News of Saturday, 25th January 2025
રાજકાના સરપંચના પુત્રનું ભેદી મોતઃ હત્યાની શંકા
૨૫ વર્ષનો રવિ મકવાણા ગત રાતે લીંબડી ખાતેના પોતાના પટોડાના કારખાનેથી બાઇક પર ઘરે જવા નીકળ્યા બાદ રાજકાના સ્મશાન પાસેથી માથામાં ઇજા સાથે મળ્યો હતો : વાહન અકસ્માતમાં આવી ઇજા ન થાય, હુમલો થયો હોઇ શકે તેવી શંકા પરિવારજનોએ દર્શાવતા મૃતદેહનું રાજકોટમાં ફોરેન્સિક પોસ્ટમોર્ટમઃ રવિના પિતા સરપંચ હોઇ અગાઉ ચુંટણી બાબતે મનદુઃખ હતું: પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો : સોમવારે રવિના લગ્નની પહેલી વર્ષગાંઠ છેઃ યુવાન દિકરાના મોતથી મકવાણા પરિવારમાં શોકની કાલીમા

રાજકોટ તા. ૨૫: લીંબડીના રાજકા ગામના સરપંચના યુવાન પુત્રનું શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ થયું છે. આ બનાવ હત્યાનો હોવાની શંકા પરિવારજનોએ વ્યક્ત કરતાં મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે રાજકોટ ખસેડાયો છે. પચ્ચીસ વર્ષનો યુવાન લીંબડીમાં આવેલા પોતાના કારખાનેથી બાઇક પર રાતે ઘરે જવા નીકળ્યો ત્યારે ગામના સ્મશાન નજીકથી માથામાં ઇજા સાથે મળ્યા બાદ સારવારમાં મોત થયું હતું. માથામાં જે પ્રકારનો એક જ ઘા છે તે જોતાં આ ઇજા વાહન અકસ્માતમાં ન થાય, તેના પર કોઇએ હુમલો કર્યો હોઇ શકે, તેવી શંકા પરિવારજનોએ વ્યક્ત કરતાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
જાણવા મળ્યા મુજબ રાજકા ગામે રહેતો રવિભાઇ બાબુભાઇ મકવાણા (ઉ.વ.૨૫) રાતે સાડા આઠેક વાગ્યે લીંબડી ખાતે આવેલા પોતાના પટોડાના કારખાનેથી બાઇક હંકારી રાજકા ગામે પોતાના ઘરે જવા રવાના થયો હતો. ત્યારપછી તે રાજકા ગામના સ્મશાન પાસે લોહીલુહાણ હાલતમાં મળ્યો હતો. આ બનાવની જાણ ગામલોકો મારફત થતાં પરિવારજનો દોડી ગયા હતાં. રવિભાઇને માથામાં આડો ઘા દેખાયો હોઇ અન તે બેભાન જેવી હાલતમાં હોઇ તુરત જ લીંબડી અને બાદમાં સુરેન્દ્રનગરની હોસ્પિટલમાં ખસેડયો હતો. પરંતુ સારવાર દરમિયાન દમ તોડી દેતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો.
મૃત્યુ પામનાર રવિભાઇ મકવાણા બે ભાઇમાં નાનો હતો. તેના મોટા ભાઇનું નામ પારસભાઇ છે. રવિભાઇના લગ્ન થઇ ગયા હતાં. સોમવારે ૨૭મી જાન્યુઆરીએ જ તેના લગ્નની પહેલી વર્ષ ગાંઠ છે. પરિવારજનોએ કહ્યું હતું કે રવિભાઇને માથામાં જે ઘા છે તે જોતાં વાહન અસ્કમાતની આ ઇજા જણાતી નથી. કોઇએ હથીયારથી પ્રહાર કર્યો હોય તેવો ઘા જણાયો છે. આથી અમને શંકા ઉદ્દભવતા પોલીસે મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે રાજકોટ ખસેડયો છે. રવિભાઇના પિતાનું નામ બાબુભાઇ મુળજીભાઇ મકવાણા અને માતાનું નામ મીનાબેન મકવાણા છે. સગાએ વધુમાં વધુમાં જણાવ્યું હતું કે રવિભાઇના પિતા બાબુભાઇ મકવાણા હાલમાં રાજકા ગામના સરપંચ છે અને જનરલ બેઠક પરથી તે ચુંટાયા છે. સરપંચની ચૂંટણી વખતે સામેના પક્ષ સાથે માથાકુટ થઇ હતી. કદાચ આ ખાર રાખી હત્યા કરવામાં આવી હોવાની પણ અમને શંકા છે.
પોલીસે હાલ કેટલાકની પુછતાછ શરૂ કરી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ આગળ કાર્યવાહી થશે. આ બનાવથી પરિવારમાં અને ગામમાં અરેરાટી વ્યાપી ગઇ છે. ઘટનાની જાણ થતાં મોટી સંખ્યામાં દલિત સમાજના આગેવાનો ઉમટી પડયા હતાં. લીંબડી પોલીસ આ બનાવની તપાસ ચલાવી રહી છે.
(11:29 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
