદસિંહ રાઠોડ, કોન્‍સ. વિજયગીરી ગોસ્‍વામી, ચિરાગભાઇ કોઠીવાર, રઘુભાઇ ઘેડ, એએચટીયુના હેડકોનસ. મયુરભાઇ વીરડા, મનોજભાઇ બાયલની ટીમે આ કામગીરી કરી હતી.

 

બાંગ્‍લાદેશથી જંગલ માર્ગે ભાડાના બાઇક મારફત અને ચાલીને ૪ દિવસે કોલકત્તામાં ઘુસ્‍યાઃ ત્‍યાંથી ટ્રેન દ્વારા અમદાવાદ અને રાજકોટ થઇ પડધરી પહોંચ્‍યા'તા

સોહિલહુશેન કુંવારો છે, રીપોનહુશેન પરણેલો છેઃ ભારતમાં ઘુસવા બાંગ્‍લાદેશી એજન્‍ટને નાણા ચુકવ્‍યાનું કથન

ઝડપાયેલા બંને બાંગ્‍લાદેશી ઘૂષણખોર સોહિલહુશેન અને રીપોનહુશેન ભારતમાં કઇ રીતે ઘુસ્‍યા? તેની પ્રાથમિક પુછતાછ કરવામાં આવતાં બંનેએ કબુલ્‍યું હતું કે બે મહિના પહેલા પોતે મજુરી કરવાના ઇરાદા સાથે બાંગલાદેશથી જંગલ માર્ગે રવાના થયા હતાં. જ્‍યાં  બાંગ્‍લાદેશી એજન્‍ટો પૈસા લઇ જે લોકો ભારત જવા ઇચ્‍છતા હોઇ તેની ઘૂષણખોરી કરાવે છે. પોતે પણ પૈસા ચુકવ્‍યા હતાં. જંગલનો ભાર્ગ અતિ વિકટ છે. ચાર દિવસની સફર બાદ કોલકત્તા બોર્ડર સુધી પહોંચે છે અને બાદમાં ભારતમાં ઘુસે છે. એજન્‍ટો દ્વારા જંગલનો થોડોઘણો રસ્‍તો કાપવા માટે ભાડાના બાઇક પણ અપાય છે. બાકીની સફર પગપાળા કાપવી પડે છે. ચોથા દિવસે ભારતમાં ઘુસાડી દેવામાં આવે છે. બંને આ રીતે કોલકત્તામાં ઘુસ્‍યા બાદ ત્‍યાંથી હાવડા એક્‍સપ્રેસ ટ્રેનમાં બેસી અમદાવાદ અને અમદાવાદથી બીજી ટ્રેન પકડી રાજકોટ પહોંચ્‍યા બાદ પડધરીમાં રહેતો શખ્‍સ બંનેને રંગપર લઇ ગયો હતો અને મકાન ભાડેથી અપાવ્‍યું હતું. સોહિલહુશેન કુંવારો છે અને રીપોનહુશેન પરણેલો છે. ૨૬મી જાન્‍યુઆરીના આગલા દિવસે જ આ કાર્યવાહીથી ચકચાર જાગી છે. ઝડપાયેલા બંનેની ઝીણવટભરી પુછતાછ યથાવત રાખવામાં આવી છે.

 

(11:30 AM IST)